ગાંધીનગર: ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને (Higher Educational Institutions) વિવિધ પ્રકારના રેટિંગ અને રેકિંગ મેળવવામાં માર્ગદર્શક સંસ્થા ગરિમા સેલનું સાયન્સ સિટી (Science City) ખાતેથી મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે ઇ-લોન્ચિંગ કરતાં જણાવ્યું હતુ કે રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને નવી ઉર્જા, નવી દિશા આપવામાં ગરિમા સેલ એક ઉદ્દીપકની ભૂમિકા ભજવશે. ‘ગરિમા સેલ’ રાજ્યના શિક્ષણ ક્ષેત્રની ગરિમાને વધુ ઉન્નત કરશે.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ આપતી સંસ્થા કાર્યરત છે. સેક્ટર સ્પેસિફિટ એજ્યુકેશન આપતી યુનિવર્સિટી ધમધમે છે. આ સંસ્થાઓને નેશનલ અને ઇન્ટરનેશલન લેવલે રેંકિંગ લેવા માટે તૈયાર કરવામાં ગરિમા સેલ ચાવીરૂપ ભૂમિકા ભજવશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘વિદ્યા સુરભિ’ (જ્ઞાન સુરભી) પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ચંદીગઢ યુનિવર્સિટી સાથે એમઓયુ એક્સચેન્જ પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે, નવી શિક્ષણનીતિ આપીને દેશના એજ્યુકેશન સેક્ટરની કાયાપલટ કરવાનો પ્રારંભ કર્યો છે. રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વિકસી રહી છે, નવી ઉપલબ્ધિઓ મેળવી રહી છે. ગુજરાતની ખાનગી તેમજ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદેશના સેંકડો વિદ્યાર્થીઓ આવી અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતમાં બે દાયકા પહેલા આઠ યુનિવર્સિટીઓ કાર્યરત હતી જે આજે વધીને 102 થઈ છે.