Comments

પાકિસ્તાનને અમેરિકાના સમર્થનથી ભારત-પાક સમસ્યાઓમાં વધારો થશે

પેરિસ સ્થિત ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય કર્યો છે. FATFએ ફેબ્રુઆરી ૨૦૧૮ માં પાકિસ્તાનને નબળા મિકેનિઝમવાળા દેશોના ‘ગ્રે લિસ્ટ’પર મૂક્યું હતું. અત્યાર સુધી આતંકવાદ સામે કોઈ જ કાર્યવાહી ન કરાતાં પાકિસ્તાનને આ યાદીમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત એજન્સીએ દેવાની ચુકવણીના સંકટનો સામનો કરી રહેલી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અંગે ચેતવણી આપતા વિદેશી કંપનીઓને પાકિસ્તાનમાં રોકાણ કરવા માટે વધુ સાવધ રહેવાની સલાહ આપી છે.

આનાથી પાકિસ્તાનને આર્થિક નુકસાનની શક્યતાઓ વધી જાય છે. પાકિસ્તાન આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાનની સરકારે ચીન અને સાઉદી અરબ પાસે પહેલાં જ મદદનો હાથ લંબાવી દીધો છે. ઉપરાંત આ કટોકટી હળવી થાય તે માટે પાકિસ્તાન એક્સટેન્ડેન્ડ ફંડ ફેસિલિટી ફરી શરૂ થાય એ માટે આઇએમએફ સાથે વાટાઘાટો કરી રહ્યું હતું પણ કોઈ સમજૂતી થઈ શકી નથી. આઇએમએફ દ્વારા નિર્ધારિત માનદંડો મુજબ પાકિસ્તાને ત્રણ વરસમાં સાડા છ અબજ ડોલર જેટલું દેવું ચૂકવવું જ પડે, જે કરવું પાકિસ્તાન માટે મુશ્કેલ છે.

પાકિસ્તાનનો આર્થિક સુધારણા કાર્યક્રમ મજબૂત સરકારને અભાવે નબળો પડી ગયો છે. તેનું વિદેશી હૂંડિયામણ પણ તળિયે પહોંચી ગયું છે. પાકિસ્તાન માટે આઇએમએફની લોન મળવી ખૂબ જરૂરી છે. પાકિસ્તાન અને આઇએમએફ વચ્ચે સમજૂતી થાય એ માટે અમેરિકા પાકિસ્તાનની મદદ કરવા તૈયાર હોવાના અહેવાલો આવી રહ્યા છે. અમેરિકા આઇએમએફમાં મોટો હિસ્સો ધરાવે છે એ જોતાં આઇએમએફમાં અમેરિકાનું પ્રભુત્વ છે. આ બધા વચ્ચે અમેરિકાના વિદેશ વિભાગે તાજેતરમાં જ એક પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાન અમારું પાર્ટનર છે અને અમે આ ભાગીદારીને મજબૂત કરવાના પ્રયાસો ચાલુ રાખીશું.’

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દુનિયા બે હિસ્સામાં વિભાજીત થઈ ગઈ છે. પશ્ચિમી દેશો યુક્રેનને સાથ આપી રહ્યા છે ત્યારે ચીન અને બેલારુસ જેવા દેશો રશિયા સાથે છે. ભારતે આ બાબતે તટસ્થ વલણ અપનાવ્યું છે જેના લીધે પશ્ચિમી દેશો ભારતથી નારાજ પણ થયા છે અને ભારતે રશિયા વિરુદ્ધ બોલવું જોઈએ એવો આગ્રહ ભારત પાસે રાખવામાં આવતો રહ્યો છે. આ મુદ્દે ભારતને સ્ટેન્ડ લેવાની સલાહ આપનાર અમેરિકા પોતે ટેરર ફંડિંગના લીધે FATFના ગ્રે લિસ્ટમાં સામેલ થનાર પાકિસ્તાનને સમર્થન આપવાની વાત કરી રહ્યું છે. ટ્રમ્પના સમયમાં અમેરિકાની પાકિસ્તાન નીતિ અલગ હતી. બાઇડન સરકાર તેમાં બદલાવ લાવી રહી છે. ઇમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન હતા ત્યારે અમેરિકા સાથેના પાકિસ્તાનના સંબંધો વણસી ગયા હતા. ગાદી છોડતી વખતે પણ ઇમરાન ખાને આ માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું હતું. બાઇડન સરકાર ચીન વિરુદ્ધ પણ આક્રમકતાથી બોલવાનું ટાળતી રહી છે.

એક તરફ અમેરિકા આતંકવાદ સામે ઝીરો ટોલરન્સનો આગ્રહ રાખે છે અને સાથે જ પાકિસ્તાન જેવા આતંકવાદને સમર્થન આપતા દેશ સાથે સંબંધો આગળ વધારવાની પણ વાત કરે છે. આ સામે ભારતે સખત નારાજગી વ્યક્ત કરી છે. વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકરે કહ્યું હતું કે, ‘પાકિસ્તાનને અમેરિકાના સમર્થનથી ભારત-પાક સમસ્યાઓમાં વધારો થશે. પાકિસ્તાન સાથેની ભારતની ઘણી બધી સમસ્યાઓનું સીધું કારણ અમેરિકાએ પાકિસ્તાનને આપેલું સમર્થન છે. પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરમાં ઉગ્રવાદીઓને ઉશ્કેરવાનું અને હથિયાર આપવાનું ચાલુ રાખતાં કાશ્મીર ખીણનું વાતાવરણ ડહોળાયું છે. આ સંયોગોમાં પાકિસ્તાનને સમર્થન આપીને અમેરિકા ભારત માટે મુશ્કેલી સર્જી રહ્યું છે. ભારત આનો દરેક સંયોગોમાં વિરોધ કરશે.’ – ડૉ. જયનારાયણ વ્યાસ
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top