ભરૂચ: ભરૂચના (Bharuch) ભોલાવ વિસ્તારમાં આવેલી મંગલમ સોસાયટીમાં રહેતી મહિલા તાંત્રિકે ખાનગી બેન્કની આસિસ્ટન્ટ મેનેજર (Assistant manager) પાસેથી તેના ભાઈને વ્યસન અને કુટેવ છોડાવવા વિધિ કરવાનું કહી રૂ.૩.૬૭ લાખ પડાવી પરત નહીં કરતાં પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઈ છે. ભાઈ અતુલની ડ્રિંક અને અન્ય કુટેવોમાં સુધારો નહીં આવતાં મહિલા તાંત્રિક પાસે આસિસ્ટન્ટ મેનેજરે રૂપિયા પરત માંગતાં તાંત્રિકે શિષ્યો મારફતે મારી નાખવાની ધમકી પણ આપી હતી.
મૂળ ઉત્તરપ્રદેશ વતની અને હાલ ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલા હરિઓમનગર ખાતે રહેતાં જ્યોતિ સચિન ચૌધરી ખાનગી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેમનો ભાઈ દારૂનું વ્યસન અને અન્ય કુટેવોની આદત ભૂલી જાય એ માટે તેમની માતાને તેમની કામવાળીએ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલી મંગલમ સોસાયટીમાં રહેતી મહિલા તાંત્રિક સપના ઉર્ફે સોનલ વિનોદકુમાર વેગડ પાસે મોકલ્યાં હતાં. તેણીએ તેને માતાજી આવે છે. જેઓ ભાઈ અતુલની કુટેવો છોડી મૂકશે તેમ કહેતાં મહિલા અને તેની માતા તાંત્રિક પાસે ગયા હતા. જેણે ધૂણીને પૂજા અને તાંત્રિક વિધિ માટે રૂ.૪૦ હજાર ખર્ચ થશે તેમ કહ્યું હતું.
એ સમયે ત્યાં હાજર મહિલા તાંત્રિકના શિષ્ય ગૌરવ અનિલ પારેખ, ભૂપેશ રમણ માછીએ સપનાબેનને માતાજી આવે છે, જેનાથી ઘણા લોકોનાં કામ થાય છે. તમારો ભાઈ પણ સારો થઇ જશે. પૂજા વિધિનો ખર્ચ આપો તો તમારો ભાઈ સારો થઇ સાજો થઇ જશે તેમ કહેતાં મહિલા અને તેની માતા અવારનવાર ત્યાં જવા લાગ્યા હતા. મહિલા તાંત્રિકે પૂજા-વિધિના નામે શિષ્ય ગૌરવ પારેખના બેન્ક ખાતામાં પ્રથમ રૂ.૨૪ હજાર અને બહેન તેમજ અન્ય મિત્રોના એકાઉન્ટમાંથી મળી કુલ રૂ.૩.૬૭ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. એ બાદ પણ ભાઈ અતુલની ડ્રિંક અને અન્ય કુટેવોમાં સુધારો નહીં આવતાં મહિલા તાંત્રિક પાસે આસિસ્ટન્ટ મેનેજરે રૂપિયા પરત માંગતાં તાંત્રિકે શિષ્યો મારફતે મારી નાખવાની ધમકી આપી છેતરપિંડી કરતાં એ ડિવિઝન પોલીસમથકે ત્રણ ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
વલસાડ રેલવે સ્ટેશને ટ્રેનમાંથી મોબાઇલ ચોરનાર ઝડપાયો
વલસાડ : વલસાડ રેલવે સ્ટેશન ઉપર બિકાનેર-દાદર એક્સપ્રેસ ટ્રેનમાંથી ચા વેચનારનો મોબાઇલ ચોરાયો હતો. જે અંગેની ફરિયાદ બાદ રેલવે પોલીસે મોબાઈલ ચોરનારને ઝડપી પાડી તેની પાસેથી બે મોબાઈલ જપ્ત કર્યા છે. પોલીસ સૂત્રો પાસેની મળતી માહિતી મુજબના મોગરાવાડીમાં રહેતા સરોજ દશરથ મંડલ વલસાડ રેલવે સ્ટેશન ઉપર ટી સ્ટોલમાં કામ કરે છે. વલસાડ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં. ત્રણ ઉપર આવેલી બિકાનેર-દાદર એક્સપ્રેસ ટ્રેનમાં સરોજ ચા વેચવા ગયો ત્યારે એનો સી 2 કંપનીનો મોબાઇલ જેની કિં.રૂ. 9000 ચોરાઈ ગયો હતો. જે અંગેની ફરીયાદ વલસાડ રેલવે પોલીસ મથકે નોંધાવી હતી. જેના આધારે રેલવે પોલીસે તપાસ ધરતાં મળેલી બાતમીના આધારે મોગરાવાડી ઈસ્ટ રેલવે યાર્ડ ઝુંપડીપટ્ટીમાં રહેતો સમશેર ઝહીર ખાનની પોલીસે ધરપકડ કરી હતી. એની પાસેથી બે મોબાઈલ સહિત મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.