દેવ-દાનવના અવિરત યુદ્ધ અને સંહારની અનેક કથાઓ આપણે પૌરાણિક ગ્રથોમાં વાંચી છે.… આજે પણ આવાં યુદ્ધ ચાલુ છે. માત્ર પાત્રો પલટાયાં છે. આ સતત જંગમાં એક છેડે છે માનવી અને સામે છેડે છે પ્લાસ્ટિક. પ્લાસ્ટિક પદાર્થથી બનેલી અગણિત ચીજ-વસ્તુઓ આમ તો માનવી માટે અત્યંત ઉપયોગી છે. એના વગર રોજિંદું જીવન ન ચાલી શકે એવા ખપની છે પણ પ્રદૂષણની સમજણ આવી પછી માનવી પર્યાવરણ વિશે વધુ સજાગ થયો અને સમજાયું કે પ્લાસ્ટિકના પદાર્થ આપણી જરૂરિયાતના સ્વાંગમાં અસુર છે.… આવા દૈત્યને નાથવાના આપણે ત્યાં આ ૧ જુલાઈથી સભાનતાપૂર્વક પ્રયાસ શરૂ થયા છે.‘પર્યાવરણને પ્લાસ્ટિકમુકત બનાવો’ની ઝુંબેશ વિધિસર શરૂ થઈ છે ત્યારે પ્લાસ્ટિકને લીધે આવી વિષમ પરિસ્થિતિ કેમ અને કઈ રીતે સર્જાઈ એ આપણે અહીં પ્રશ્નોત્તરીરૂપે જાણી-સમજી લેવી જરૂરી છે.…
સૌ પ્રથમ જાણીએ પ્લાસ્ટિક એટલે શું ?
ઉત્તર : પ્લાસ્ટિકની રાસાયણિક પ્રક્રિયામાં ઊંડા ઊતરવાની ક્ડાકૂટમાં પડ્યા વગર સરળ ભાષામાં કહીએ તો કાર્બન-ઑક્સિજન-હાઈડ્રોજન-નાઈટ્રોજન- સલ્ફર-ક્લોરિન જેવાં વિવિધ ઘટક-તત્ત્વોના સંયોજનથી જે પદાર્થ બને છે એને આપણે પ્લાસ્ટિક તરીકે ઓળખીએ છીએ. પ્લાસ્ટિકને આપણે ‘પોલિમર’ પણ કહીએ છીએ.…
પ્રશ્ન : પ્લાસ્ટિકની વસ્તુ કે એના વેસ્ટ- કચરાને નષ્ટ થતાં સામાન્ય રીતે કેટલો સમય લાગે?
ઉત્તર : પ્લાસ્ટિક વેસ્ટના અનેક રૂપ છે. એને પ્રાકૃતિક રીતે નષ્ટ થતાં 5થી લઈને 1000 વર્ષ પણ લાગે! ઉદાહરણ તરીકે, આપણે જે રોજિંદા ઉપયોગમાં પ્લાસ્ટિકની બેગ વાપરીએ છીએ એ થેલીને સંપૂર્ણપણે નષ્ટ થતાં 10 થી 20 વર્ષનો સમય લાગે છે. એ જ રીતે, પીવાનું પાણી કે અન્ય પ્રવાહી-દ્રવ્ય માટે વપરાતી પ્લાસ્ટિક બૉટલને ડિક્મ્પોઝ થતાં-કોહવાતા-નાશ પામતાં પૂરાં 450 વર્ષ લાગે! જો કે, પ્લાસ્ટિકની વસ્તુને ધરતી અને સમુદ્રમાં નષ્ટ પામવામાં અલગ અલગ સમય પણ લાગે.
પ્રશ્ન : સૌથી વધુ પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યા ક્યા ક્યા દેશમાં છે?
ઉત્તર : પ્લાસ્ટિક વેસ્ટ એટલે કે કચરાના ઉત્પાદનમાં અમેરિકા મોખરે છે. અમેરિકા આશરે 3 કરોડ, 40 લાખથી વધુ મેટ્રિક ટનનો કચરો સર્જે છે. એ પછી ભારતનો ક્રમ છે (2 કરોડ, 63 લાખ જેટલો મેટ્રિક ટન કચરો).ભારત પછી ચીન (2 કરોડ,15 લાખ મેટ્રિક ટન) ઈત્યાદિ… વિશ્વના દેશોમાં પ્રથમ અમેરિકા પછી બ્રિટનમાં પ્રતિ વ્યક્તિ દીઠ સૌથી વધુ પ્લાસ્ટિકનો કચરો ઉત્પન થાય છે. અમેરિકા વ્યક્તિ દીઠ 105 Kg. (પ્રતિ વર્ષ )તો બ્રિટન 99 Kg. કચરો ઉત્પન કરે છે. સદભાગ્યે, આ યાદીમાં આપણો ક્રમાંક 18 છે. ભારતમાં પ્રતિ માણસ દીઠ પ્રતિ વર્ષ 20 કિલો પ્લાસ્ટિક કચરો સર્જાય છે.… આમ બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વની માંડ 4% જેટલી જ આબાદી ધરાવતું અમેરિકા જગતમાં સૌથી વધુ 17%થી વધુ પ્લાસ્ટિક કચરાનું ઉત્પાદન કરે છે….
પ્રશ્ન : હવે આપણે ત્યાં ‘સિંગલ યુઝ’ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે …એ ચીજ-વસ્તુઓ કઈ કઈ છે?
ઉત્તર : ‘સિંગલ યુઝ’ પ્લાસ્ટિક એટલે જેનો એક જ વાર વપરાશ કરીને આપણે ફગાવી દઈએ એવી પ્લાસ્ટિક પદાર્થથી તૈયાર થયેલી ચીજ-વસ્તુ, જેમ કે પ્લાસ્ટિકની કોથળી- પાણીની બૉટલ- ચા-કૉફીના ગ્લાસ- પ્લાસ્ટિકની ડીશ-ટ્રે-ચમચી-છરી-કાંટા-બલુન – કાનનો કચરો કાઢવામાં વપરાતી રtવાળી પ્લાસ્ટિક સળી(ઈયર બડ્સ) -ભેટસોગાદના બૉકસને વીંટાળવામાં આવતા પ્લાસ્ટિકના પાતળા રેપર (કાગળ)- ડેકોરેશન માટે પ્લાસ્ટિકનો જ એક પ્રકાર ગણાતા થર્મોકોલ અને પીણાં પીવા માટે વપરાતી પ્લાસ્ટિકની સ્ટ્રો, ઈત્યાદિ આવી રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો છે. આ તો આજની વાત છે પણ એક નજર અહીં આ આંકડા પર ફેરવશો તો ખ્યાલ આવશે કે અત્યાર સુધી આખું વિશ્વ પ્લાસ્ટિક કચરાના ‘ટીક …ટીક ..’કરતા જીવંત બૉમ્બ પર કેવું બેઠું છે… જેમ કે જગ આખામાં પ્રત્યેક મિનિટે 12 લાખ પ્લાસ્ટિક બૉટલનો વપરાશ થાય છે અને દર વર્ષે 500 અબજ પ્લાસ્ટિકના કપ પણ વપરાય છે!
પ્રશ્ન : પ્લાસ્ટિકથી બનેલી આ વસ્તુઓ આપણા તેમ જ પર્યાવરણ માટે કઈ રીતે નુકસાનકારક છે?
ઉત્તર : ધરતી પરના અબોલ પશુ-પ્રાણી અજાણતા જ પ્લાસ્ટિકની વસ્તુઓને આહાર સમજીને ખાઈ જાય-ગળી જાય જેનું રસાયણ એમના માટે જીવલેણ પુરવાર થાય છે. એ જ રીતે, એક સંશોધન મુજબ 150 મિલિયન ટન જેટલો પ્લાસ્ટિકનો જોખમી કચરો સમુદ્રમાં આજે તરી રહ્યો છે જેનો દરિયાઈ જીવ પણ ભોગ બને છે. પર્યાવરણ – વાતાવરણમાં રહેલાં પ્લાસ્ટિક કેમિકલ્સના અંશ પણ માનવી માટે ખતરનાક બને છે.
પેટ- ફેફસાંને એ બહુ જ ખરાબ રીતે દૂષિત કરે છે. મગજનાં જ્ઞાનતંતુઓની બીમારી અને કેન્સર જેવા રોગમાં વધારો કરવા ઉપરાંત માનવીની પ્રજનનક્ષમતાને પણ બહુ નુકસાન પહોંચાડે છે. બીજી તરફ, વિજ્ઞાનીઓ- પર્યાવરણ નિષ્ણાતો પણ કહે છે કે જમીનમાં ભળી જતાં પ્લાસ્ટિકનાં રસાયણો ખેતીવાડીની ઊપજ પણ ઘણી ઘટાડી નાખે છે. એમને ભય છે કે પ્લાસ્ટિકના આડેધડ ઉપયોગ પર અંકુશ નહીં મુકાય તો બની શકે કે થોડાં વર્ષ બાદ ખેતર એવાં વાંઝિયા થઈ જશે કે ધાનનાં પણ ધાંધિયાં થશે.…
પ્રશ્ન : પ્લાસ્ટિકને લઈને થતાં પર્યાવરણના આ બધા પ્રોબ્લેમ તો સમજ્યા પરંતુ એ જ પ્રોબ્લેમને સકારાત્મક રીતે પલટાવી એનો ઉપયાગ કરવા વિશ્વસ્તરે શું ચાલી રહ્યું છે?
ઉત્તર: વેલ, ઘરઆંગણેની વાત કરીએ તો વર્ષો સુધી જેનું વિસર્જન ન થાય- વિઘટન ન થાય એવી પ્લાસ્ટિકની વસ્તુઓ એકઠી કરી એનું રિસાઈક્લ કરી- એને અન્ય ઉપયોગી વસ્તુમાં પરિવર્તન કરવાની પ્રક્રિયા કરવાની એક ઝુંબેશ થોડા સમયથી પોન્ડીચેરીના એક યુવાગ્રુપે શરૂ કરી છે. પર્યટકોથી ઊભરાતા અહીંના સમુદ્ર કિનારે જથ્થાબંધ પ્લાસ્ટિકનો કચરો એકઠો થાય છે જે દરિયામાં વહી જઈ ત્યાંની જળસૃષ્ટિને હાનિ પહોંચાડે છે. એ અટકાવવા અહીંના યુવાનોએ ‘રિસાઈક્લિંગ ફોર લાઈફ’ નામની યોજના અમલમાં મૂકી છે.
આ અનુસાર નકામી વસ્તુઓ એકઠી કરી એને હાનિહીન વસ્તુઓમાં પલટવામાં આવે છે. એ જ રીતે એમાંથી ખાતર પણ તૈયાર કરી ખેતીવાડીમાં કામે લગાડવામાં આવે છે. મિઝોરમના યુવાનોએ તો ત્યાંની રાજધાનીના ભાગોળે આવેલા નદીકિનારેથી પ્લાસ્ટિકનો જંક-કચરો એકઠો કરી એને ઓગાળી એનો ઉપયોગ એક વિશાળ રોડ બનાવવામાં કર્યો છે. આમ પ્લાસ્ટિકથી સર્વ પ્રથમ રોડ -રસ્તો બનાવવાનું શ્રેય મિઝોરમના એ યુવાનોને મળે છે.… હિમાચલ પ્રદેશની સરકારે બાળકોમાં પ્લાસ્ટિક વિરુદ્ધ જાગૃતિ લાવવા એક યોજના અમલમાં મૂકી છે, જે અનુસાર બાળક એની પ્લાસ્ટિક સ્કૂલ બેગ અને પોતાનાં પ્લાસ્ટિકનાં સાધન-રમકડાં, ઈત્યાદિ શાળામાં પરત કરે તો એના 1 Kg. 70 રૂપિયા એને મળે.
આ રીતે મળતાં પ્લાસ્ટિકનો ઉપયોગ સરકાર પછી રોડ નિર્માણમાં કરે છે. આપણે ત્યાં પણ આ પ્રકારના પ્રયોગ એકલપંડે છૂટાછવાયા થતા રહે છે. પાણીની ખાલી પ્લાસ્ટિક બૉટલ્સ જ્યાંત્યાં ફંગોળવામાં આવે છે. આવી રઝળતી બાટલીને ક્રશ કરી-ચગદીને ટુકડા કરી એને રિસાઈકલ કરવાનું આયોજન પણ ઘણા સમયથી મુંબઈના એક યુવાન અરવિંદ શાહ કરે છે. મુંબઈનાં 100થી વધુ સ્થાન પર ગોઠવેલાં વિશિષ્ટ પ્રકારના મશીનમાં પ્લાસ્ટિકની નકામી બૉટલ કોઈ નાખે તો બદલામાં અમુક રકમની કુપન મળે એવી એમની યોજના પર્યાવરણપ્રેમીઓએ વધાવી લીધી હતી.
એ જ રીતે, ‘પ્લાસ્ટિક : પ્રતિબંધ અને પર્યાય’ વિષય પર કુલ 61 હજાર રૂપિયાથી વધુનાં પારિતોષિકની નિબંધ સ્પર્ધા યોજીને મુંબઈના અગ્રણી હેમરાજ શાહે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના જોખમ અને એના સકારાત્મક ઉપયોગથી અવગત કરાવ્યા હતા.… બીજી તરફ, સિંગાપોર જેવાં અનેક નાનાં રાષ્ટ્ર પ્લાસ્ટિકની વસ્તુઓનો કચરો જાહેરમાં ફગાવવા બદલ જબરો દંડ ફટકારીને આવાં પ્રદૂષણ સામે લાંલ આંખ કરે છે. ફિલિપાઈન્સ જેવો દેશ તો વધુ પડતા પ્લાસ્ટિકના પ્રદૂષણ માટે ખાસ્સો બદનામ છે. ત્યાં પણ આવા પ્રદૂષણકારીઓને સબક શીખવવા તગડો દંડ તો થાય જ છે પણ 2 Kg. નકામું પ્લાસ્ટિક જમા કરાવનારને 1 Kg. રાઈસ-ચોખા ઈનામરૂપે મળે છે!
રોમમાં તો મેટ્રો સ્ટેશન પર વપરાયેલી પ્લાસ્ટિક બૉટ્લ્સ જમા કરાવો તો ભૂગર્ભ ટ્રેનની મુસાફરી ફ્રી! આમ તો મોટાભાગના દેશ, પોતાના પ્લાસ્ટિક કચરાને દૂર દૂર અવાવરુ પર્વત-ખીણ કે પછી ગાઢ જંગલમાં એનો ખડકલો કરી એ પ્રાકૃતિક રીતે નષ્ટ પામે એની રાહમાં રહે છે તો ભારત સહિત કેટલાંક રાષ્ટ્ર આ ખતરનાક જણસને દરિયામાં ધકેલી કામચલાઉ હાશકારો અનુભવે છે. પોતાની જ્વાબદારી ખંખેરી નાખવાનો આ એક પ્રકારનો પલાયનવાદ છે. જો કે, આ બધા વચ્ચે સ્વિડન-તુર્કી જેવા પણ દેશ છે જે પોતાના આગવા ‘Waste to Energy(WTE) પ્રોજેકટ હેઠળ બીજા દેશથી પ્લાસ્ટિક વેસ્ટ આયાત કરી એમાંથી વીજળી અને અન્ય ઈંધણ પેદા કરે છે અને એટલે જ આજે સ્વિડનને ‘ઝીરો વેસ્ટ નેશન’ તરીકેનું બહુમાન મળ્યું છે!