સુરત: સુરતમાં કારચાલકના ગફલતભર્યા ડ્રાઈવિંગના લીધે અકસ્માત સર્જાયો હતો. એકાએક કાર ચાલકે ટર્ન મારતા પાછળથી આવતી બાઈક ધડાકાભેર અથડાઈ હતી અને કાર પર સવાર બે યુવાનો રસ્તા પર પટકાયા હતા. બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જીલાની બ્રિજ પાસે બનેલી આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
- કાર ચાલકે અચાનક ટર્ન લેતા અકસ્માત સર્જાયો
- કાર ચાલકની બેદરકારીથી બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો
સુરતનાં વેડરોડ વિસ્તારમાં આવેલા જીલાની બ્રિજ નજીક રસ્તા પરથી પસાર થઇ રહેલી કારે રસ્તા વચ્ચે અચાનક ટનૅ લેતા પાછળથી આવી રહેલા બાઈક ચાલકો ધડાકાભેર અથડાયા હતા અનેકાર સાથે ટકરાઈને જમીન પર પટકાયા હતા. જીલાની બ્રિજના છેડે બાઈક સવાર કિશન ઉર્ફે ચિંતન સંજય રાઠોડ તથા તેનો મિત્ર વિશાલ મિતેશ પેકી કિશન ઉર્ફે ચિંતન સ્પલેન્ડર લઈને આવી રહ્યાં હતા તે દરમિયાન કાર ચાલકે સાઈડ લાઈટ કે કોઈ સિગ્નલ દર્શાવ્યા વગર જ કારને ડાબી બાજુ ટર્ન લીધો હતો. જેથી બાઈક પરના બન્ને મિત્રો ધડાકાભેર કાર સાથે અથડાયા બાદ નીચે પટકાયા હતાં. જેથી બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંને યુવકો પૈકી કિશન હાલ બેભાન અવસ્થામાં છે અને હોસ્પિટલમાં દાખલ છે. તેઓને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.
ઘટનાનાં સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે એક ગોલ્ડન કલરની કાર અચાનક જ રસ્તા પર અધવચ્ચે ટનૅ લે છે. જેથી પાછળ આવી રહેલા બે બાઈક સવારો કાર સાથે અથડાઈ પટકાયા હતા. બાઈક ચાલકની બેદરકારીના પગલે બાઈક સવાર યુવકોનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. એક સમય માટે આ બંને બાઈક સવારોને જાણે સામે પોતાનું મોત આવતું દેખાઈ ગયું હતું. આજ બાઈક સવારની પાછળ એક બસ આવી રહી હતી જો આ બસ પણ અથડાઈ હોત તો મોટીદુર્ઘટના સર્જાત.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે CCTV ફૂટેજના આધારે રાંદેર પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ અકસ્માત બાદ નાસી ગયેલા કાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.