ભરૂચ: ચોમાસાની (Monsoon) સિઝન શરૂ થતાં અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે (Highway) ફરી બિસમાર બનતાની સાથે જ વાહનોની (Vehical) ૧૫ કિલોમીટરથી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો કલાકો સુધી પોતાના વાહનો લઈને ચક્કાજામમાં ફસાયા છે. દરેક ચોમાસામાં આ પ્રમાણેની સ્થિતિ ઉદભવતી હોય છે. તેવામાં લોકો માંગણી કરી રહ્યા છે કે હાઈવે ઓથોરિટી ટ્રાફિક મામલે યોગ્ય પગલા ભરવા માટે ધ્યાન આપવું જોઈએ.
ભરૂચ જિલ્લાના અત્યંત વ્યસ્ત માર્ગોનું દર ચોમાસાની સિઝનમાં ધોવાણ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ત્યારે ચોમાસું શરૂ થતા જ માર્ગોનું ધોવાણ થઇ રહ્યું છે. જેના પગલે માર્ગનો બિસ્માર બનતા જ વાહન ચાલકો હેરાન-પરેશાન બનાવ્યા છે. અંકલેશ્વર-ભરૂચ અને અંકલેશ્વરથી ખરોડ ચોકડી સુધી નેશનલ હાઇવે બિસમાર બન્યો છે. જેને પગલે દિનપ્રતિદિન વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મુલદ ટોલ પ્લાઝાથી ખરોડ ચોકડી સુધી ૧૫ કિલોમીટર સુધી વાહનોનાં પૈંડાં થંભી જતાં વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વારંવાર હાઈવેની મરામત છતાં ચોમાસાની સિઝનમાં જ હાઇવે બિસમાર બનતાં કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. ત્યારે હાઇવે ઓથોરિટી યોગ્ય રીતે કામગીરી કરાવે તે અત્યંત જરૂરી છે.
ઓલપાડ તાલુકામાં પાંચ ઈંચ વરસાદ વરસતાં ધરૂવાડિયામાં પાણી ભરાયાં
દેલાડ: ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં 184 મીમી વરસાદનો થયો છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 135 મીમી વરસાદ વરસતાં ડાંગરના ધરૂના ક્યારા તથા શાકભાજીનાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ખેડૂતો ચિંતાનાં વાદળો ઘેરાઈ ગયાં હતાં. ઓલપાડ તાલુકામાં મોટી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ડાંગરની વાવણી માટેના ધરૂના ક્યારા તથા શાકભાજીનાં ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થતાં ખેડૂતો પાણી કાઢવાનો રસ્તો કરી રહ્યા હતા. બપોર બાદ વરસાદે વિરામ લેતાં રાહતનો દમ લીધો હતો. વિરામ બાદ 4 વાગ્યે વરસાદ વરસતાં ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાઈ ગયાં હતાં.
જ્યારે શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 135 મીમી વરસાદ નોંધાયો હતો. રાત્રે 12 કલાકથી શુક્રવારે સવારે 10 કલાક સુધીમાં તાલુકામાં 5 ઇંચ પાણી પડી ગયું હતું. જેથી નીચાણવાળા વિસ્તારોમાં અને માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. સેનાખાડી તથા અન્ય ખાડીઓમાં પણ નવા નીર આવતાં ખાડીઓ વરસાદી પાણીથી છલકાઈ ગઈ હતી. ત્યારે સાયણમાં નીચાણવાળી સોસાયટીઓ સહિત સર્વિસ રોડ પર પાણીનો ભરાવો થતાં રાહદારીઓ તથા વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને ખેતરોમાં પાણી ભરાતાં ખેતરો તળાવમાં ફેરવાયાં હતાં.