હથોડા: કોસંબા (Kosamba) રેલવે સ્ટેશન (Railway Station) ખાતે કોરોનાની (Corona) મહામારીના કારણે અગાઉ અત્રેથી દોડતી ટ્રેનોનાં (Train) સ્ટોપેજ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. પરંતુ કોરોનાની મહામારી ઓછી થવા સાથે ફરી પાછી ટ્રેનો દોડતી થઈ છે. ત્યારે રોજિંદા મુસાફરોની (Passengers) હાડમારી દૂર કરવા માટે કોસંબા રેલવે સ્ટેશને બંધ કરેલાં સ્ટોપેજ ફરી શરૂ કરવા તરસાડી ખાતે રહેતા બળવંત પંચાલ દ્વારા દિલ્હી (Delhi) રેલવે મંત્રાલયને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
તરસાડીના શાલીમાર પાર્ક ખાતે રહેતા બળવંત ઈશ્વર પંચાલે દિલ્હીના રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, કોસંબા રેલવે સ્ટેશન જંક્શન અને સુરત જિલ્લાનું સૌથી મોટું રેલવે સ્ટેશન છે. અગાઉ કોરોનાની મહામારીના કારણે અપ અને ડાઉન ટ્રેન જેવી કે દેહરાદુન એક્સપ્રેસ, મુંબઈ વિરમગામ પેસેન્જર, ભરૂચ વિરાર શટલ, ફિરોઝપુર જનતા એક્સપ્રેસ, બાંદ્રા જામનગર ઇન્ટરસિટી, સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, લોકશક્તિ એક્સપ્રેસ, વિરમગામ મુંબઈ લોકલ વગેરે ગાડીઓ અપ અને ડાઉનમાં લોકલ ગાડી તેમજ સુપરફાસ્ટ વગેરે દોડતી ટ્રેનોનાં કોસંબા ખાતે સ્ટોપેજ હતાં. જે કોરોનાની મહામારીના કારણે બંધ કરવામાં આવ્યાં હતાં. પરંતુ હાલમાં કોરોનાની મહામારી તદ્દન ઓછી થઈ ગઈ હોવાથી તેમજ કોસંબાથી સુરત, વલસાડ, નવસારી, અમદાવાદ, ભરૂચ, બરોડા સુધી નોકરિયાત વર્ગ આવ-જા કરે છે.
કોસંબા પંથકમાં મોટી મોટી ફેક્ટરી આવેલી છે. જેમાં અંતરિયાળ વિસ્તારમાંથી નોકરિયાત વર્ગ અને ધંધાર્થીઓ ટ્રેનોનાં સ્ટોપેજ બંધ હોવાથી લાચાર બનીને રઝળપાટ કરી રહ્યા છે. અને મોંઘુંદાટ ભાડું ખર્ચીને ખાનગી વાહનોના હવાલે થઈ રહ્યા છે. ખાનગી વાહનોમાં ઘેટાં-બકરાંની જેમ બેસીને નેશનલ હાઈવે સુધી જવું પડે છે. અને હાઇવે પરથી વાહન પકડવા પડે છે. જો કોસંબાને ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે તો રોજિંદા મુસાફરોને રાહત થાય તેમ છે.
લેખિતમાં જણાવ્યું છે કે, જે ટ્રેનો વર્ષો જૂના ટાઈમ ટેબલ ઉપર ચાલતી મોટા ભાગની ટ્રેનના કોસંબા જંક્શન ખાતેથી ખેંચી લેવામાં આવેલ છે. જે ટ્રેનોનો કોસંબા ખાતે વિચારવિમર્શ કરીને ફરીથી સ્ટોપેજ આપવામાં આવે તો રોજિંદા મુસાફરોને વર્ષોની સમસ્યાનો અંત આવે તેમ છે. કોસંબાની આસપાસનાં 50 જેટલાં ગામડાંની જનતા કોસંબા આવીને રેલવે સ્ટેશનથી ટ્રેનો પકડે છે. તેમને લાભ મળે તેમ છે. તેમજ રોજિંદા અપડાઉન કરતા લોકોને પણ લાભ મળે તેમ છે.
કોસંબા તરસાડીની જનતા તેમજ માંગરોળ તાલુકાની જનતાને ધાર્મિક સ્થળોએ આવવા જવા માટે વલસાડ, હરિદ્વાર એક્સપ્રેસ અને ગાંધીધામ કચ્છ એક્સપ્રેસ ટ્રેનનાં કોસંબા જંક્શન ખાતે સ્ટોપેજ આપવામાં આવે તો સંખ્યાબંધ યાત્રીઓને લાભ મળે અને કાયમી પરેશાની દૂર થાય તેમ છે અને રાબેતા મુજબ ચાલતી દાહોદ-ગોધરા ઇન્ટરસિટી અને સયાજીનગરીમાં પણ જનરલ કોચ ડબ્બા ત્રણનો વધારો કરી આપવામાં અને વધુમાં દર બે કલાકે લોકલ ટ્રેન વલસાડથી આણંદ સુધી ચાલુ કરી આપવામાં આવે તો રોજિંદા મુસાફરોને રાહત થાય તેમ છે.