Entertainment

અનુપમ સાચે જ અનુપમ છે!

જે હીરોની ભૂમિકા કરતા હોય તે સેંકડો ફિલ્મોમાં કામ નથી કરી શકતા, પણ ચરિત્ર અભિનેતા કરી શકે છે. કારણ કે તેમને આખી ફિલ્મમાં નહીં, કેટલાંક દૃશ્યોમાં દેખાવાનું હોય છે. હમણાં અનુપમ ખેર સતીશ કૌશિક નિર્મિત ‘કાગઝ – 2’માં કામ કરી રહ્યા છે, જે તેમની 526મી ફિલ્મ છે. અનુપમ ‘સારાંશ’થી જ ખૂબ મહત્વના અભિનેતા તરીકે પૂરવાર થયેલા અને ચરિત્ર અભિનેતા તરીકે પણ એ કારણે અનેક મહત્વની ફિલ્મોમાં કામ કર્યું. 2 – 4 દૃશ્યો જ કરવા પડે તેવા અભિનેતા તેઓ નથી, છતાં તેઓ હીરો નથી એટલે 526 ફિલ્મો કરી શકયા છે. અનુપમ ખેર કેટલાંક વર્ષથી રાજકીય રીતે પણ સક્રિય છે અને તે પહેલા પોતાની અભિનય સ્કૂલ પણ શરૂ કરી ચૂકયા છે. તેઓ માત્ર અભિનય પૂરતા મર્યાદિત રહી શકે એવા છે જ નહીં અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના અધ્યક્ષ પણ રહ્યા છે.

લખનૌની ભારતેન્દુ નાટ્‌ય અકાદમીમાં નાટક પણ શીખવે છે. અનુપમે 29મા વર્ષે ‘સારાંશ’ માં 65 વર્ષના વૃધ્ધની ભૂમિકા ભજવી આરંભ કરેલો અને હવે એ ઉંમર પાર કરી 67 વર્ષના થઇ ચૂકયા છે. અમરીશપુરી, અનુપમ ખેર, પરેશ રાવલ વગેરેના કારણે વિત્યા 35 – 40 વર્ષની ફિલ્મોને એક મોભો પ્રાપ્ત થયો છે. આ અભિનેતાઓ હાજર હોય એટલે જે હીરો હોય તેને પણ સારા અભિનયની ફરજ પડે. અનુપમે તો પિતા, મિત્ર, દાદાની ભૂમિકાઓમાં રહી ખલનાયકી અને કોમેડી સહિતની ભૂમિકાઓ પણ કરી છે. TV શોને હોસ્ટ પણ કર્યા છે.

શરૂના વર્ષોમાં તેઓ મહેશ ભટ્ટના ફેવરિટ એકટર હતા અને પછી યશ ચોપરાના ખાસ બનેલા. શાહરૂખખાન સાથે અનુપમે ‘ડર’, ‘ઝમાના દીવાના’, ‘દિલવાલે દુલ્હનીયાં લે જાયેંગે’, ‘ચાહત’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘મહોબ્બતેં’, ‘વીરઝારા’, ‘જબ તક હૈ જાન’, ‘હેપી ન્યુ યર’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે, જેમ અમિતાભ બચ્ચન સાથે પ્રાણ અભિનય કરતા કે ગોવિંદા સાથે કાદરખાન દેખાતા એવું જ આ છે. અનુપમ નિર્માતા કે દિગ્દર્શક તરીકે વધુ સફળ નથી રહી શકયા. ‘ઓમ જય જગદીશ’ ફિલ્મનું દિગ્દર્શન કરેલું તે સાવ જાણીતી ફોર્મ્યુલા ફિલ્મ હતી, જે અગાઉ મનમોહન દેસાઇ જેવા બનાવી ચૂકયા હોય. પણ હા, ‘મૈંને ગાંધી કો નહીં મારા’ના નિર્માણ અને અભિનયમાં તેમણે પ્રશંસા મેળવી છે.

અનુપમની અનેક મહત્વની ભૂમિકામાં ‘એ વેનસડે’માં પોલીસ કમિશનર રાઠોડની ભૂમિકા પણ છે. અનુપમને જ્યારે પણ પડકારરૂપ પાત્રો મળ્યા છે ત્યારે ખીલી ઉઠયા છે. તે ચાહે ‘ડેડી’ની ભૂમિકા હોય કે હમણાંની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ભૂમિકા. તેમણે પોતાની સાથે નિરંતર પ્રયોગ કર્યા છે. સુરજ બડજાત્યાની ‘હમ આપકે હૈ કોન’ને કોઇ ભૂલી ન શકે. તેઓ અત્યંત સહજ રીતે દરેક પાત્રોમાં ઢળી શકે છે. જેને બહુ વહેલી ટાલ પડી ગઇ હોય તે ફિલ્મ જગતમાં સફળ ન થઇ શકે પણ ભૂતકાળમાં ડેવિડને વાંધો નથી આવ્યો. રાજકુમારે કાયમ વ્હીગ પહેરી યા ઘણા વર્ષોથી અમિતાભ વ્હીગ પહેરે છે તે વાત જુદી. અનુપમે પાત્રની જરૂરિયાત મુજબ વ્હીગ પહેરી હશે.

બાકી ટાલમાં તેઓ સ્વીકૃત છે. હા, જેમના માટે સતત નવી નવી વ્હીગ બનાવવી પડી હોય તેવા અભિનેતામાં અનુપમ ખેરને ગણી શકો. અંગત જિંદગીમાં કિરણ ખેરને પરણેલા અનુપમને પોતાને કોઇ સંતાન નથી, પણ કિરણને આગલા લગ્નથી જે દીકરો થયેલો તે સિકંદરને પોતાની અટક આપી છે. અનુપમનું આ વ્યકિતત્વ છે. પત્ની કિરણ ખેરને કેન્સર થયું ત્યારે પણ તેમણે સાચવી લીધું. તમે ફેસબુક પર જોશો તો મા દુલારી સાથે પણ તેમના કેવા મઝાના સંબંધ છે તે સમજાશે. તે નાગરિક તરીકે પણ ખાસ પ્રકારે સંવેદનશીલ છે, એટલે જાહેર પ્રશ્નોમાં ઊતરી પડે છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં અભિનય છે તેમાં ય તમે અંગતતા જોઇ શકો. તમે તેમના TV શો જુઓ તો તેમાંય એક ખાસ પ્રકારની અંગતતા અનુભવશો. હા, તેઓ મોદીના હિન્દુત્વમાં માને છે અને અમેરિકાની હિન્દુ યુનિવર્સિટીએ તેમને ડોકટરેટની માનદ ડિગ્રી પણ આપી છે. અત્યારે સુરજ બડજાત્યાની ‘ઊંચાઇ’ સહિત 7 ફિલ્મોમાં કામ કરતા અનુપમ સાચે જ અનુપમ છે. •

Most Popular

To Top