ભાગળ ચાર રસ્તા કોર્નર પર 128 વર્ષ પહેલાં છગનભાઇ નારણભાઈ હલવાવાલા દ્વારા મીઠાઈની દુકાન શરૂ કરવામાં આવી હતી. ત્યારે માત્ર બરફી અને પેંડાનું જ વેચાણ થતું. તે સમયે ભાગળ ચાર રસ્તા પર મીઠાઈની માત્ર 3 જ દુકાન હતી. જેમાં એક છગનભાઈની સૌથી જૂની મીઠાઈની દુકાન હતી. છગનભાઈ અને તેમના દીકરા ઠાકોરભાઈ વચ્ચે 1915માં મતભેદ થતા 1917માં ઠાકોરભાઈએ મીઠાઈની બીજી દુકાન જે ભાગળ ચાર રસ્તાના કોર્નર પર ચાલુ કરી હતી. તેને 1996 માં કમિશનર એસ. આર. રાવ દ્વારા સૌથી પહેલા ડિમોલીશ કરાઈ હતી. બાદમાં નવી દુકાન ભાગળ ભાજીવાળાની પોળ વિસ્તારમાં શરૂ થઈ. શરૂઆતમાં માત્ર દૂધની વસ્તુ બરફી અને પેંડા આ દુકાનમાં વેચાતા. આજના સમયમાં 200થી વધુ વેરાયટીની સ્વીટનું વેચાણ થાય છે. 1894 માં મીઠાઈનો જે ટેસ્ટ હતો તે આજે પણ બરકરાર છે. ઠાકોરભાઈ મીઠાઈની ગુણવત્તા પર અને ફ્રેશનેશ પર વધુ જોર આપતા. એમની મીઠાઈઓ નો તો આજે પણ મીઠાઈના શોખીનો ટેસ્ટ માણવા ઠેક ભાગળ જેવા ટ્રાફિક થી ભરચક એરિયામાં જાય છે. આ મીઠાઈઓનો ટેસ્ટ આજે પણ બરકરાર છે. તો આજે ગુજરાતમિત્રમાં આપણી વાંચીશું આ મીઠાઇની દુકાનની મીઠી-મીઠી વાતો.
સવારે 4 વાગે દુકાન ખોલવામાં આવતી
ભુપેન્દ્રભાઈ હલવાવાલાએ જણાવ્યું કે સવારે 4 વાગે દુકાન ખોલવામાં આવતી કારણ કે સવારે 5 વાગે ફલાઇંગ રાણી ટ્રેનમાં જનારા પેસેન્જર મીઠાઈ લઈને મુંબઈ જતા. તે સમયે પાત્રામાં મીઠાઈ આપવામાં આવતી.પછીથી મીઠાઈ ટોપલીમાં આપવામાં આવતી. ત્યારબાદ કરંડિયામાં, પછી પતરાના ટીનમાં અને પછી થી પુઠ્ઠાના બોક્સ માં અને હવે પ્લાસ્ટીકના ડબ્બામાં મીઠાઈ અપાય છે. પતરાના ટીન બપોરે ગરમીને કારણે પીગળતા મીઠાઇ ખરાબ થવાનો ડર રહેતો. સરદાર માર્કેટના સબ્જી વિક્રેતા બપોરે ખાવા માટે ખાજલી અને દળ લઈ જતા. ઠાકોરભાઈનો એવો પણ નિયમ હતો કે, સવારે બનાવેલી મીઠાઈ સાંજે વધે તો તે ગાયને ખવડાવી દેવી પરંતુ બીજા દિવસે વેચવી નહીં
1937માં ફલાઇંગ રાણી શરૂ થતાં મીઠાઈના બોક્સ ફ્રી માં અપાયા હતા
17 એપ્રિલ 1937 માં ફલાઇંગ રાણી શરૂ થતા ઠાકોરભાઈએ ટ્રેનના બધાજ પેસેન્જરને મિક્સ મીઠાઈના બોક્સ ફ્રી આપ્યા હતા અને ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનની શરૂવાત થતા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વ. કાશીરામ રાણાના હાથે ભુપેન્દ્રભાઈ હલવાવાલા તરફથી પેસેન્જરોને મીઠાઈના બોક્સ ફ્રી માં આપવામાં આવ્યા હતા. આ પ્રથા ઇન્ટરનેશનલ શારજહાં ફલાઇટ શરૂ થતા વિશાલભાઈએ પણ ચાલુ રાખી હતી.
- વંશવેલો
છગનભાઇ નારણભાઈ હલવાવાલા - ઠાકોરભાઈ છગનભાઈ હલવાવાલા
- જેંતીભાઈ ઠાકોરભાઈ હલવાવાલા
- ચંપકભાઈ ઠાકોરભાઈ હલવાવાલા
- ભુપેન્દ્રભાઈ ઠાકોરભાઈ હલવાવાલા
- અમિત ભુપેન્દ્રભાઈ હલવાવાલા
- વિશાલ ભુપેન્દ્રભાઈ હલવાવાલા
ચોટીલામાં ઠાકોરભાઈને પૂજવામાં આવતા
ચોટીલા ગામમાં પાણીની ખૂબ સમસ્યા હોવાથી ઠાકોરભાઈએ ઠેર ઠેર પરબો અને સ્ત્રીઓને પાણી માટે તકલીફના પડે તે માટે વોટર વર્કસની સુવિધા ઉભી કરી હતી. અસલ ચોટીલામાં ઘરે-ઘરે ઠાકોરભાઈનો ફોટો જોવા મળતો. 1968માં તેઓ અવસાન પામ્યા ત્યારે 2 દિવસ ચોટીલા ગામ બંધ રહ્યું હતું. દર ગુરુવારે અને અગિયારસે મીઠાઈના પડીકા અને કેળા દાન કરવા જેવી પ્રવૃત્તિ પણ તેઓ કરતા હતા. પહેલાંના જમાનાનું ઘી એટલું ચોખ્ખું અને ઘટ આવતું હતું કે તે ચોટીલા ગામ થી કંતાનમાં લવાતું હતું અને તેમાંથી મીઠાઈ બનતી હતી.
અમે દેવશંકરભાઈના સદાય ઋણી છીએ: ભુપેન્દ્રભાઈ હલવાવાલા
ભુપેન્દ્રભાઈ જણાવે છે કે તાત્યા ટોપે અને એમની સેનાએ જ્યારે સુરતમાં પડાવ નાંખેલો ત્યારે એમના સૈનિકોને તાકાત મળે તે માટે 1935માં દેવશંકરભાઈએ બેસન જેમાં પ્રોટીન હોય છે, ઘી, ડ્રાઇફ્રૂટ્સ વગેરે શક્તિ વર્ધક વસ્તુઓ મિક્સ કરી ઘારીની શોધ કરેલી. જે બાદમાં લોકલ મીઠાઈવાળાઓએ ડેવલપ કરી જેના માટે અમે તેમના સદાય ઋણી છીએ. 1942માં હિન્દ છોડો આંદોલનમાં જમનાદાસ ઘારીવાલાવાળા જમનાદાસ અને ઠાકોરભાઈ જેલમાં પણ રહયા હતા.
મીઠાઈમાં પીપરમિન્ટનો ઉપયોગ થતો જે લંડનથી આવતી: મનીષભાઈ હલવાવાલા
ભુપેન્દ્રભાઈના ભત્રીજા મનીષભાઈએ જણાવ્યું હતું કે, ખાંડ પર રિસ્ટ્રીકશન મુકાતા તે સમયે મીઠાઈમાં પીપરમિન્ટનો ઉપયોગ કરતા. આ પીપરમિન્ટ લંડનથી આવતી. 1972માં ફરી ખાંડ પર પ્રતિબંધ આવતા ખાંડની મીઠાઈને સ્થાને ખજૂરપાક બનતો. જે લોકો દ્વારા લગ્ન પ્રસંગે કે અન્ય શુભ પ્રસંગોમાં મહેમાનોને ખવડાવાતો 1999ની સાલ થી US અને મુંબઈમાં મેઈન બિઝનેસની શરૂઆત કરી હતી. તેઓ કહે છે USમાં એક્સપોર્ટ કરવું અમારા માટે વધારે સહેલું છે. અત્યારે ઠાકોરની મીઠાઈમાં ચોકલેટ બોલ સૌથી ફેમસ છે. ઘારી અને સુતરફેણી અને ખાજાનું સૌથી વધારે વેચાણ થાય છે. જ્યારે 1902-03માં મોહનથાળનું વેચાણ શરૂ થયું ત્યારે મોહનથાળ ઓરેન્જ, પિંક, ગ્રીન અને યેલો રંગમાં મળતો.
નાના વિક્રેતાઓને ધંધો આપવા અમે દુકાન જલ્દી બંધ કરતા: વિશાલ હલવાવાલા
જ્યારે હું બિઝનેસમાં નવો આવ્યો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે ચંદની પડવાના દિવસે સાંજે 5 – 6 વાગે દુકાન બંધ કરી દેવી જેથી નાના વિક્રેતાઓ ઘારી વેચીને પોતાનો ધંધો ચલાવી શકે કારણ કે તે સમયે વર્ષમાં ખાલી ત્રણ દિવસ ઘારી બનતી હતી. તે સમયે આજ દિવસે માવા, પીસ્તા અને કેસર બદામ પીસ્તા ઘારીનો ચૂરો કરી તાપી માતાને પધરાવવામાં આવતો હતો.
ઠાકોરભાઈનો ડોંગરે મહારાજ સાથેનો ઘરોબો
ઠાકોરભાઈની ખૂબ ઈચ્છા હતી કે ડોંગરે મહારાજની ભાગવત સપ્તાહ કથા કરાવવાની. ડોંગરે મહારાજે એમનું માન રાખ્યું હતું. ખાંડવાલાની શેરીમાં એક વ્યાસપીઠ પર ડોંગરે મહારાજ, સામે વ્યાસ પીઠ પર રંગ અવધૂત મહારાજ, એક વ્યાસપીઠ પર હરિઓમ આશ્રમના પૂજયશ્રી મોટા અને એક વ્યાસપીઠ પર હવેલીના વ્રજરત્ન લાલજી બિરાજયા હતા અને ભાગવત કથા થઈ હતી.
શરૂઆતમાં છ આના શેર મીઠાઈ વેચાતી: અમિતભાઈ હલવાવાલા
ભુપેન્દ્રભાઈના પુત્ર અમિતભાઈએ જણાવ્યું કે શરૂઆત માં મીઠાઈ 6 આના શેર વેચાતી. બાદમાં 1952-53 માં 4 રૂપિયે કિલો મીઠાઈ વેચાતી અને 1984 -85 માં 40 રૂપિયે કિલો મીઠાઈ વેચાતી. આજે 560 રૂપિયે કિલો મીઠાઈ વેચાય છે. પહેલાના સમયમાં મીઠાઈના ભાવમાં 50 પૈસાનો પણ વધારો થતો તો લોકોની ચણભણ શરૂ થઈ જતી. પહેલા મીઠાઈની દુકાનમાં ફરસીપુરી, દળ અને ખાજલી તો રહેતી જ.
સેલિબ્રિટીઝમાં પણ ઠાકોરની મીઠાઈ ફેમસ
ભુપેન્દ્રભાઈ જણાવે છે કે સેલિબ્રિટીઝ જેવા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સચિન તેંદુલકર અને અમિતાભ બચ્ચનને ત્યાં ઘારી, પોંક, ઉંધીયુ, સુગર ફ્રી ઘારી વગેરે જેવી મીઠાઈઓ અમારી શોપની મોકલવામાં આવી હતી. પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. મોરારજી દેસાઈ ખાંડ નહોતા ખાતા તેથી તેમને ત્યાં ખાંડસરીની મીઠાઈ મોકલવામાં આવી હતી. અમારી દુકાનના બુરૂના પેંડા પણ ખૂબ ડિમાન્ડમાં રહે છે.
2006ની રેલમાં ખૂબ મોટું નુકસાન
2006ની રેલમાં બળેવ નજીક હોવાથી બે દિવસ પહેલાં બધી મીઠાઈનો સ્ટોક તૈયાર થઈ ગયો હતો જે ભયંકર રેલ આવતા બધો સ્ટોક પાણીમાં નષ્ટ થઈ ગયો અને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
પાપના નિવારણ માટે નવચંડી યજ્ઞની પ્રથા પડી
મનીષભાઈ હલવાવાલાએ જણાવ્યું કે પહેલાં જ્યારે લાકડાની ભઠ્ઠી પર મીઠાઈઓ બનતી ત્યારે લાકડામાં રહેલા જીવજંતું ની જાણે-અજાણે હત્યા થતી. તે પાપ નિવારણ કરવા માટે જુના અંબાજીના મંદિરે પોષી પૂનમના દિવસે નવચંડી યજ્ઞ અમારા તરફથી કરવાનો નિયમ ચાલુ કરેલો જે આજપર્યંત ચાલુ છે.