વિદ્યુત જામવાલ પોતાને એકશન હીરો તરીકે ઓળખાવે છે અને એકશન હીરો તરીકે જ તેણે ફિલ્મો પણ મેળવી છે, પણ તેની કારકિર્દી હજુ ય એકશનમાં આવી નથી. 16 ફિલ્મો રજૂ થયા પછી તેની દરેક ફિલ્મો એ રીતે રજૂ કરવામાં આવે છે કે તે ડેબ્યુસ્ટાર હોય. સુનીલ શેટ્ટી, ટાઇગર શ્રોફ, જોહન એબ્રાહમ એ બધાએ એકશન સ્ટાર તરીકે પોતાની જગ્યા ઊભી કરવામાં આટલો સમય લીધો નહતો. હકીકતે માત્ર એકશન સ્ટાર તરીકે કોઇ સફળ પણ નથી થતું. આ કાંઇ હોલિવુડ કે સાઉથ નથી, જ્યાં દરેક ત્રીજી ફિલ્મ કોઇને કોઇ રીતે એકશન ફિલ્મ હોય.
વિદ્યુતના નામમાં વિદ્યુત છે ને એકશનમાં પણ વિદ્યુત છે, પણ કારકિર્દીમાં વિદ્યુત નથી. તમે જુઓ તો તેની છેલ્લી ચારેય ફિલ્મો OTT પ્લેટફોર્મ પર જ રજૂ થઇ છે. ચાહે ‘યારા’ (ઝી-5), ‘ખુદા હાફીઝ’ (હોટસ્ટાર), ‘ધ પાવર’ (ઝી પ્લેકસ) યા ‘સનક’ (ડીઝની+) હોય. હજુ તેને થિયેટર ફિલ્મના સ્ટાર તરીકે માન નથી મળતું. હા, તેની ‘ખુદા હાફીઝ – 2’ હવે થિયેટરમાં રજૂ થવાની છે. જો તે ચાલી તો વિદ્યુત તેના નામ પ્રમાણે પૂરવાર થશે. એકશન ફિલ્મો અલબત્ત ચાલે છે, પણ અજય દેવગણ, સલમાનખાન, અક્ષયકુમાર કે ઋતિક રોશન એવી ફિલ્મો કરે તો તેમાં સ્ટોરી એકદમ સોલીડ હોય છે. તેમાં એકશન સિવાય બીજી ફેમિલી ઇમોશન્સ હોય છે.
અજય, સલમાનના નામે તો લોકપ્રિય પાત્રો છે. એવું હજુ વિદ્યુત માટે નથી બન્યું. બાકી તેની ‘કમાંડો’ની ય 2 સિકવલ બની છે અને ‘ખુદા હાફિઝ’ની ય આ બીજી ફિલ્મ છે. વિદ્યુતની ફિલ્મોની બહુ સ્ટાર વેલ્યુ પણ નથી હોતી. કારણ કે તેમાં ટોપ હિરોઇન કે અફલાતૂન મ્યુઝિક નથી હોતું. એવું ત્યારે બનશે જ્યારે તેની ફિલ્મો મોટો ધંધો કરતી થશે. ફિલ્મને જબરદસ્ત સફળ બનાવવા પ્રોડકશન વેલ્યુ વધારવી પડતી હોય છે. વિદ્યુત હવે નિર્માતા બનવા સુધી પહોંચી ગયો છે અને ‘IB 71’ નામની ફિલ્મ બનાવી રહ્યો છે. જેના દિગ્દર્શક તરીકે તેણે નેશનલ એવોર્ડ વિનીંગ ડાયરેકટર સંકલ્પ રેડ્ડીને લીધો છે. આ થ્રીલરમાં અનુપમ ખેર પણ છે.
આ ફિલ્મનો સહ નિર્માતા ભુષણકુમાર છે. તમે કહી શકો કે વિદ્યુતમાં એ સભાનતા છે કે પોતાને સફળ બનાવવા શું કરી શકાય પણ તેની લડાઇમાં તે એકલો પડતો જાય છે. તે સારા નિમાર્તાને આકર્ષી શકતો નથી. તે અત્યારે ‘શેર સિંહ રાણા’ નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. ફૂલનદેવીની હત્યા આ શેરસિંહ રાણાએ કરેલી અને તેના માટે તેને આજીવન કારાવાસની સજા પણ મળેલી. શેરસિંહ રાણા એ જ છે જે પૃથ્વીરાજ ચૌહાણના અવશેષો અફઘાનિસ્તાનથી ભારત લાવેલો અને અત્યારે પોતાની પાર્ટી બનાવી રાજનેતા તરીકે કામ કરે છે. શેરસિંહ રાણાના જીવનમાં ઘણો ડ્રામા છે. ‘ટોઇલેટ : એક પ્રેમકથા’ ના દિગ્દર્શક શ્રીનારાયણ સીંઘ તેનું દિગ્દર્શન કરે છે.
વિદ્યુત ‘CID’, ‘અલ્ટીમેટ બીસ્ટમાસ્ટર’ અને ‘ઇન્ડિયાઝ અલ્ટીમેટ વોરિયર’ જેવી સિરીઝમાં પણ કામ કરી ચૂકયો છે. આમ છતાં તે પોતાને જોઇતું સ્થાન માટે હજુ ફાંફાં મારે છે એવું જ કહી શકાય. જમ્મુમાં જન્મેલો વિદ્યુત માર્શલ આર્ટસ પર ભરોસો મૂકી આગળ વધી રહ્યો છે અને હિન્દી ઉપરાંત તેલુગુ ફિલ્મોમાંય કામ કરે છે, પણ વિદ્યુતનો કરંટ હજુ જોઇએ તેટલો અનુભવાતો નથી. હવે સામે ‘ખુદા હાફીઝ – 2’ રજૂ થઇ રહી છે, તેના આધારે ખબર પડશે કે તે તેની દિશામાં કેટલો આગળ વધ્યો. પણ તેણે એકશન થ્રીલરથી થોડા આગળ વધવું પડશે તો જ તેની કારકિર્દી એકશનમાં આવશે. •