Charchapatra

‘‘અગ્નિપથ’’ સામેની શંકાઓનું નિરાકરણ જરૂરી

દેશના બેરોજગાર અસંખ્ય યુવાનો ઘણા સમયથી સેનાની ભરતીની રાહ જોઈને બેઠા છે, ત્યારે સરકાર ‘‘અગ્નિપથ’’ યોજના લાવી છે. યુવાનોને સેવા કરવાનો મોકો મળે એવા આશયથી કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં લાવવામાં આવેલી ‘‘અગ્નિપથ’’ યોજનાનો દેશના મોટા ભાગનાં રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. સેનામાં માત્ર 4 વર્ષની નોકરી બાદ 75 % યુવાનોને છુટા કરી દેવામાં આવશે. ત્યારે આ સેનાના યુવાનોના ભવિષ્ય અને દેશની સુરક્ષા – સલામતી અંગે પ્રશ્નો ઊભા થવાની શક્યતાઓ છે. ‘‘અગ્નિપથ’’ યોજનાની સેના ભરતી દ્વારા સેનાની ભરતી માટે વરસોથી તૈયારી કરતા યુવાનોનાં સપનાંઓ રગદોળાઈ જશે એવો ભય યુવાનોને લાગી રહ્યો છે.

ફિઝિકલ એક્ઝામ પાસ કરી ચૂકેલા યુવાનોની લેખિત પરીક્ષા 2 વર્ષથી લેવાઈ નહીં હોવાના મામલે પણ યુવાનોમાં ઉગ્ર રોષ જોવા મળે છે. ‘‘અગ્નિપથ’’માં ભરતી થયેલા અગ્નિવીરોને 4 વર્ષ બાદ છુટા કરાતા, તેઓને કેટલાંક રાજ્યો પોલીસકર્મી તરીકે ભરતી કરશે તેમજ આ જવાનોને P.T. ટીચર તરીકે પણ ભરતી કરાશે. આવાસ અને પેટ્રોલિયમ મંત્રાલયની તમામ ભરતીઓમાં 10 % સુધી અનામત અપાશે. ‘‘અગ્નિપથ’’ ભરતીની પ્રથમ બેંચને 5 વર્ષની છૂટ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ બધી બાબતોથી યુવાનોને વાકેફ કરવા જોઈએ. હવે નિયમિત ભરતી બંધ કરાશે એવી પણ યુવાનોને શંકા છે, ત્યારે તેની સામે સરકારે યુવાનોમાં વિશ્વાસ ઊભા કરવા સઘન પ્રયાસો હાથ ધરવા જોઈએ.
બોટાદ   – મનજીભાઈ ગોહિલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top