‘અગ્નિપથ’ લશ્કરમાં ભરતીની નવી યોજનાનો વિરોધ ધીરે ધીરે સમગ્ર દેશમાં ખૂબ જ ઝડપથી વકરી રહ્યો છે. કોઈ પણ યોજનાનો વિરોધ લોકશાહી પધ્ધતિથી કરીએ, ત્યારે એ વિરોધમાં વિવેક અને સંયમ જાળવવો જરૂરી છે. આ તે કોઈ માર્ગ છે કે જેમાં દેશની સંપતિને ભયંકર નુકસાન પહોંચાડવું! વિરોધ શાંતિપૂર્વક હોય, મક્કમ હોય, આગ લગાડવી, તોડફોડ કરવી, રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન એ અંતે કોને નુકસાન છે? વળી, અન્યાયની વાત કરનારાઓ, હિંસક વિરોધ કરનાર એટલું તો સમજે કે લશ્કરમાં ભરતીની વાત છે.
તમે જ રાષ્ટ્રને નુકશાન પહોંચાડશો તો રક્ષક તરીકે તમે શું કરશો? અચાનક વકરતા હિંસક તોફાનોથી સામાન્ય પ્રજા કેવી મોટી મુસીબતમાં મુકાઇ જાય છે, એનો વિચાર કરવો જરૂરી છે. નિર્દોષ સ્ત્રીઓ, વૃદ્ધો, બાળકો, દર્દીઓ, વિદ્યાર્થીઓ અને મુસાફરો તોફાનમાં ફસાય છે. તેમના માનસપટ પર ભયનું સામ્રાજ્ય છવાઇ જાય છે. તેઓને જીવ બચાવવા થરથરતા જોઈને અવાચક બની જવાય છે. આજ રીતે હિંસક વિરોધ ટોળાઓ દ્વારા થતાં રહે તો સમગ્ર રાષ્ટ્રની છબી પણ ખરડાય છે. વિરોધ શાંતિપૂર્ણ હોય, એમાં પ્રમાણભાન ન ભુલાય, વિવેક ન ભુલાય એની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.
સુરત – અરૂણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.