બારડોલી: (Bardoli) બારડોલી વિસ્તારમાં આવેલા કેટલાંક ગેસ્ટ હાઉસોમાં અનૈતિક પ્રવૃત્તિ ચાલી રહી હોવાની રાવ ઊઠી છે. ગેસ્ટ હાઉસોમાં (Guest House) યુવક-યુવતીઓને રૂમ (Room) ભાડે આપી આવી અનૈતિક પ્રવૃત્તિ થઈ રહી છે. ત્યારે પોલીસ (Police) દ્વારા આવાં ગેસ્ટ હાઉસો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે.
- બારડોલીનાં કેટલાંક ગેસ્ટ હાઉસોમાં અનૈતિક પ્રવૃત્તિ પૂરજોશમાં
- આવા ગોરખધંધાને કારણે સારા નાગરિકો તે તરફ જતાં પણ ખચકાય છે
- કાર અને ખાનગી લક્ઝરી બસોમાં પણ અનૈતિક પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલી વિસ્તારમાં આવેલાં કેટલાંક ગેસ્ટ હાઉસો યુવક-યુવતીઓને કોઈપણ જાતના પુરાવા લીધા વગર રૂમ ભાડે આપવામાં આવી રહ્યા છે. યુવક-યુવતીઓની અવરજવરને કારણે કેટલાંક ગેસ્ટ હાઉસોની આજુબાજુના દુકાનદારોએ પણ અમુક વખત શરમમાં મુકાવું પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. આવા ગોરખધંધાને કારણે સારા નાગરિકો તે તરફ જતાં પણ ખચકાય રહ્યા છે. જો આવી અનૈતિક પ્રવૃત્તિ રોકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો ઊઠશે. કહે છે કે, શાળા-કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ખુલ્લેઆમ ગેસ્ટ હાઉસનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આવાં ગેસ્ટ હાઉસોનો યોગ્ય ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
કાર અને બસમાં પણ થઈ રહી છે આવી પ્રવૃત્તિ
બારડોલી વિસ્તારમાં માત્ર ગેસ્ટ હાઉસો જ નહીં હવે તો કાર અને ખાનગી લક્ઝરી બસોમાં (Car And Luxury Bus) પણ અનૈતિક પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોવાની માહિતી મળી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાઓની પાસે અમુક રકમ લઈ કાર કે બસ એક-બે કલાક માટે આપી દેવામાં આવે છે. આવી પ્રવૃત્તિ બારડોલી પોલીસમથક વિસ્તારમાં ફૂલીફાલી છે. આવી સ્થિતિમાં દિલ્હીમાં બનેલી નિર્ભયા જેવી ઘટના પણ બની શકે તેવી ભીતિ સેવાઇ રહી છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલે પણ યોગ્ય તપાસ થાય અને આવા વાહનચાલકો તેમજ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.
પી.આઈ.નો ફોન સંપર્ક ન થઈ શક્યો
આ બાબતે બારડોલી પી.આઈ. એન.એમ.પ્રજાપતિને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.