Columns

તિસ્તા સેતલવાડની ધરપકડથી બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ ધરાવતાં નાગરિકો હતાશ થઈ ગયાં છે

ભારતમાં ન્યાયના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. જો કોઈ વ્યક્તિ અન્યાય અને અત્યાચારનો ભોગ બનેલા નાગરિક માટે ન્યાય માગવા અદાલતમાં જાય તો તેને કાવતરાંખોર ગણીને જેલમાં પૂરવામાં આવશે. આ નીતિ ભારતીય જનતા પાર્ટીની સરકારની નથી પણ દેશની સર્વોચ્ચ અદાલતની છે. સુપ્રિમ કોર્ટ અદાલતોમાં લડવામાં આવેલી લાંબી લડાઈને ‘ચરુને ઉકળતો રાખવા માટેની એક ગુપ્ત ઇરાદા સાથેની શયતાની યોજના’તરીકે વર્ણવે છે અને ઇચ્છે છે કે તેમને સજા કરવામાં આવે. સુપ્રીમ કોર્ટ સરકારી અધિકારીઓને પ્રશ્ન કરવાની હિંમત ધરાવતા લોકોની નિંદા કરે છે, એટલું જ નહીં તે તેમને આરોપીના પાંજરામાં મૂકવા માંગે છે. કાયદાનું પાલન કરવાનો દાવો કરતી ગુજરાત પોલીસ સુપ્રિમ કોર્ટની વાત સાંભળે છે અને તેના તાત્કાલિક પ્રતિભાવ તરીકે એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડ અને પોલીસના ભૂતપૂર્વ ડીજીપી શ્રીકુમારની ધરપકડ કરે છે.

તાજેતરમાં જ ટી.વી.ની ચેનલ પર એક ઇન્ટરવ્યુ આવ્યો હતો, જેમાં કેન્દ્ર સરકારના ગૃહ પ્રધાન અમિત શાહે તિસ્તા સેતલવાડની સંસ્થાનું નામ આપ્યું હતું અને સૂચવ્યું હતું કે ‘‘તેણે તત્કાલીન રાજ્ય સરકારને અને મુખ્ય પ્રધાનને બદનામ કરવાનું કાવતરું કર્યું હતું. એક બિનસરકારી સંસ્થા દ્વારા ઘણા દંગાપીડિતોની એફિડેવિટ પર સહી કરવામાં આવી હતી. બધાને ખબર હતી કે તિસ્તા સેતલવાડની એનજીઓ આ કામ કરી રહી છે. યુપીએ સરકારે તિસ્તા સેતલવાડની એનજીઓને ઘણી મદદ કરી હતી. આખી લ્યુટિયન દિલ્હી તે હકીકત જાણે છે. આ માત્ર મોદીજીને ટાર્ગેટ કરવા, તેમની છબીને ખરાબ કરવા માટે કરવામાં આવ્યું હતું,એવું માનનીય ગૃહ પ્રધાને કહ્યું હતું.

આ ઇન્ટરવ્યુ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં જ તિસ્તાની અને શ્રીકુમારની ધરપકડ કરવામાં આવી હતી. તિસ્તા સેતલવાડની ધરપકડને પગલે કટ્ટર હિન્દુત્વમાં માનતા લોકો ખુશખુશાલ છે, પણ બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ ધરાવતા લોકો હતાશ થઈ ગયા છે. ગોધરા કાંડના પ્રતિશોધના રૂપમાં ગુજરાતનાં મુસ્લિમોને નિશાન બનાવતી હિંસાના પહેલા દિવસે અમદાવાદની ગુલબર્ગ સોસાયટીને સળગાવી દેવામાં આવી હતી. ગુજરાતના સંસદસભ્ય એહસાન જાફરી ગુલબર્ગ સોસાયટીમાં રહેતા હતા. તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ ના રોજ તેમના પર હિન્દુઓનાં તોફાની ટોળાં દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જાકિયા જાફરીની નજર સામે જ તેમના પતિની હત્યા કરવામાં આવી હતી. જાકિયા જાફરી ન્યાય મેળવવા એક કોર્ટથી બીજી કોર્ટ સુધી દોડી ગયાં હતાં.

તેમણે કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમના પતિની હત્યા કોઈ મોટા રાજકીય કાવતરાનો ભાગ હતી, જેમાં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ટોચના અધિકારીઓ પણ સંડોવાયેલા હતા. ૨૦૧૨ માં સુપ્રિમ કોર્ટે રચેલી વિશેષ તપાસ ટીમે રાજ્ય સરકારને ક્લીન ચીટ આપી હતી અને ઝાકિયા જાફરીના કાવતરાના આરોપને રદિયો આપ્યો હતો. આ ચુકાદાથી સંતુષ્ટ ન થતાં, ઝાકિયા ઝાફરીએ નવેસરથી તપાસની વિનંતી કરીને સુપ્રિમ કોર્ટમાં પુનર્વિચારની અરજી કરી હતી. આ અરજી જ હવે કોર્ટે કચરા ટોપલીમાં ફેંકી દીધી છે.

હત્યાનો ભોગ બનેલા અહેસાન જાફરી કોઈ સામાન્ય મુસ્લિમ નહોતા. તેઓ ભારતની સંસદના સભ્ય હતા અને રાજ્યના અગ્રણી રાજકારણી હતા. તેમની આ પ્રતિષ્ઠાને કારણે જ ઘણાં મુસ્લિમોએ એવું માની લીધું હતું કે જો તેઓ તેમના ઘરમાં આશરો લેશે, તો તેઓ હિંસક ટોળાંથી બચી શકશે. તોફાની ટોળાંએ ગુલબર્ગ સોસાયટીને ઘેરી લીધી હતી. ભૂતપૂર્વ સાંસદે દરેક વ્યક્તિને ફોન કર્યા હતા અને તેમને હિંસા રોકવા માટે, કંઈક કરવા માટે કરગર્યા હતા. તેમાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે. તે પછી સોસાયટી પર હુમલો કરવામાં આવ્યો હતો. અહેસાન જાફરીને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમની હત્યા કરવામાં આવી હતી.

હકીકત એ છે કે પતિની હત્યા પછી ભાંગી પડેલાં ઝાકિયા જાફરી એકલાં આ ન્યાય માટેના સંઘર્ષને આગળ વધારી શકે તેમ ન હતાં. તેમને કોઈ સંસ્થાની સહાયની જરૂર હતી. આ સહાય તિસ્તા સેતલવાડે કરી હતી. આપણી સમક્ષ બિલ્કીસ બાનુનું ઉદાહરણ પણ છે. ૨૦૦૨ માં હિંદુત્વ પ્રેરિત ટોળાંના હુમલાથી જીવ બચાવીને ભાગતી વખતે સામુહિક બળાત્કાર થયા બાદ ન્યાય મેળવવા માટે ૧૫ વર્ષ સુધી લડત આપનાર બિલ્કીસ બાનુને સત્તાધીશોએ પૂછવું પડશે કે ન્યાય મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડતો હોય છે? ન્યાય મેળવવા તેમને પોતાનું રાજ્ય છોડવાની ફરજ પડી હતી. ભયભીત થયેલાં બિલ્કીસ બાનુ સતત પોતાનું સરનામું બદલતાં રહ્યાં હતાં.

તત્કાલીન ન્યાયતંત્રને લાગ્યું હતું કે ગુજરાત રાજ્યમાં નિષ્પક્ષ સુનાવણી સુનિશ્ચિત કરી શકાતી નથી તેથી બિલ્કીસ બાનુના કેસની સુનાવણી ગુજરાતની બહાર મુંબઈમાં કરવામાં આવી હતી. જો બિલ્કીસ બાનુને બિનસરકારી સંસ્થા દ્વારા મદદ ન કરવામાં આવી હોત તો તેમને ન્યાય મળત ખરો? જો સર્વોચ્ચ અદાલતનું માનવું છે કે હિંસા સ્વયંભૂ હતી અને તેની પાછળ કોઈ રાજ્ય સમર્થિત કાવતરું નહોતું, તો પણ અન્યાયનો ભોગ બનેલાં લોકોને ન્યાય અપાવવાની રાજ્યની અનિચ્છા શું સમજાવે છે? શા માટે તેમણે સુપ્રિમ કોર્ટને એવું સમજાવવાનો પ્રયાસ કર્યો કે જેઓ જાકિયા જાફરી માટે ન્યાય માંગી રહ્યા છે તેઓ ગુજરાતની જનતાને બદનામ કરી રહ્યા છે?

સુપ્રિમ કોર્ટના કહેવા મુજબ ‘“તેમના વાતાનુકૂલિત કાર્યાલયમાં આરામદાયક વાતાવરણમાં બેઠેલાં લોકો આવી ભયાનક પરિસ્થિતિ દરમિયાન રાજ્ય વહીવટીતંત્રની વિવિધ સ્તરે નિષ્ફળતાઓને ઉજાગર કરવામાં સફળ થઈ શકે છે, પણ તેઓ જમીની વાસ્તવિકતાને ઓછી જાણતા હોય છે.’’આ ટીપ્પણી એપ્રિલ, ૨૦૧૫ માં ન્યાયાધીશોના મેળાવડા પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જારી કરેલી ચેતવણીમાંથી એકની યાદ અપાવે છે. વડા પ્રધાને કહ્યું હતું કે ‘‘કાયદા અને બંધારણના આધારે ચુકાદો આપવાનું સરળ છે, પણ ગલત ધારણાપ્રેરિત ચુકાદાઓ સામે સાવચેત રહેવાની જરૂર છે. આ ધારણાઓ ઘણી વાર ફાઇવ સ્ટાર કાર્યકરો દ્વારા ચલાવવામાં આવે છે. અદાલતો આ ફાઇવ સ્ટાર કાર્યકરોથી ડરે છે અને તેથી સ્વતંત્ર રીતે ન્યાય કરી શકતી નથી.’’

સુપ્રિમ કોર્ટના વિદ્વાન જજ સાહેબો ભૂલી ગયા કે ૨૦૦૪ માં સુપ્રિમ કોર્ટને જ ગુજરાત રાજ્યના તત્કાલીન સત્તાવાળાઓની તુલના રોમ ભડકે બળતું હતું ત્યારે ફિડલ વગાડનારા સમ્રાટ નીરો સાથે કરવાની ફરજ પડી હતી? બેસ્ટ બેકરી કેસની ચર્ચા કરતી વખતે તેણે કહ્યું હતું: “‘આધુનિક કાળના નીરો જ્યારે બેસ્ટ બેકરી અને નિર્દોષ બાળકો સળગી રહ્યાં હતાં ત્યારે બીજે જોઈ રહ્યાં હતાં અને કદાચ ગુનેગારોને કેવી રીતે સુરક્ષિત કરી શકાય તે અંગે વિચારણા કરી રહ્યા હતા.’’

સુપ્રીમ કોર્ટે અન્યાયનો ભોગ બનેલાં તમામ લોકોને ચેતવણી આપી છે કે તેઓ માનવ અધિકારો માટે લડતા કાર્યકરોની મદદ લઈ શકશે નહીં. સુપ્રિમ કોર્ટે માનવ અધિકાર માટે લડતા કાર્યકરોને પણ ચેતવણી આપી છે કે તમારું કામ તમારા હિસાબે અને જોખમે કરો. આપણા દેશમાં ન્યાયાલયોની પદ્ધતિ જ એવી છે કે ગરીબ માણસ કોઈની મદદ વગર ન્યાય મેળવી જ શકતો નથી. હવે જો મદદ કરનારાને જ ગુનેગાર માની લેવામાં આવશે તો મદદ કરવા આગળ આવશે કોણ?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top