SURAT

ભર ચોમાસે સુરતમાં મહિલાઓએ ટેન્કરમાંથી પાણી લેવા લાઈનો લગાવી

સુરત: સુરત(Surat) સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસું(Monsoon) જામ્યું છે. નદી-નાળા છલકાઈ ગયા છે. અનેક ડેમો ઓવરફલો થયા છે. આ વચ્ચે ભર ચોમાસામાં સુરતમાં પાણીની(Water) અછત(Shortage)નાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરતમાં મહિલાઓ ટેન્કરનું પાણી ભરવા મજબુર બની છે. ભર ચોમાસે ઉનાળા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સુરતનાં પુણા વિસ્તારમાં(Puna). પુણા વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પાઇપલાઇન દ્વારા લોકોને પાણી ન મળતા સ્થાનિક લોકો ટેન્કરનું પાણી ભરવા મજબુર બન્યા છે.

પાલિકાને અનેક રજૂઆત છતાં પાણી ન મળ્યું
પાણી ન આવતા સ્થાનિક લોકોએ સુરત મહાનગરપાલિકા તથા કોર્પોરેટરને રજૂઆત કરી હતી. તેમ છતાં પાણી ન મળતા આજે ટેન્કર મારફતે લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું હતું. લોકોને પીવાનું પાણી જ મળ્યું છે જ્યારે ઘરમાં વપરાશ માટે પાણી નથી. મહિલાઓએ જણાવ્યું હતું કે પાણી ન આવતા મુશ્કેલી પડી રહી છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતું પાણી મળતું નથી. હાલમાં માત્ર પીવાનું પાણી મળ્યું છે. ઘરે છોકરાઓને મૂકીને નીચે આવવું પડે છે. પાણીને ચાર માળ, ત્રણ માળ એમ ઉપર ચડાવવાની ફરજ પડે છે. જેથી અમે હેરાન પરેશાન છીએ. તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ કરાવવામાં આવે તેવી અમારી માંગ છે.

શાસક તો ઊંઘે જ છે સાથે વિપક્ષ પણ ઊંઘે છે
અંજની નગર સોસાયટીના પ્રમુખ જોરુભાઈ સાંડસુરે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી પાલિકાનું પાણી નથી આવતું. જેથી સોસાયટીનાં લોકો પરેશાન થઇ ગયા છે. અમે સ્થાનિક નેતાઓ અને પાલિકામાં રજૂઆત કરી હતી. છતાં પાણી ન આવતા ટેન્કર દ્વારા પાણી આપવામાં આવ્યું છે. શાંતિનિકેતન સોસાયટીના પ્રમુખ સુરેશ સુહાગીયાએ જણાવ્યું હતું કે, પાલિકા સ્માર્ટ સિટીની વાતો કરે છે. 24 કલાક પાણી આપવાની વાત કે છે આ વચ્ચે છેલ્લા 48 કલાકથી અમારી સોસાયટીને પાણીનું એક ટીપું પણ મળ્યું નથી. ભર ચોમાસે ટેન્કર રાજની સ્થિતિ સર્જાય છે. શાસકો તો ઊંઘે જ છે. પરંતુ વિપક્ષને પણ લોકોની સમસ્યા બાબતે કોઈ જ દરકાર ન હોય તેવું જોવા મળી રહ્યું છે. લોકોને ટેન્કર મારફતે પાણી મળી રહ્યું છે. આ પાણીને ખેંચીને ચોથા માળ સુધી લઈ જવું પડી રહ્યું છે.

Most Popular

To Top