સુરત: (Surat) સગરામપુરા ખાતે રહેતી યુવતીને ચોગાન શેરીમાં રહેતા યુવકે લગ્નની (Marriage) લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી ડુમસ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ (Rape) આચર્યું હતું. તેનો વિડીયો ઉતારી આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતીની સગાઈ પણ તોડાવી દીધી હતી. અઠવા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.
- ડુમસની ઝાડીઓમાં યુવતી સાથે દુષ્કર્મ કરી વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી યુવતીની સગાઈ તોડાવી
- સગરામપુરા ખાતે રહેતી યુવતી મદ્રેસામાં અભ્યાસ કરતી ત્યારથી જાસીમ તેનો પીછો કરતો હતો
- યુવતીને અવારનવાર ડુમસમાં ઝાડીઓમાં લઈ જઈ કીસ કરી દુષ્કર્મ કરતો
અઠવા પોલીસે ચોગાન શેરી સગરામપુરા ખાતે રહેતા 22 વર્ષીય જાસીમ સલીમ શેખની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી. સગરામપુરા ખાતે રહેતી 17 વર્ષીય આલીયા ગત 10 જુને સાંજે આલીયા અને તેની નાની બહેન તેની નાનીના ઘરે સુવા માટે ગઈ હતી. સવારે પોણા ચાર વાગે આલીયા ગાયબ હતી. એટલે તેની નાનીએ આલીયાની માતાને ફોન કરીને આલીયા ઘરે આવી કે કેમ તે અંગે પુછ્યું હતું. આલીયાની માતાએ તે ઘરે નથી આવી તેમ કહી તેના પતિ અને પુત્રને જાણ કરી હતી. અને આલીયાને ફોન કરીને પુછતા તે ચોગાન શેરીમાં મંગેતર મોહમદ ઝૈદને મળવા ગઈ હોવાનું કહ્યું હતું.
પરંતુ માતા-પિતાને આ વાત ગળે નહીં ઉતરતા બીજા દિવસે સવારે માતા-પિતાએ આલીયાને પુછતા તે જાસીમ સલીમ શેખે બોલાવતા તેને મળવા ગઈ હોવાનું કહ્યું હતું. પરંતુ જાસીમે કોઈ પુછે તો મો.ઝૈદનું નામ આપવાનું કહ્યું હતું. આલીયા ગયા વર્ષે ઝાંપાબજાર ખાતે આવેલી મદ્રેશામાં અભ્યાસ કરતી હતી. ત્યારથી જાસીમ સલીમ શેખ આલીયાનો પીછો કરતો હતો. અને તેનો મોબાઈલ નંબર કોઈક રીતે મેળવીને ફોન કરતો હતો. બાદમાં બંને વચ્ચે ઓળખાણ થતા માર્ચ 2022 માં જાસીમે ડુમસ ફરવા જવા માટે આલીયાને ઓફર કરી હતી. આલીયાએ ના પાડતા જાસીમે જો તું નહીં આવશે તો તારા લગ્ન જ્યાં નક્કી થયા છે ત્યાં જાણ કરી લગ્ન થવા નહીં દઈશ અને તારા માતા પિતાને અને તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી ગભરાઈને આલીયા તેની સાથે ડુમસ ગઈ હતી.
ત્યારબાદ જાસીમ અવારનવાર ડુમસ લઈ જતો હતો. અને તેનુ શોષણ કરતો હતો. ડુમસની ઝાડીઓમાં લઈ જઈને તેની સાથે બિભત્સ હરકતો કરી વિડીયો ક્લીપ ઉતારી બાદમાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ ઘટના બાદ આલીયાના મંગેતરે પણ લગ્ન માટે ના પાડી દીધી હતી. જેથી આલીયાની માતાએ અઠવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. અઠવા પોલીસે આરોપીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.