નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં ત્રણ વર્ષ બાદ ભવ્ય રીતે રથયાત્રા પર્વની ઉજવણી કરવામાં આવનાર હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રીજીનો રથ ખેંચવા માટે ભક્તો આતુર જોવા મળી રહ્યાં છે. ત્યારે આગામી તારીખ ૧ લી જુલાઈના રોજ ઉજવવામાં આવનાર શ્રીજીની ૨૫૦ મી રથયાત્રાની તમામ તૈયારીઓ મંદિર મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરેક તહેવારો તેમજ ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે. એમાંય વળી રથયાત્રા પર્વ દરમિયાન ચાંદી-પિત્તળના રથ ઉપરાંત, હાથી-ઘોડા અને પાલખી ઉપર સવાર થઈને નગરચર્યાએ નીકળતાં શ્રીજીના દર્શનનો લ્હાવો લેવા અને તેમની સાથે યાત્રામાં જોડાવવા માટે શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.
અનેક શ્રધ્ધાળુઓ ડાકોરમાં ઉજવાતાં રથયાત્રા પર્વની આતુરતાથી રાહ જોતાં હોય છે. જોકે, કોરોના મહામારીને પગલે છેલ્લાં બે વર્ષથી શ્રીજીની રથયાત્રા સાવ ફિક્કી રહી હતી. સન ૨૦૨૦ માં ડાકોરના નાથ નગરચર્યાએ નીકળી શક્યાં ન હતાં. માત્ર વારાદારી સેવકો અને કર્મચારીઓની હાજરીમાં મંદિર પરિસરમાં જ શ્રીજીનો રથ ફેરવી રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. જે બાદ સન ૨૦૨૧ માં કોરોના હળવો થતાં ડાકોરના નાથ નગરચર્યાએ નીકળ્યાં હતાં. પરંતુ, સરકારી પ્રતિબંધોને પગલે આ રથયાત્રામાં ભક્તો જોડાઈ શક્યાં ન હતાં.
જોકે, ત્રણ વર્ષ બાદ રથયાત્રા ભવ્ય રીતે ઉજવવામાં આવનાર હોવાથી શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વર્ષે શ્રીજીની ૨૫૦ મી રથયાત્રા નીકળનાર હોવાથી મંદિર મેનેજમેન્ટ દ્વારા પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. છેલ્લાં પંદરેક દિવસથી ચાલતી રથયાત્રાની તૈયારીઓ મંદિર મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. અનુભવી અને નિષ્ણાંત કારીગરોની ટીમ દ્વારા શ્રીજીનો વર્ષો જુનો ચાંદી તેમજ પિત્તળના રથ તૈયાર કરી દેવામાં આવ્યાં છે. ગુરૂવારે મંદિર પરિસરમાં આ બંને રથ ફેરવી ટ્રાયલ લેવામાં આવશે. જે બાદ તારીખ ૧ લી જુલાઈના રોજ પુષ્ય નક્ષત્રના શુભ મુહ્રર્તમાં શ્રીજી ભગવાનની ૨૫૦ મી રથયાત્રા નીકળશે. પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રામાં ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાશે.
ડાકોર મંદિર પરિસરમાં ભક્તો દ્વારા રથ ખેંચવાની પરંપરા
રથયાત્રાના દિવસે વહેલી સવારે ૬:૧૫ વાગ્યાના અરસામાં મંગળા આરતી બાદ ઠાકોરજીને કેસર સ્નાન કરાવાશે. જે બાદ ઠાકોરજીને વિવિધ ભોગ ધરાવાશે. મહાભોગ આરતી કરી રથનું અધિવેશન કર્યાં બાદ શ્રીજી ભગવાનને રથમાં બિરાજમાન કરાવી રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે. પરંપરા મુજબ સૌપ્રથમ ભક્તો દ્વારા ખેંચીને શ્રીજીના રથને મંદિર ઘુમ્મટમાં જ પાંચેક પ્રદક્ષિણા કરાવવામાં આવશે. જે બાદ મંદિર પરિસરમાં ચાંદીના રથમાં શ્રીજીને વારાફરતી બિરાજમાન કરાવી પાંચ-સાત પ્રદક્ષિણા કરાવ્યાં બાદ બંને રથ મંદિર બહાર નીકળશે. આ બંને રથ સાથે બે-બે બળદોને જોતરી ઢોલ-નગારાં અને બંસરીના સૂર સાથે શ્રીજીની રથયાત્રા નિયત માર્ગ પર પ્રસ્થાન કરશે.
રથયાત્રાનો રૂટ
શ્રી રણછોડરાયજી મંદિરમાંથી નીકળેલી શ્રીજીની રથયાત્રા ગૌશાળા, લાલબાગ, દાઉદજી મંદિર, નરસિંહ ટેકરી, રાધાકુંડ, મોખા તલાવડી થઈ ગાયોના વાડે પહોંચશે. જ્યાં થોડો વિરામ કર્યાં બાદ શ્રીજીની રથયાત્રા રણછોડપુરા અને સમાધિ થઈ સાંજે કેવડેશ્વર મહાદેવ મંદિરે પહોંચશે. જ્યાં શ્રીજી ભગવાનની સેવા કરી, આભુષણોનો અંગિકાર કરવામાં આવશે. જે બાદ નાની ભાગોળ વિસ્તારમાં થઈને શ્રી લક્ષ્મીજી મંદિર અને સત્યભામાના મંદિરે થઈ રાત્રીના આઠેક વાગે શ્રીજીની રથયાત્રા નિજમંદિરે પરત ફરશે.
પોલીસતંત્ર સજ્જ
ખેડા જિલ્લાના વિવિધ ગામ-શહેરોમાં રથયાત્રા પર્વ ધામધુમથી ઉજવવામાં આવે છે. જે પૈકી સૌથી મોટી રથયાત્રા ડાકોરના શ્રી રણછોડરાયજી મંદિરમાં નીકળે છે. આ રથયાત્રામાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાય છે. દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને તે હેતુસર ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તદુપરાંત વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ડાકોરમાં લગાવવામાં આવેલાં હાઈ રીઝોલ્યુશન સીસીટીવી કેમેરાથી રથયાત્રા ઉપર પોલીસ નિગરાની રાખશે. તેમજ આ રથયાત્રા દરમિયાન પોલીસતંત્ર દ્વારા સૌપ્રથમ વખત બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવનાર છે.