ભરૂચ(Bharuch) : ભરૂચ બી ડિવિઝન પોલીસ (Police) મથકમાં PI તરીકે ફરજ બજાવતા બી.એમ.પરમાર (B.M. Parmar) હાલ વોડદરા આદિજાતિ વિકાસ સેલના DYSP તરીકે ફરજ બજાવે છે. તેમના ભરૂચ બી ડિવિઝન ફરજ દરમિયાનના કાર્યકાળમાં ભરૂચમાં મહિલા PSI અને કર્મચારીઓ સાથે જ છેડતી અને અશ્લીલ હરકતો (Harassment) કરી હોવાનો આરોપી મૂકી શનિવારે રાત્રે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ભોગ બનેલી મહિલા PSIએ ફરિયાદ (Complaint) નોંધાવી છે.
આ ઘટનાની વિગત મુજબ માર્ચ 2021માં લંપટ PI બી.એમ.પરમાર ભરૂચ બી ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. ત્યારે મહિલા PSI સહિત અન્ય બીજી પો.સ.ઇ. તેમજ બે મહિલા પોલીસ કર્મચારીને આ PI પરમારે અનેકવાર પોતાની કેબિનમાં બોલાવી કલાકો સુધી ઉભા કે બેસાડી રાખી હતી. તેમણે પુછ્યું હતું કે ‘શું ચાલે છે, ડિયર. તમે એકલા જ રહો છો ને. હું પણ એકલો જ રહું છું. ક્યાંક એકલા મળી ને થોડો લાભ આપો. બહુ જ મજા આવશે.’ તમે કહી મુલાકાત ગોઠવવાનું દબાણ કરતો હતો.
જે તે સમયે મહિલા 2 PSI અને અન્ય 2 કર્મચારી આ PI સામે ફરજ અને કાયદાકીય રીતે કઈ કરી શક્યા ન હતા. જોકે બાદમાં તપાસમાં PIની લંપટગિરી રજૂઆતોના આધારે છતી થતા શનિવારે મધરાત્રે હાલના બી ડિવિઝન PI એ.બી.ચૌધરીએ હાલ વડોદરા ફરજ બજાવતા અને પોતાની જ સહ કર્મચારી મહિલાઓનું શોષણ કરતા DYSP બી.એમ.પરમાર સામે ફરિયાદ દાખલ કરી છે. જેની તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને સોંપવામાં આવી છે.
ભરૂચ વેલફેર હોસ્પિટલમાં કામગીરી તો સ્ટાફે કરી પણ પ્રમોશન બી.એમ. પરમારને મળ્યું
કોવિડ-19 વચ્ચે ગુજરાતના 60માં સ્થાપના દિવસની પૂર્વ મધરાતે ભરૂચની વેલફેર હોસ્પિટલના કોવિડ વિભાગમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 18 દર્દી અને નર્સના મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય દર્દીઓના જીવ ભરૂચ પોલીસે લોકોની મદદથી બચાવી લીધા હતા.આ કામગીરીમાં પણ તે વખતે બી ડિવિઝન પી.આઈ બી.એમ.પરમાર ખોટો જશ મેળવી ગયા હતા. કામગીરી સ્ટાફ અને પોલીસ સાથે પ્રજાએ જીવના જોખમે કરી હોય તેઓએ વાહ વાહી મેળવી હતી. જેના આધારે જ તેમને પી.આઈ.માંથી ડી.વાય.એસ.પી. તરીકે પ્રમોશન મળ્યું હતું.
અતિ સંવેદનશીલ મામલો, તપાસના કાગળ હમણાં જ મળ્યા: તપાસ અધિકારી DYSP દેસાઈ
તત્કાલીન ભરૂચ બી ડિવિઝન પી.આઈ. અને હાલ વડોદરા આદિજાતિ વિકાસ વિજિલન્સ સેલમાં DYSP તરીકે ફરજ બજાવતા બી.એમ.પરમાર સામે મહિલા PSIએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેની તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને સોપાઈ છે. જેઓએ જણાવ્યું હતું કે, તપાસના કાગળ હમણાં જ મને મળ્યા છે. આ અતિ સંવેદનશીલ મામલો છે. હાલ હું બકરી ઇદના બંદોબસ્તમાં છું. હવે આગળ આ અંગે તપાસ હાથ ધરાશે.