ડિમ્પલ કાપડિયા એક એવી અભિનેત્રી છે જેને તમે પૂર્ણવિરામ વિનાના વાક્યની જેમ વાંચી શકો. પૂર્ણવિરામ ન હોય તો વાંચનારે જાતે જ લય ઊભો કરી લેવો પડે છે. ડિમ્પલ એવા લયની અપેક્ષા રાખે છે. તેણે ક્યારેય વધારે કામ કરવું પસંદ નથી કર્યું અને તેનો મતલબ એ કે તેણે કદી વ્યાવસાયિક અસલામતી નથી અનુભવી. ‘બોબી’ પછી તેણે વિરામ લેવો પડ્યો અને ફરી આવી તોય તરત જ ફિલ્મના ‘સાગર’માં સમાય ગઇ. અત્યારે પણ તે પોતાની રિધમમાં જ કામ કરે છે અને એટલે વેબ સિરીઝમાં પણ કામ કરે છે. ગયા વર્ષે ‘તાંડવ’માં હતી અને તેનું કારણ એ સિરીઝ જે સ્તરની હતી તે છે. અલી અબ્બાસ ઝફર કે જે ‘સુલતાન’, ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘ભારત’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચુક્યો છે તે એ સિરીઝનો દિગ્દર્શક હતો. અત્યારે એ જ અલી અબ્બાસ ઝફરની ‘દિલ્લી’ વેબ સિરીઝમાં તે કામ કરે છે. અગાઉની પણ સૈફ અલીખાન હતો અને આમા પણ સૈફ છે. ડિમ્પલ પોતાના પાત્રો વિશે સભાન રહે છે અને એટલે જરૂર હોય તો નાની ભૂમિકા પણ કરી લે છે. ‘દબંગ , ‘અંગ્રેજી મિડીયમ’ ફિલ્મો એવી જ હતી.
ડિમ્પલ કાપડિયાએ અભિનય સિવાય બીજું કશું કરવું પસંદ નથી કર્યું. નિર્માણ કે દિગ્દર્શનમાં તે કદી પડી નથી. તેણે દીકરી માટેય ફિલ્મ નથી બનાવી કે જમાઇ અક્ષયકુમાર પાસેય કામ માંગ્યું નથી. તેને પોતાનું ગૌરવ સાચવતા આવડે છે. ‘બોબી’, ‘અર્જુન’, ‘સાગર’, ‘જાંબાઝ’, ‘કાશ’, ‘કબજા’, ‘જખ્મી ઔરત’, ‘રામલખન’, ‘લેકિન’, ‘દૃષ્ટિ’, ‘પ્રહાર’, ‘અંગાર’, ‘રૂદાલી’, ‘ગર્દીશ’, ‘દિલ ચાહતા હૈ’, ‘લીલા’, ‘બિઈંગ સાયરસ’, ‘બનારસ’ તેની ખાસ ફિલ્મો કહી શકાય. હવે ફિલ્મોમાં મહત્ત્વની ભૂમિકા ઓછી મળે છે તો તે વેબ સિરીઝ તરફ વળી છે.
ફિલ્મો સાવ બંધ કરી છે એવું નથી. તેની થોડા મહિનામાં ‘બ્રહ્માસ્ત્ર’ રજૂ થશે. રિશી કપૂર સાથે કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી હવે રિશીના પુત્ર સાથે કામ કરે છે એ જુદી ઘટના કહેવાય. તે શાહરૂખખાન સાથે પઠાનમાં પણ દેખાશે. જ્યારે કોઇ ફિલ્મની સ્ટાર વેલ્યુ વધારવાની ઘણાને મન તે ખાસ બની જશે. જો કે ડિમ્પલ એકદમ જમીન પર રહેનારી અભિનેત્રી છે. તે પોતાના ગીતો પણ નથી ગાતી. ઇન્ટરવ્યુ પણ ક્યારેક જ આપે. પોતાના અંગત જીવનની ચર્ચા કરવી પણ તેને પસંદ નથી. રાજેશ ખન્નાથી જુદી પડી ત્યારે પણ તેણે શોર મચાવ્યો ન હતો. સની દેઓલ સાથેના પ્રેમ સંબંધની પણ તેણે બહુ ચર્ચા થવા દીધી નથી.
ડિમ્પલ બહુ સ્વસ્થ વ્યક્તિત્વ ધરાવે છે ને શાંતિથી પોતાના લક્ષ્ય તરફ ગતિ કરતી રહે છે. ગયા વર્ષે તે હોલિવુડની ‘ટેનેટ’ ફિલ્મમાં આવી હતી. અત્યારે તે ‘લવરંજન’ની ફિલ્મમાં શૂટિંગમાં પણ રોકાયેલી છે. આ તેની વર્કીંગ સ્ટાઇલ છે. બસ કામ કરતા રહો. શોર નહી મચાવો! તેના વ્યસ્ત સમયમાં રેખા, રાખી, શ્રીદેવી, જયાપ્રદા સહિત અભિનેત્રીઓ હતી ત્યારે પણ તેને ફરક નથી પડ્યો. લતા મંગેશકરે ફિલ્મ બનાવી તો તેના ડિમ્પલ લીધેલી. ગુલઝાર, કલ્પના લાજમી, ફરહાન અખ્તરે તેનો આગ્રહ રાખ્યો છે. તેની જુની ફિલ્મ અટકી ગઇ, બાકી ઉમરાવજાન પછીની મુઝફ્ફર અલીની તે મહત્ત્વની ફિલ્મી પૂરવાર થઇ હોત જેમાં ડિમ્પલ હતી. અત્યારે સૌરભ શુકલા દિગ્દર્શિત ‘જબ ખૂલી કિતાબ’માં તે પંકજ કપૂર સાથે આવી રહી છે. 50 વર્ષના લગ્ન પછી છુટાછેડા લેવા વિશેની આ એક રોમેન્ટિક કોમેડી છે. ડિમ્પલ હોય તો ફિલ્મ જોવી પડે. આ ઇમેજ આજે પણ છે. •