સંતરામપુર: બાલાસિનોરના જમિયતપુરામાં ડમ્પીંગ સાઇટને લઇ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, આ દરમિયાન ગામના કુવાનું પાણી કાળુ પડી જતાં ભારે ઉહાપોહ થયો છે અને આ પાણી દુષિત થવા પાછળ ડમ્પીંગ સાઇટ જવાબદાર હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. દિવસે દિવસે ભગુર્ભ જળ દુષિત થઇ રહ્યા છે. જેના કારણે ખેતી સહિત માનવ જીવન પર ગંભીર અસરો પડે તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
બાલાસિનોરના જમિયતપુરાના કિરીટભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, જમીયતપુરા લાટ ખાતે એક ખેડૂતના કૂવામાં કાળું પાણી આવતા ગંભીર અસરો પ્રવર્તી રહી છે. જે આગામી સમયમાં પશુ-માનવજાત સહિત ખેતીમાં ગંભીર અસરો સર્જશે. અગત્યનું એ છે કે, જમીયતપુરા પાસે આવેલી ડમ્પિંગ સાઇટ નજીક માત્ર ત્રણ કિલોમીટર વિસ્તારમાં છે. અહીં આવેલા ખેતીલાયક પાણીના કુવામાં કેમિકલ યુક્ત પાણી આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સમગ્ર ઘટનાની જાણ વિસ્તારના ખેડૂતો દ્વારા સ્થાનિક સરપંચને કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, જમિયતપુરા ડમ્પિંગ સાઇટ મુદ્દે અનેક વખત વિરોધનો વંટોળ થઈ ચૂક્યો છે. આ વિસ્તારના નાગરિકો દ્વારા આમરણાંત ઉપવાસ પર બેસીને પણ વિરોધ નોંધાવ્યો હોવા છતાં ડેપિંગ સાઇટ ચાલુજ રહી છે. ચાલુ સાલે વરસાદના આગમન બાદ ડમ્પિંગ સાઈટની ગંભીર અસરો જોવા મળી રહી છે. જેમાં જમીયતપુરા લાટના ખેડૂત હિતેન્દ્રભાઈના કૂવામાં ઝેરી કેમિકલ યુક્ત પાણી આવી ગયું છે. જેમાં કાળું ઓઇલવાળું દુર્ગંધ મારતું પાણી નિકળી રહ્યું છે. આ પાણી ખેતીલાયક નહીં હોવાથી ફળદ્રુપ જમીનને નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરી છે.