ભરૂચ: ભરૂચમાં (Bharuch) તા.9 જુલાઈ (July) સુધી ઓરેન્જ એલર્ટ (Orange Alert) વચ્ચે જિલ્લાના માછીમારો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં આવી ગયા છે. ભાડભૂત (Bhadbhut) નર્મદા નદી (Narmada River) કાંઠે 700 નાવડીઓ (Boat) લંગારી દઈ સાગરખેડુઓ રવિવારે દેવપોઢી એકાદશીથી સાગર ખૂંદવા સજ્જ બની રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે ભાડભૂત ખાતે નર્મદા નદીના કિનારે સેંકડો બોટ લાંગરી દેવામાં આવી છે. તો વહીવટી તંત્ર પણ સાબદું થઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે 9 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થયો છે. ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની વકી વ્યક્ત કરાઇ છે.
- રવિવારે માછીમારો દરિયા દેવ અને નર્મદા મૈયાનું પૂજન કરી વિદેશી હૂંડિયામણ રળી આપતી હિલ્સા માછલીને પકડવા દરિયો ખૂંદશે
જેને લઇ તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે અને અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા માટે આહવાન કરી દેવાયું છે. ભરૂચ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્રએ માછીમારોને પણ સાવચેત રહેવા અપીલ કરી છે. ભાડભૂત ખાતે મોટા પ્રમાણમાં માછીમારી કરી માછીમારો પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. જેમને પણ સાવચેત રહેવા તંત્રએ અપીલ કરતાં હાલ તો માછીમારોએ માછીમારીથી દૂર રહી પોતાની બોટને નદીના કિનારે લંગારી દીધી છે.
ભાડભૂત ગામના ડેપ્યુટી સરપંચ ચીમન ટંડેલે જણાવ્યું હતું કે, ભાડભૂતના નદી કિનારા ઉપર ૭૦૦થી વધુ બોટોને કિનારા ઉપર લાંગરી દેવામાં આવી છે. વર્ષના ૧૨ મહિનામાં ૪ મહિના માછીમારો માછીમારી કરી આખા વર્ષની રોજગારી મેળવી લેતા હોય છે. દેવપોઢી અગિયારસના દિવસથી માં નર્મદા અને દરિયા દેવને દૂધનો અભિષેક કરી માતાજીને ચૂંદડી અર્પણ કરી ભજન-કીર્તન સાથે માછીમારો માછીમારીની મોસમનો પ્રારંભ કરશે. ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડાં મૂકવા આવતી હિલ્સા માછલી જગવિખ્યાત છે. જેના થકી જિલ્લાના માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં કરી લે છે. હિલ્સા માછલી વિદેશી હુંડિયામણ કમાઈ આપતી હોવાથી સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાળ ઉપર રહે છે.
ડાંગ જિલ્લાનાં ધીમી ધારનો વરસાદ યથાવત્
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જેને પગલે ખેડૂતો રોપણીમાં જોતરાઈ ગયા છે. આજરોજ ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ક્યાંક ઝરમરીયો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગનાં ગિરિમથક સાપુતારા ખાતે દિવસ દરમ્યાન વરસાદી હેલીઓની વચ્ચે ગાઢ ધૂમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા સમગ્ર જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ડાંગ જિલ્લા ડીઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 02 મિમી, સાપુતારા પંથકમાં 22 મિમી, આહવા પંથકમાં 23 મિમી, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 26 મિમી અર્થાત 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.