Columns

રિસોર્ટ પોલિટિક્સ મોજમજા સાથે રાજકીય ગોઠવણની વ્યવસ્થા!

હારાષ્ટ્રમાં છેલ્લા અઠવાડિયાથી જે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે તેની શરૂઆત સુરતની લે મેરિડીયન હોટલથી થઈ હતી. શિવસેનામાંથી બળવો કરીને સૌ પહેલાં ધારાસભ્યો અહીંયા જ આવ્યા. અહીં હોટલમાં અંદાજે 30 રૂમ ધારાસભ્યો માટે બુક કરવામાં આવ્યા હતા. આ ખબર પ્રસરતાં જ દેશભરનું મીડિયા સુરતની આ હોટલની આસપાસ જમા થવા લાગ્યું અને એક પછી એક બળવાખોર ધારાસભ્યોની એન્ટ્રી હોટલમાં થતી ગઈ. સુરત પોલીસે એક્શનમાં આવીને હોટલની આસપાસનો પૂરો વિસ્તાર કોર્ડન કર્યો. 300થી 400 પોલીસકર્મીઓએ હોટલ ઘેરી લીધી અને કોઈ પણ વ્યક્તિને ઓળખ વિના હોટલમાં પ્રવેશવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. ધારાસભ્યોની પ્રાઇવસી જળવાય તે માટે ગુજરાત પોલીસે પૂરતી કાળજી લીધી. એવું કહેવાય છે કે ધારાસભ્યોનું બુકિંગ પણ ગુજરાતની કોઈ રાજકીય વ્યક્તિ દ્વારા જ થયું હતું. શિવસેનામાંથી બળવો કરીને આવેલા ધારાસભ્યોની સંખ્યા વધીને સુરતમાં 35 થઈ અને તે પછી આ તમામ ધારાસભ્યો સુરતથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગુવાહાટી પહોંચ્યા.

બળવો કરનાર જૂથની આગેવાની કરનાર એકનાથ શિંદેના દાવા મુજબ અત્યારે તેમની પાસે 45 ધારાસભ્યો છે. મહારાષ્ટ્રના રાજકારણનો આ ખેલ સુરતની લે મેરિડીયનથી શરૂ થયો અને હવે તેનો બીજો ભાગ ગુવાહાટીની રેડિસન બ્લૂ હોટલમાં ભજવાઈ રહ્યો છે. રેડિસન બ્લૂ ફાઇવ સ્ટાર હોટલ છે અને અત્યારે તેમાં 70 રૂમ બુક કરવામાં આવ્યા છે. આ હોટલ અત્યાધુનિક સુવિધા ધરાવે છે અને અહીંયા 7 દિવસ માટે એક રૂમના ભાડાંનું પેકેજ 56 લાખની આસપાસ છે. 70 રૂમના કેટલા થાય તે ગણતરી કરી લો. આ ઉપરાંત હોટલે પોતાનો બેન્ક્વેટ એરિયા અને રેસ્ટોરાંને હાલ પૂરતી બંધ કરી દીધી છે.

આસામમાં પણ BJPનું શાસન હોવાથી બળવો કરનારા આ ધારાસભ્યોને સુવિધા મળી રહી છે. સૌ પ્રથમ તેઓ અહીંના બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊતર્યા ત્યારે તેમના માટે એરપોર્ટ પર સ્ટેટ ટ્રાન્સપોર્ટની ત્રણ લક્ઝરી બસો મૂકી દેવામાં આવી હતી. જે હોટલ પર તેઓ આવ્યા ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં પોલીસનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. આ વિશે આસામના મુખ્ય મંત્રી હેમંત બિસવાને પૂછવામાં આવ્યું તો તેમણે નિર્દોષ ભાવે કહ્યું કે, “40 લોકો આસામ આવ્યા છે. આ સારું છે. અમે ઇચ્છીએ છીએ કે આસામમાં વધુ લોકો આવે. આ સમયમાં અમને ખૂબ ઓછા પ્રવાસી મળી રહ્યા છે.” આ રીતે હવે મહારાષ્ટ્રના રાજકારણનો પૂરો તખ્તો ગુવાહાટીમાંથી ગોઠવાઈ રહ્યો છે. રિસોર્ટ પોલિટિક્સ ભારતીય રાજકારણમાં અવારનવાર થતું આવ્યું છે.

‘રિસોર્ટ પોલિટિક્સ’ની શરૂઆત હરિયાણાથી થઈ હતી અને તેમ કરવામાં ‘રાષ્ટ્રીય લોક દલ’ના કદાવર નેતા દેવીલાલનું નામ દેવાય છે. 80-90ના દાયકામાં હરિયાણાના રાજકારણ પર ‘તાઉ’નામે જાણીતા દેવીલાલની જબરજસ્ત પકડ હતી. તેઓ બે વાર હરિયાણાના મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. ‘રાષ્ટ્રીય લોક દલ’ના ઉદય પછી 1982ના અરસામાં હરિયાણામાં બનેલી આ ઘટનાની નોંધ દેશ-વિદેશના મીડિયામાં ખૂબ થઈ હતી. બન્યું હતું એમ કે હરિયાણામાં 1982માં વિધાનસભાની ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ‘રાષ્ટ્રીય લોક દલ’ હતાં.

‘રાષ્ટ્રીય લોક દલ’સાથે BJPએ ગઠબંધન કર્યું હતું. ચૂંટણી પરિણામમાં કુલ 90 બેઠકોમાંથી કોંગ્રેસને 36 બેઠકો મળી. જ્યારે ‘રાષ્ટ્રીય લોક દલ’અને BJPના ગઠબંધનને 37 બેઠકો મળી. આ રીતે કોઈ પણ પક્ષ બહુમતી સાબિત કરી શકે એમ નહોતો. આ સ્થિતિમાં રાજ્યના ગવર્નર જી. ડી. તાપસેએ વધુ બેઠકો ધરાવતાં કોંગ્રેસ પક્ષને સરકાર રચવા માટે આમંત્રણ મોકલ્યું. કોંગ્રેસની સરકાર ન બને તે માટે દેવીલાલે ‘રાષ્ટ્રીય લોક દલ’ના અને અન્ય સહિત કુલ 45 ધારાસભ્યોને દિલ્હીની એક હોટલમાં રવાના કર્યા. જો કે અહીંયાથી એક ધારાસભ્ય નાટકીય રીતે છટકી ગયો.

તે હોટલની જ એક પાણીની પાઇપ દ્વારા બહાર આવ્યો અને ભાગી છૂટ્યો. આ બધા ઘટનાક્રમ પછી દેવીલાલને સરકાર માટે આમંત્રણ મોકલવામાં આવ્યું પરંતુ તેઓ બહુમતી સાબિત ન કરી શક્યા. અંતે કોંગ્રેસના ગઠબંધનની સરકાર રચાઈ. આ અગાઉ પણ ધારાસભ્યોને પોતાના પક્ષે કરવાનો ખેલ શરૂ થઈ ચૂક્યો હતો પણ સમૂહમાં ધારાસભ્યોને હોટલમાં ‘કેદ’ કરી લેવાનું કૃત્ય પહેલવહેલ દેવીલાલે કર્યું હતું.

કર્ણાટક પણ એ રીતે રિસોર્ટ પોલિટિક્સનો ભોગ બનતું રહ્યું છે. આ પોલિટિક્સમાં દ્રોહ પક્ષ સાથે તો થાય જ છે પણ પ્રજા સાથે પણ થાય છે અને અંતે સત્તાની સાઠમારીમાં ગુડ ગવર્નન્સ જેવું કશુંય રહેતું નથી. આવી તડજોડ 1983માં કર્ણાટકમાં થઈ હતી. તે વખતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા બે પક્ષ તરીકે જનતા પક્ષ અને કોંગ્રેસ હતા. જનતા પક્ષને 95 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 82. કેન્દ્રમાં ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને વડાં પ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતાં. જનતા પક્ષની આગેવાની રામકૃષ્ણ હેગડે કરી રહ્યા હતા અને તેઓ BJP સાથે મળીને સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. રામકૃષ્ણ હેગડેને જ્યારે કેન્દ્રમાંથી જનતા પક્ષને જોખમ જણાયું તો તેમણે તેમના તમામ ધારાસભ્યોને બેંગ્લોરના એક હોટલમાં મોકલી દીધા.

આ ખેલ ખૂબ દિવસો સુધી ચાલતો રહ્યો અને નેશનલ મીડિયામાં તેની હેડલાઇન બનતી રહી. અંતે રામકૃષ્ણ હેગડે ગૃહમાં પોતાની બહુમતી સાબિત કરીને મુખ્ય મંત્રી બન્યા હતા. કર્ણાટકમાં આવી સ્થિતિ 2019માં ફરી આવી હતી. મુખ્ય મંત્રી કુમારસ્વામી હતા ત્યારે કોંગ્રેસના 13 અને JD(સેક્યુલર)ના ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું અને ત્યારે પણ કુમારસ્વામીએ પોતાના પક્ષ JD(સેક્યુલર)ના તેમના બાકીના ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલી દીધા હતા. જો કે, તેમ છતાં કુમારસ્વામી પોતાની સરકાર બચાવી ન શક્યા અને તેમના સ્થાને BJPના યેદીરપ્પા મુખ્ય મંત્રી બન્યા.

ધારાસભ્ય અન્ય પક્ષ સાથે ન જાય અથવા તો બહુમતી સાબિત કરવાની હોય તે વેળાએ પોતાના પક્ષે વોટ કરે તે માટે પક્ષો આવું કરે છે. આ ઉપરાંત, રાજ્યસભાની ચૂંટણીમાં પણ રિસોર્ટમાં પૂરી દેવાનો ખેલ થાય છે. રાજ્યસભાની ચૂંટણીની પણ આ રીતે રિસોર્ટમાં ગોઠવણ થાય છે. રિસોર્ટમાં ધારાસભ્યોને બંધ કરીને રાખવાનો ખેલ સમયાંતરે મહદંશે દરેક મોટા રાજ્યોમાં જોવા મળ્યો છે. આંધ્રપ્રદેશમાં પણ આ સ્થિતિ 1984માં આવી હતી, જ્યારે મુખ્ય મંત્રી એન. ટી. રામારાવ હાર્ટ સર્જરી અર્થે અમેરિકા ગયા હતા. તે વખતે ટી. રામરાવના સ્થાને મુખ્ય મંત્રી તરીકે નદેન્દલા ભાસ્કર રાવ કાર્યરત હતા.

આ દરમિયાન સત્તાસ્થાને રહેલી ‘તેલુગુ દેશમ પાર્ટી’માં બળવો થયો અને તુરંત જ સ્થિતિને પારખતાં ટી. રામારાવે પોતાના બાકીના ધારાસભ્યોને બેંગ્લોરમાં શિફ્ટ કરી દીધા. અંતે 2 મહિના પછી આ પૂરું પ્રકરણ થાળે પડ્યું અને ટી. રામારાવ ફરીથી મુખ્ય મંત્રી સ્થાને આવ્યા. 1995માં ટી. રામારાવના જમાઈ ચંદ્રબાબુ નાયડુએ ટી. રામારાવને સત્તા પરથી ઉથલાવવા પોતાના વિશ્વાસુ ધારાસભ્યોને હૈદરાબાદની વાઇસરોય હોટલમાં રાખ્યા. તે પછી સત્તા ચંદ્રાબાબુ પાસે આવી અને ટી. રામારાવ ફરી ક્યારેય સત્તામાં ન આવ્યા.

આવું જ પ્રકરણ ગુજરાતમાં ‘ખજુરાહો’ના નામે ઓળખાય છે. 1995માં ગુજરાતમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 121 મેળવી અને કોંગ્રેસે 45. BJPની સરકાર બની અને મુખ્ય મંત્રી તરીકે કેશુભાઈ પટેલે શપથ લીધા. હજુ માંડ છ મહિના થયા હશે અને શંકરસિંહ વાઘેલાએ 47 ધારાસભ્યોને પોતાના પક્ષે કર્યા અને સરકારને મુશ્કેલીમાં મૂકી દીધી. આ તમામ ધારાસભ્યોને મધ્ય પ્રદેશના ખજુરાહો લઈ જવામાં આવ્યા અને અહીંયા દિવસો સુધી રહ્યા પછી જ્યારે ધારાસભ્યો આવ્યા ત્યારે એ નિશ્ચિત થઈ ચૂક્યું હતું કે રાજ્યના નવા મુખ્ય મંત્રી તરીકે શંકરસિંહ વાઘેલા પર પસંદગી ઊતરશે. શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી નામે એક નવો પક્ષ સ્થાપ્યો અને કોંગ્રેસ સાથે જોડાણ કરીને મુખ્ય મંત્રી બન્યા.
રિસોર્ટ પોલિટિક્સની ઘટના આ રીતે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને તમિલનાડુમાં પણ છે. જો કે વારેવારે આવું બનતું હોવા છતાં સક્ષમ પક્ષો પણ આ ઘટના અટકાવી શકતા નથી. અંતે તો લડાઈ સત્તાસ્થાને બેસવાની છે અને તેમાં રાજકીય નેતાઓ કઈ હદ સુધી જશે તે કળવું મુશ્કેલ છે.

Most Popular

To Top