આણંદ : કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા કેન્સરના દર્દીઓ માટે નર્સિંગ કૌશલ્યનો વિકાસ વિષય પર વર્કશોપ યોજાયો હતો. જેમાં 170 નર્સિસે ભાગ લીધો હતો. આ વર્કશોપ અંગે ચીફ નર્સિંગ ઓફીસર કુલદીપ જજે જણાવ્યું હતું કે, હોસ્પિટલ સંચાલીત મણીભાઈ શિવાભાઈ પટેલ કેન્સર સેન્ટરમાં સર્જિકલ, રેડિયેશન અને મેડીકલ ઓન્કોલોજીસ્ટની કુશળ ટીમ 24 કલાક સાતેય દિવસ કાર્યરત હોય છે. પરંતુ કેન્સરના દર્દી વધતા જાય છે. આથી, નર્સિંગ સંભાળ મહત્વની ભુમિકા ભજવે છે. કેન્સરનું સમયસર નિદાન અને સારવાર થાય તથા કેન્સરના દર્દીઓને રાહત મળે અને આગળના સ્તર સુધીની સંભાળ પુરી પાડવામાં આવે તે જરુરી છે.
કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા ભીખાભાઈ ઓડિટોરીયમમાં કેન્સરના દર્દીઓ માટે નર્સિંગ કૌશલ્યનો વિકાસ વિષય પર વર્કશોપ યોજાયો હતો. જેમાં કેન્સરના સેન્ટરના વડા ડો.નિરવ અસાકાવાલાએ જણાવ્યું હતું કે, વિશ્વમાં 21 ટકા પુરુષ અને 18 ટકા મહિલાઓ કેન્સરથી પીડાય છે, જેમાંથી 13 ટકા પુરુષો અને 9 ટકા મહિલા મૃત્યુ પામે છે. કેન્સરની સંભાળ માટે ઓન્કોલોજી નર્સિંસની માંગ વધી છે. રોગનું નિદાન થાય ત્યારથી રોગના છેલ્લા તબક્કા સુધી દર્દીઓની સંભાળ, ગંભીર દર્દીઓને ઉપશામક સારવાર, દર્દી તથા તેના પરીવારને માનસિક અને આધ્યાત્મિક સહકાર , રોગનું નિવારણ અને સમગ્ર સારવારનું સંચાલન તથા પુન:વસન વગેરે કામગીરીમાં નર્સિસનો વધુ મહત્વનો રોલ છે.
આ વર્કશોપમાં હોસ્પિટલના કેન્સર વિભાગના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર્સ નર્સિંસના કૌશલ્યમાં વિકાસ કરવાના વિષય પર માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું. જેમાં મેડિકલ ઓન્કોલોજીના કન્સલ્ટન્ટ ડો.પ્રિયંકા શ્રીવાસ્તવાએ કીમોથેરાપીના દર્દીઓનું સંચાલન નર્સિંગની જવાબદારી, રેડિયેશન ઓન્કોલોજીના સિનિયર રેસિડેન્ટ, ડો.અમૃતા ત્રિપાઠીએ રેડિયોથેરાપીમાં નર્સિગની ભુમિકા વિશે, એનેસ્થેસિયાના આસિ. પ્રો ડો સંકેત મહેતાએ ઓન્કોલાજી દર્દીઓમાં ઉપશામક સંભાળની જરુરીયાત, હિમેટોલોજીસ્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટના ફિઝીશ્યન ડો.સંકેત શાહે બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટમાં નર્સિંગ ભુમિકા, સર્જિકલ ઓન્કોલોજીના કન્સલ્ટન્ટ ડો.રઘુનંદન જીસીએ ઓન્કોલોજીના દર્દીઓ માટે પોસ્ટ ઓપરેટીવ સંભાળ, ઓરલ ઓન્કોસર્જનના કન્સલ્ટન્ટ ડો.રિધ્ધિ ત્રિવેદીએ માથા અને ગરદનના કેન્સરમાં દર્દીઓની નર્સિંગ સંભાળ વગેરે માટે મંતવ્યો આપ્યાં હતાં.
વધુમાં ડો.જયેશ પટેલ, કન્સલ્ટન્ટ વાસક્યુલર સર્જને વેસ્ક્યુલર એક્સેસ ઉપકરણનું નર્સિંગ મેનેજમેન્ટ ડો.રિધ્ધિ ત્રિવેદીએ ટ્રેકીયોસ્ટોમી સંભાળ અને જીજ્ઞા પટેલે ડાયેટિશ્યને કેન્સરના દર્દીઓમાં પોષણની જરુરીયાત વિષય પર માહિતી આપી હતી. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.ઉત્પલા ખારોડ અને પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના ડીન ડો.હિમાંશું પંડ્યાએ નર્સિંગ વિભાગની આ પહેલને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ, આણંદની ઝાયડસ હોસ્પિટલ,અમદાવાદની એપોલો હોસ્પિટલ અને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટિટ્યુડ ઓફ મેડિકલ સાયન્સિસ અને નડિયાદની એન.ડી દેસાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના 170 નર્સીસે ભાગ લીધો હતો.