Editorial

જો ભાજપ પસંદ કરશે તો મુખત્યાર અબ્બાસ નકવી દેશના ચોથા મુસ્લિમ ઉપરાષ્ટ્રપતિ બનશે

દેશમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેની ટર્મ પુરી થઈ રહી હોવાથી નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવા માટે કવાયત શરૂ થઈ ચૂકી છે. રાષ્ટ્રપતિના પદ માટે ભાજપ સહિતના એનડીએ દ્વારા દ્રોપદી મુર્મુના નામની પસંદગી કરી લેવામાં આવી છે પરંતુ ઉપરાષ્ટ્રપતિ તરીકે એનડીએના ઉમેદવાર કોણ હશે તેની ભારે ચર્ચા ચાલી રહી હતી. ઉપરાષ્ટ્રપતિના ભાગે આમ તો વહીવટીના ધોરણે ખાસ કશું કરવાનું રહેતું નથી પરંતુ આ હોદ્દો એક મહત્વનો હોદ્દો મનાતો હોવાથી ઉપરાષ્ટ્રપતિ તરીકે કોની પસંદગી થાય તે પર તમામની નજર રહેતી હતી.

છેલ્લા કેટલાક સમયથી ઉપરાષ્ટ્રપતિ તરીકે મુસ્લિમની પસંદગી કરવામાં આવી રહી હતી પરંતુ આ વખતે કદાચ તેમાં બદલાવ થાય તેવી વકી હતી. જોકે, ભાજપના લઘુમતી આગેવાન મુખત્યાર અબ્બાસ નકવીએ પોતાની રાજ્યસભાની ટર્મ પુરી થાય તેના એક દિવસ પહેલા જ મંત્રીપદેથી રાજીનામું આપી દેતા હવે નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે મુખત્યાર અબ્બાસ નકવીની પસંદગી કરવામાં આવી તેવી સંભાવના જોવામાં આવી રહી છે. સામાન્ય રીતે ભાજપને લઘુમતિના હામી પક્ષ તરીકે જોવામાં આવતો નથી.

થોડા સમય પહેલા ભાજપની જ પ્રવક્તા નુપુર શર્મા દ્વારા અપાયેલા નિવેદનને કારણે વિશ્વના અન્ય મુસ્લિમ દેશો દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને તેને કારણે કેન્દ્ર સરકારે પાછીપાની કરવી પડી હતી. આ ઘટનાને છાવરી શકાય અને મુસ્લિમ રાષ્ટ્રનો ફરી વિશ્વાસ સંપાદન કરી શકાય તે માટે ભાજપ ઉપરાષ્ટ્રપતિ તરીકે મુખત્યાર અબ્બાસ નકવીની પસંદગી કરી શકે છે અને તેવી ચર્ચા રાજકીય માહોલમાં જોરશોરથી ચાલી રહી છે. મુખત્યાર અબ્બાસ નકવીની કારકિર્દી અત્યાર સુધી કોઈપણ પ્રકારના વિવાદ વગરની રહી છે. આ જોતા ભાજપ માટે તેમની ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદગી યોગ્ય રહેશે.

હાલમાં જ જ્યારે વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની બેઠકોની ચૂંટણી થઈ ત્યારે ભાજપ દ્વારા નકવીને ઉમેદવાર બનાવવામાં આવ્યા નહોતા. નકવી અગાઉ રાજ્યસભામાંથી જ ચૂંટાયા હતા અને તેના આધારે જ તેમને કેન્દ્રીય મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. ભાજપે જ્યારે તેમને રાજ્યસભામાં ઉમેદવાર જ નહીં બનાવ્યા ત્યારે જ એવું માનવાની શરૂઆત થઈ ગઈ હતી કે હવે ભાજપ દ્વારા નકવીને મોટું અન્ય પદ આપવામાં આવી શકે છે.

ખુદ વડાપ્રધાન મોદી દ્વારા નકવીની કામગીરીની પ્રસંશા કરવામાં આવી હતી. જેથી તેમના રાજીનામા સાથે જ તેમના ઉપરાષ્ટ્રપતિ માટેની અફવાઓ શરૂ થઈ જવા પામી છે. નકવી યુપીના અલ્હાબાદના વતની છે. આર્ટ્સ અને બાદમાં માસ કોમ્યુનિકેશન કરનાર નકવીને અગાઉ 1975માં કટોકટી દરમિયાન સરકારનો વિરોધ કરવાને કારણે જેલવાસ ભોગવવો પડ્યો હતો. તે સમયે તેઓ જનતાદળ સાથે જોડાયેલા હતા. 1980માં નકવી અયોધ્યા બેઠક પરથી લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. જોકે, બાદમાં જ્યારે તેઓ 1998માં લોકસભાની ચૂંટણી લડ્યા ત્યારે જીતી ગયા અને તેને કારણે વાજપાઈએ તેમને પોતાની સરકારમાં મંત્રી પણ બનાવ્યા હતા.

ત્યારબાદ 2001થી 2003 દરમિયાન પણ વાજપાઈ સરકારમાં નકવી મંત્રી રહ્યા હતા. નકવી ત્યારબાદ સરકારમાં કોઈ હોદ્દા પર નહોતા પરંતુ ભાજપના સંગઠનમાં કામગીરી કરતા રહ્યા હતા. ફરી જ્યારે ભાજપે તેમને 2016માં રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા ત્યારે તેઓ જીતીને ફરી મોદી સરકારમાં મંત્રી બન્યા હતા. મોદી સરકારમાં નકવીને લઘુમતિ બાબતોનું મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. શરૂઆતમાં તેઓ રાજ્યકક્ષાના પ્રધાન હતા પરંતુ બાદમાં નજમા હેપ્પતુલ્લાહે રાજીનામું આપતા તેમને વિભાગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો હતો. બાદમાં ફરી જ્યારે 2019માં મોદી સરકાર બની ત્યારે નકવીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. નકવીએ લઘુમતિઓનો વિકાસ કરવાને બદલે કોંગ્રેસ દ્વારા લઘુમતિનું તુષ્ટિકરણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. નકવી ભાજપ અને આરએસએસને અલગ અલગ સંગઠન તરીકે ગણાવતા હતા અને બંનેના રસ્તાને પણ અલગ ગણાવતા હતા.

નકવીએ રાજીનામું આપી દેતા તેમની ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર બનવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ સાથે સાથે એ પણ એટલું જ મહત્વનું છે કે આ માત્ર ચર્ચા જ છે. ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિ એવી રહી છે કે જે નામ ચર્ચામાં ચાલતું હોય તેને બદલે અન્યની જ પસંદગી કરવી. આ કારણે જ અનેક વખત ચર્ચાયેલા નામો બદલાતા જોવામાં આવ્યા છે. ભાજપે રાષ્ટ્રપતિપદ માટે પણ દ્રોપદી મુર્મુની પસંદગી કરીને તમામને ચોંકાવી દીધા હતા.

જોકે, ઉપરાષ્ટ્રપતિપદ માટે મુસ્લિમની પસંદગી કરવાની પદ્ધતિ જે હાલમાં ચાલી રહી છે તે જોતાં બની શકે કે નકવીને ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર બનાવવામાં આવે. ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ મુસ્લિમ ઉપરાષ્ટ્રપતિ બની ચૂક્યા છે. જેમાં સને 1962માં ઝાકીર હુસેન, 1979માં મો. હિદાયતુલ્લાહ અને 2007માં મો. હામીદ અન્સારીને સમાવેશ થાય છે. જો મુખ્ત્યાર અબ્બાસ નકવીની ભાજપ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદગી કરવામાં આવશે તો તે દેશના ચોથા મુસ્લિમ ઉપરાષ્ટ્રપતિ બનશે તે નક્કી છે.

Most Popular

To Top