Entertainment

‘અનન્યા’ નામ છે, પૂરવાર થવું બાકી છે

અનન્યા પાંડે ‘ખાલી પીલી’ જ એકટ્રેસ થઈ છે કે શું? છેલ્લે ‘ગહેરાઈયા’માં તે હતી, પણ દિપીકા પાદુકોણ હોય તો બધાની નજર તેની પર જ હોય, અનન્યા પર નહીં. અનન્યાએ હજુ તેના નામ પ્રમાણે ‘અનન્યા’ પૂરવાર થવાનું બાકી છે. અલબત્ત તેના ફિલ્મ પ્રવેશને હજુ સાડા ત્રણેક વર્ષ જ થયા છે અને આ દરમ્યાન કુલ 4 જ ફિલ્મ રજૂ થઈ છે. વચ્ચે કોરોનાનો લાંબો સમય આવી ગયો તે ખરું, પણ વિત્યા 6 મહિનામાં ય તેની એવી ફિલ્મ નથી આવી કે બધાની નજર તેની તરફ જાય. જે ફિલ્મો આવી તેમાં પણ તે જ કેન્દ્રમાં હોય એવી ફિલ્મ તો માત્ર ‘ખાલી પીલી’ જ ગણાય. બબ્બે હીરોઈનોવાળા પ્રોજેક્ટ શરૂના વર્ષોમાં તેણે ન લેવા જોઈએ.

જેનામાં આત્મવિશ્વાસનો અભાવ હોય તે જ એવું કરે. અત્યારે તેની જે 2 ફિલ્મો આવે છે, તેમાં ‘લાઈગર’ પાસે વધારે અપેક્ષા રાખી શકો. પરંતુ કારણમાં તો વિજય દેવરકોન્ડા અને ફિલ્મનો દિગ્દર્શક પુરી જગન્નાથ જ રહેશે. કરણ જોહરની આ ફિલ્મ છે અને હિન્દી ઉપરાંત તમિલમાં રજૂ થવાની છે. મતલબ કે અનન્યા હવે તમિલ ફિલ્મોમાં ટ્રાય કરી શકશે. આ ફિલ્મનું શૂટિંગ તો ફેબ્રુઆરીમાં પૂરું થઈ ગયું છે પણ હજુ 25મી ઓગસ્ટે રજૂ થવાની શક્યતા છે. એવુ કહી શકાય કે આ વર્ષે તેની આ 1 જ ફિલ્મ રજૂ થશે. ‘ખો ગયે હમ કહાં’ આ વર્ષના અંતમાં રજૂ થાય તો થાય.

અનન્યા કાંઈ એવી સ્ટાર નથી કે જેની ફિલ્મ બીજી ફિલ્મોથી આગળ કરવી પડે. ‘ખો ગયે હમ કહાં’માં તો મોટા સ્ટાર્સ પણ નથી. જો કે ‘લાઈગર’માં પણ મોટા સ્ટાર છે એવું નહીં કહી શકાય. કારણ કે વિજય દેવરકોન્ડાની હિન્દી ફિલ્મના પ્રેક્ષકોમાં કોઈ ઓળખ નથી. અનન્યા જ્યારે આરંભે આવી ત્યારે થોડી ચર્ચા જરૂર જગાવી હતી પણ બીજી બધી અભિનેત્રીઓ વચ્ચે તે પાછળ રહી ગઈ છે. તેણે જાન્હવી કપૂર, સારા ખાનની કારકિર્દીનો અભ્યાસ કરવો જોઈએ. રશ્મિકા મંદાના હિન્દીમાં 1 જ ફિલ્મ છતાં સેન્સેશનલ પૂરવાર થઈ છે. કિયારા અડવાણી પણ દરેક ફિલ્મે આગળ વધી રહી છે. અનન્યાનું તેનાથી ઉલ્ટું બને છે. દરેક ફિલ્મે તે પાછળ હટી રહી છે. અનન્યાને કોઈ સારા માર્ગદર્શકની જરૂર છે. •

Most Popular

To Top