Madhya Gujarat

કઠલાલ JNV પાસે મકાન ન હોવાથી શિક્ષણ રઝળ્યું

નડિયાદ: કઠલાલમાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં છેલ્લાં બે-અઢી વર્ષથી ઓફલાઈન શિક્ષણકાર્ય સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. જેને પગલે વિદ્યાર્થીઓને નાછુટકે ઓનલાઈન અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી વહેલીતકે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. ખેડા જિલ્લાના કઠલાલ નગરમાં જવાહર નવોદય વિદ્યાલય આવેલું છે. આ વિદ્યાલયમાં અભ્યાસ કરતાં ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓને કોરોનાકાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતું હતું. જે તે વખતે પરિસ્થિતીવશ વિદ્યાર્થીઓએ ઓનલાઈન શિક્ષણ અપનાવવું પડ્યું હતું.

જોકે, કોરોનાનો કહેર મંદ પડતાં સરકારની ગાઈડલાઈન મુજબ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાની મંજુરી મળ્યાં બાદ પણ કઠલાલની જવાહર નવોદય વિદ્યાલયમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું ન હતું. શરૂઆતમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ આ મામલે શાંત રહ્યાં હતાં. જોકે, થોડો સમય વિત્યા બાદ પણ ઓફલાઈન શિક્ષણ શરૂ ન કરાતાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ રજુઆતોનો મારો ચલાવ્યો હતો. પરંતુ જે.એન.વી વિદ્યાલયના આચાર્યએ આ રજુઆતોને નજર અંદાજ કરી ઓનલાઈન શિક્ષણ કાર્ય જ શરૂ રાખ્યું હતું. જેને પગલે વાલીઓ રોષે ભરાયાં હતાં. રોષે ભરાયેલાં વાલીઓએ ગુરૂવારના રોજ કલેક્ટર તેમજ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઓફિસમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે, આ મામલે ગત વર્ષે પણ રજુઆત કરવામાં આવી હતી. ત્યારે એપ્રિલ ૨૦૨૨ માં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની બાંહેધરી આપવામાં આવી હતી.

બાદમાં ૨૦મી જુલાઈના રોજ વિદ્યાલયના મકાનનું કામકાજ પૂર્ણ થયાં બાદ ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવા જણાવાયું હતું. આવનાર ૨૦ જુલાઈના રોજથી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવામાં નહીં આવે તો, ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને અમારા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણથી દૂર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વિદ્યાર્થીઓના ભણતરનો મુદ્દો હોવાથી જિલ્લા કલેક્ટરે આ મામલાને ગંભીરતાથી લીધો હતો અને તેનો નિવેડો લાવવાની બાંહેધરી આપી હતી. આમ છતાં વાલીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

બાંધકામ વહેલું પૂર્ણ થવાના અણસાર નથી
કઠલાલ જવાહર નવોદય વિદ્યાલયનું જર્જરિત મકાનના સ્થાને નવું મકાન બનાવવાની કામગીરી ખુબ જ ધીમી ગતિએ ચાલે છે. વહેલીતકે મકાન બનાવવાનું કામ પૂર્ણ કરી, વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાની અમે અનેકોવાર માંગ કરી છે. તેમછતાં મકાનનું બાંધકામ વહેલીતકે પૂર્ણ કરવાના કોઈ પ્રયાસ કરવામાં આવ્યાં નથી. જેને પગલે આવનાર પાંચ-છ મહિના સુધી આ મકાનનું કામકાજ પૂર્ણ થાય તેવું જણાતું નથી શીતલબેન ડોડીયા, વાલીઈન્ટરનેટ પ્રોબ્લેમના બહાને ક્લાસ લેવાતા નથીકોરોના ગયે એક વર્ષ જેટલો સમય વિતી ગયો છે.

જિલ્લાની તમામ શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું છે. તેમછતાં કઠલાલની જવાહર નવોદય વિદ્યાલયમાં આજદિન સુધી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓને માત્ર અને માત્ર ઓનલાઈન શિક્ષણ જ આપવામાં આવી રહ્યું છે. આ ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને કાંઈ જ ભણાવવામાં આવતું નથી. માત્ર વિદ્યાર્થીઓની હાજરી જ પુરવામાં આવે છે. ઈન્ટરનેટ પ્રોબ્લેમના બહાના કાઢી ક્લાસ લેવાતા નથી. જેને પગલે શિક્ષણ બગડી રહ્યું છે.– જીગીશાબેન પરમાર, વાલી

તમને ના ફાવતું હોય તો, એલ.સી લઈ લો, અમને કોઈ ફેર નહીં પડે
છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલાં ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને જે તે વિષયનું પુરતું અને યોગ્ય જ્ઞાન મળી રહેતું નથી. વિદ્યાર્થીઓના મનમાં ગુંચાતા પ્રશ્નોના યોગ્ય જવાબ પણ મળી શકતાં નથી. જેને પગલે વાલીઓએ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ સાથે બે દિવસ અગાઉ જે.એન.વી કઠલાલના આચાર્યની મુલાકાત લીધી હતી. તે વખતે આચાર્યએ જો તમને ના ફાવતું હોય તો, એલ.સી લઈ લો, અમને કોઈ ફેર નહીં પડે, ઓફલાઈન શિક્ષણ ૩૦ ઓક્ટોબરથી જ શરૂ થશે. તેવું જણાવી વાલીઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું. જેને પગલે વાલીઓ રોષે ભરાયા હતાં.

જે.એન.વીની લાપરવાહીને પગલે ૧૮ થી ૨૦ વિદ્યાર્થીઓએ શાળા બદલી
જે.એન.વી વિદ્યાલયમાં છેલ્લાં અઢી વર્ષથી વિદ્યાર્થીઓને ફરજીયાત ઓનલાઈન શિક્ષણથી યોગ્ય અને પુરતુ શિક્ષણ મળતું નથી. જેને પગલે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા જે.એન.વીના આચાર્યને અવારનવાર રજુઆત કરી ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે, વાલીઓની રજુઆતો ધ્યાને લેવાતી નથી. ઉલ્ટાનું આચાર્ય દ્વારા વાલીઓ સાથે અસભ્ય વર્તન કરવામાં આવે છે. જેને પગલે વાલીઓ પોતાના સંતાનોના એલ.સી કઢાવી અન્ય શાળામાં એડમીશન કરાવી રહ્યાં છે. અત્યાર સુધીમાં ૧૮ થી ૨૦ વિદ્યાર્થીઓએ જે.એન.વી વિદ્યાલયમાંથી એડમિશન રદ્દ કરાયાં હોવાનું જાણવા મળેલ છે.

Most Popular

To Top