ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક રોમાંચક ટેસ્ટ સીરિઝ કે જે એકવર્ષથી ચાલી રહી છે અને તેનો અંત આ વર્ષે જુલાઇના પહેલા અઠવાડિયામાં થશે, ત્યારે એ એક આખુ અઠવાડિયું રોમાંચ ચરમસીમાએ પહોંચી જશે. આ સીરિઝ એક વર્ષ સુધી ચાલવાનો મતલબ એ છે કે ગત વર્ષે જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે ગઇ હતી તે સમયે ચાર ટેસ્ટ પુરી થઇ અને સીરિઝમાં ટીમ ઇન્ડિયા 2-1થી આગળ હતી તેવા સમયે પાંચમી ટેસ્ટ પૂર્વે ભારતીય ટીમમાં કોરોનાના કેસ સામે આવ્યા અને તેના કારણે આ ટેસ્ટ મુલતવી રખાઇ હતી અને તે સમયે એવું નક્કી થયું હતું કે આ ટેસ્ટ ભારતીય ટીમ જ્યારે 2022માં ઇંગ્લેન્ડ પ્રવાસે આવે તે સમયે રમીને સીરિઝ પુરી કરવી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરીઝ 2021માં રમવાની હતી. ટીમ ઈન્ડિયા રોમાંચક જીત નોંધાવીને સીરિઝમાં 2-1થી આગળ હતી અને શ્રેણીની છેલ્લી એટલે કે નિર્ણાયક મેચ 10 સપ્ટેમ્બર 2021થી માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફોર્ડમાં રમવાની હતી, જો કે ટીમ ઇન્ડિયામાં કોરોનાના કેસ સામે આવવાના કારણે તે રમાડી શકાય નહોતી અને હવે આ મેચ 1 જુલાઈથી બર્મિંઘમમાં રમાશે, ત્યારે રોમાંચ હિલોળા લઇને ચરમસીમાએ પહોંચી જશે.
આ સીરિઝની રોમાંચક વાત એ છે કે એક વર્ષ પહેલા ટીમ ઇન્ડિયાનું સુકાન વિરાટ કોહલી સંભાળતો હતો અને ઇંગ્લેન્ડનું સુકાન જો રૂટના હાથમાં હતું, જો કે હવે નવા વર્ષ સાથે એ સ્થિતિ બદલાઇ ચૂકી છે અને હવે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા છે, જ્યારે ઇગ્લેન્ડનો સુકાની ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ છે. સીરિઝની ચાર ટેસ્ટમાં વિરાટ કોહલીએ કેપ્ટનશિપ સંભાળી હતી અને ટીમ ઇન્ડિયા સીરિઝમાં 2-1થી આગળ છે. હવે જ્યારે બંને ટીમની આબોહવા બદલાઇ ગઇ છે. માત્ર કેપ્ટન જ નહીં પણ બંને ટીમનો કોચિંગ સ્ટાફ પણ બદલાઇ ગયો છે. ત્યારે રોહિત શર્મા પર આ ટેસ્ટ જીતીને ટીમ ઇન્ડિયાને સીરિઝ વિજેતા બનાવવાનું દબાણ રહેશે,.
જો ટેસ્ટ ટીમ ઇન્ડિયા ન જીતે અને તે ડ્રો જાય તો પણ સીરિઝ જો ટીમ ઇન્ડિયા જ જીતશે. સામે પક્ષે બેન સ્ટોક્સ પર એ દબાણ રહેશે કે તે ઇંગ્લેન્ડને આ ટેસ્ટમાં વિજેતા બનાવીને સીરિઝને 2-2થી ડ્રો કરાવે. રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર પહોંચી ગઈ છે. જ્યારે આ બંને ટીમો એજબેસ્ટન, બર્મિંઘમમાં આમને-સામને થશે ત્યારે એક વર્ષ જૂનો રોમાંચ ફરી જોવા મળશે અને સાથે જ ટીમ ઈન્ડિયા પાસે સિરીઝ જીતવાની ઐતિહાસિક તક પણ હશે. જો મેચ ડ્રો થશે તો પણ સિરીઝ ભારતના નામે રહેશે, પરંતુ જો તે હારશે તો સિરીઝ ડ્રોમાં સમાપ્ત થશે.
ક્લીનસ્વીપની વાત કરનારાઓને ટીમ ઇન્ડિયાએ જડબાતોડ જવાબ આપ્યો હતો
2021માં જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસે પહોંચી ત્યારે તેણે સૌથી પહેલા ન્યૂઝીલેન્ડ સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમી હતી, જેમાં ટીમ ઇન્ડિયાનો પરાજય થયો હતો. આ પછી, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટરોએ ભારતીય ટીમને નીચી પાડવાનું શરૂ કર્યું અને ઇંગ્લેન્ડની ટીમ ભારતીય ટીમને ક્લીનસ્વીપની કરશે એવી વાત શરૂ કરી હતી. જો કે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમે શાનદાર રીતે મેદાનમાં પરત ફરીને જોરદાર પ્રદર્શન કરીને સીરિઝમાં 2-1થી સરસાઇ મેળવી લીધી. છેલ્લી મેચ પહેલા જ ટીમ ઈન્ડિયાનો ડંકો વાગવા લાગ્યો, દુનિયાભરના ક્રિકેટ નિષ્ણાતો ભારતની જીતની વાતો કરવા લાગ્યા અને જે ઇંગ્લીશ ક્રિકેટરો ક્લીનસ્વીપની વાતો કરતાં હતા, તેઓ મોઢુ સંતાડવા માંડ્યા હતા.
ઈંગ્લેન્ડે હારના ડરને કારણે પાંચમી ટેસ્ટ રદ ન થવા દીધી અને સીરિઝ પૂર્ણ કરવાની શરત મૂકી
ભારતીય ટીમે જે રીતે સીરિઝમાં પ્રદર્શન કરીને 2-1ની સરસાઇ મેળવી લીધી તે વાત ઈંગ્લેન્ડને પચતી ન હતીસ જ્યારે ટીમ ઇન્ડિયામાં કોરોના કેસ સામે આવ્યા ત્યારે પહેલા તો ઇંગ્લેન્ડે ત્રાગા કરીને મેચ જ રમાડવાની વાત કરી અને તે પછી આઇસીસી સમક્ષ આ મેચમાં પોતાને વિજેતા જાહેર કરવાની પણ વાત કરી હતી. ઇંગ્લેન્ડ ઇચ્છતું નહોતું કે આ ટેસ્ટ રદ જાહેર થાય, જો એમ થાય તો ભારતીય ટીમ 2-1થી સીરિઝમાં વિજેતા જાહેર થાય તેમ હતું અને તેઓ તો સીરિઝ બરાબરી પર પુરી કરવા માગતા હતા..આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડે એક શરત મૂકી હતી કે કે જ્યારે ભારતીય ટીમ 2022માં પરત આવશે ત્યારે તેણે પહેલા આ પાંચમી ટેસ્ટ રમીને સીરિઝ પૂરી કરવી પડશે. આ જ શરત મુજબ ભારત 3 વનડે અને 3 ટી20 પહેલા એક ટેસ્ટ મેચ રમશે. જો કે આ વખતે પૂર્વ કેપ્ટન માઈકલ વોન થોડો શાંત છે, કારણ કે તે જાણે છે કે જો ભારત જીતશે તો તે સૌથી વધુ ફજેતી તેની જ થશે.