ઘુંડીરાજ રચિત ‘જાતકાભરણ’ જ્યોતિષ ગ્રંથ ફળ કથન માટે ખૂબ જ ઉપયોગી છે. તેના આધારે બારે ભાવમાં સૂર્યનું ફળ જોઈશું. પ્રથમ ભાવ એટલે કે લગ્નમાં સૂર્ય હોય તો ઓછા વાળ વાળો, આળસુ, ક્રોધી, વિશાળ કદ વાળો, કામી, આંખના રોગવાળો, કઠોર દેહવાળો, શૂરવીર, ક્ષમાવાન અને નિર્દયી હોય છે. જો કર્ક રાશિ હોય તો ફૂલેલી આંખવાળો, મેષ રાશિ હોય તો ચંચળ, સિંહ રાશિ હોય તો રતાંધળો અને તુલા રાશિમાં સૂર્ય હોય તો દરિદ્ર અને અંધ હોય છે.
બીજા ભાવમાં સૂર્ય હોય તો ધન – સંતાન અને ઉત્તમ વાહન સુખ વગરનો બુધ્ધિ વગરનો, સજ્જનોનો વિરોધી બીજાના ઘરમાં રહેનારો હોય છે. ક્યારેક શુભ સૂર્ય ઉત્તમ અને ધનવાન કુટુંબમાં જન્મ આપે છે. ત્રીજા ભાવમાં સૂર્ય હોય તો મધુર બોલનારો, ધન વાહનના સુખવાળો, સારા કામોમાં રૂચિ રાખવાવાળો, સારા નોકરવાળો, થોડા (ઓછા) નાના ભાઈવાળો અને પરાક્રમી હોય છે. ચોથા ભાવમાં સૂર્ય હોય તો સુખ, સવારી અને ધન વગરનો, પિતાના કમાયેલા ધનનો નાશ કરવાવાળો અને ફરવા રખડવાનો શોખીન હોય છે. પાંચમા ભાવે સૂર્ય હોય તો પર્વત તથા ભયંકર સ્થાનમાં ભ્રમણ કરવા વાળો, મહાદેવનો ભક્ત, ઓછા પુત્રવાળો, સુખ વગરનો, સારા કાર્યોથી વિમુખ અને ભ્રાન્ત બુધ્ધિવાળો હોય છે.
છઠ્ઠે ભાવે સૂર્ય હોય તો સદા સુખી, શત્રુને જીતવાવાળો, બળવાન, સુંદર સવારીવાળો મહાપરાક્રમી અને રાજાનો મંત્રી હોય છે.
સાતમા ભાવમાં સૂર્ય હોય તો સંપતિ અને શરીરની ક્રાંતિથી હીન, ભય અને રોગથી યુક્ત, ખરાબ ચરિત્રવાળો, રાજાના ક્રોધથી દુ:ખી અને કૃશ શરીરવાળો હોય છે. આઠમા ભાવમાં સૂર્ય હોય તો નાની આંખવાળો, ઘણા દુશ્મનવાળો, ભ્રષ્ટ બુધ્ધિવાળો, અતિ ક્રોધી, અલ્પધન અને દુર્બળ શરીરવાળો હોય છે. નવમાં ભાવમાં સૂર્ય હોય તો ધર્મ કાર્યમાં તત્પર, સારી બુધ્ધિવાળો, પુત્ર અને મિત્રોના સુખવાળો પરંતુ માતાનો વિરોધી હોય છે.
દસમા ભાવમાં સૂર્ય હોય તો મનુષ્યને ઉત્તમ બુધ્ધિ, વાહન, ધન, રાજાનો પ્રેમ, પુત્રોથી સુખ, સાધુઓના ઉપકારીવાળી બુધ્ધિ, વસ્ત્ર અલંકાર વગેરેનો લાભ આપે છે. અગિયારમાં ભાવમાં સૂર્ય હોય તો સંગીતમાં પ્રેમ, સારા કાર્યોમાં પ્રવૃત્ત, ઉત્તમ કીર્તિ, પુષ્કળ ધનનો લાભ તથા રાજાથી લાભ થાય છે. બારમાં ભાવમાં સૂર્ય હોય તો મંદ દૃષ્ટિવાળો, પિતાનો વિરોધ કરનારો મનુષ્ય હોય છે. આ ફળ કથન ફક્ત ભાવ આધારિત છે. રાશિ આધારીત તથા અન્ય ગ્રહોની દૃષ્ટિ – યુતિનો પણ ખ્યાલ લેવો જરૂરી છે. જેથી દરેક વ્યકિતએ બંધ બેસતી પાઘડી પહેરવી નહી.