Dakshin Gujarat

સુરત જિલ્લામાં મેઘમહેર: ઉમરપાડામાં 6 કલાકમાં સાડા છ ઇંચ વરસાદથી પાણી-પાણી

સુરત: શહેર જિલ્લામાં આજે સવારે ચાર કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ઉમરપાડામાં સાડા છ ઇંચ વરસાદ પડતા નદી-નાળામાં પૂર આવ્યા હતાં. આ સિવાયના તમામ તાલુકામાં પણ અડધો ઇંચથી લઈને ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.

શહેરના નીચાણવાળા જ નહી, એમજી રોડ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાતા ભારે ખાનાખરાબી

  • ઠેર-ઠેર પાણીનો ભરાવો થતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ
  • એમજી રોડ પર પ્રથમ વખત અનેક દુકાનોમાં પાણી પ્રવેશી ગયા
  • મોગરાવાડી અને છીપવાડના રેલવે અન્ડર પાસ, તિથલ રોડ, છીપવાડ, હાલર રોડ પર પાણી ભરાયા
  • વલસાડમાં પણ 7 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણીનો ભરાવો

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસાની લોકલ રેઈનફોલ સિસ્ટમને કારણે જિલ્લામાં સર્વત્ર વરસાદ જામ્યો છે. હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ સુધી આ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. ગઈકાલે સવારે વરસાદ વરસ્યા બાદ બપોરે તડકો અને અસહ્ય બફારાથી લોકો પરેશાન થયા હતા. આજે સવારથી વરસાદી વાતાવરણ જામ્યું હતું. સવારે 8 પછી બપોરે 12 સુધીમાં શહેરના અનેક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડામાં સૌથી વધારે સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગઈકાલે રાત્રે તો તાપમાનનો પારો અઢી ડિગ્રી વધી જતા અસહ્ય ઉકળાટથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. વહેલી સવારથી વરસાદી માહોલ જામતા ઉકળાટથી રાહત મળી હતી.

વલસાડ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના મોટા મોટા બણગા ફૂંકાયા હતા. જોકે, પાલિકા દ્વારા એમજી રોડ અને બજાર વિસ્તારની ગટરની સફાઇ થઇ ન હતી. જેના કારણે આજે મળસ્કે વલસાડ તાલુકામાં પડેલા 140 મિમિ (5.6 ઇંચ) વરસાદના કારણે પરિસ્થિતિ બગડી ગઇ હતી. આ ભારે વરસાદના કારણે દર વર્ષની જેમ મોગરાવાડી અને છીપવાડના રેલવે અન્ડર પાસ, તિથલ રોડ, છીપવાડ, હાલર રોડ પર તો પાણી ભરાયા જ હતા, પરંતુ એમજી રોડ, નાની ખત્રીવાડમાં પણ પાણી ભરાઇ ગયા હતા. જેમાં એમજી રોડની અનેક દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોની પરિસ્થિતિ કથળી ગઇ હતી.
વલસાડ જિલ્લામાં બુધવારે રાત્રે 12 કલાકથી વરસાદ શરૂ થયો હતો. જેમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ વલસાડ તાલુકામાં અને સૌથી ઓછો 0.8 ઇંચ વરસાદ કપરાડા તાલુકામાં પડ્યો હતો. વલસાડમાં મહત્તમ 6 ઇંચ વરસાદ મળસ્કે પડી ગયો હતો. ત્યારબાદ દિવસભર ફરીથી તડકો પડતાં ભારે બફારાની અનુભૂતિ થઇ હતી.

વરાછામાં ઠેર-ઠેર પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
સુરત: દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી થઈ ગઈ હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ શહેરમાં જરાક વધારે વરસાદ આવી જાય તો ઠેર-ઠેર પાણી ભરાઈ જતા હોય છે. ગુરૂવારે શહેરમાં સવારે વરસાદની ધમાકેદાર બેટીંગ થઈ હતી. જેમાં ખાસ કરીને વરાછામાં વરસાદથી પાણી ભરાઈ ગયા હતા. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.

  • ગણતરીનાં કલાકોમાં ચાર ઈંચ વરસાદથી રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા
  • વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણીયા સુધી પાણી ભરાઈ જતા ટ્રાફિક જામ થયો

વરાછામાં ગણતરીનાં કલાકોમાં ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અને મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી. વરાછા, કતારગામ, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં તો ગણતરીનાં કલાકોમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણીયા સુધી પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો અને લોકો પણ અટવાયા હતા.

રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીમાં શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં 6 ઇંચ વરસાદ, એલપાડમાં દોઢ ઇંચ, ચોર્યાસીમાં બે ઇંચ, માંગરોળમાં ૩ ઇંચ અને કામરેજમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top