સુરતીઓથી માંડીને સમગ્ર ગુજરાત અને દેશભરના લોકોની સવાર ચા અને છાપાથી થાય છે. ગુજરાતીઓ માટે તો રોજ 365 દિવસ ચા પીવી એ ઉજવણી સમાન છે. મિત્રો સાથે ગપાટા મારવા માટે ચાથી સારું કોઈ બહાનું હોતું નથી. ચા રસિયાઓ માટે ચા પીવી એ અમૃત સમાન હોય છે. લોકો ઘરે કે ટપરી પર કે લારી પર ચા પીવા માટે હંમેશા તૈયાર રહે છે. 16મી સદીમાં પ્રથમવાર ચીનમાં ચા દવા તરીકે આપવાની શરૂવાત થઈ. ચીનના હકીમો દર્દીને શક્તિ આપવા, જુસ્સો ચડાવવા ચા આપતા. 17મી સદીમાં બ્રિટનમાં ચાનો વપરાશ શરૂ થયો, ત્યાંથી ભારતમાં ચાનું આગમન થયું. સમયના વહેણની સાથે ચા અલગ અલગ ટેસ્ટમાં મળતી થઈ ગઈ.
સુરતીઓ ઘરે ભલે રોજની એકસરખી બીબાઢાળ ચા પિતા હોય પણ ચા કાફેમાં જઈને અવનવા ટેસ્ટની 100થી વધારે પ્રકારની ચાની ચુસ્કી તો લે જ છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં અવનવી વેરાયટીની ચા મળે છે. પીપલોદમાં કાશ્મીરી પિંક કલરની ચા, મોટાભાઈની ચા, હમારીવાલી ચાય, વ્હાઇટ ટી, કેસરિયા ટી, ચોકલેટ ટી, વરાછામાં ગોળની ચા, ઘીની ચા, સોની ફળિયામાં ફ્રૂટની ચામાં સફરજનની ચા, કેળાની, ચીકુની, કોકોની, સંતરા, મોસંબી, દ્રાક્ષની ચાનો ટેસ્ટ માણી શકાય છે. એવી ચા વિશે પણ સાંભળ્યું છે જેમાં ચા પીધા બાદ કપને ખાઈ પણ શકાય છે? વરસાદમાં ચા અને સાથે ભજીયા ઉપરાંત સરસિયા ખાજાનું કોમ્બિનેશન લોકોનું ફેવરીટ છે. ચાનું ઘેલું તો યંગસ્ટર્સને પણ હોય જ છે. તેઓ કાફેમાં મિત્રો સાથે ગપસપ કરતા કે સ્ટડીની ચર્ચા કરતાં કરતાં ચા અને કોફીનો સ્વાદ માણે છે. આવો અમે તમને શહેરના અલગ અલગ વિસ્તારની વૈવિધ્યસભર ચા વિશે જણાવીએ…
વરાછામાં મળે છે-ઘી અને ગોળની ચા : ભરતભાઈ
વરાછામાં ભરતભાઈ જોગરાણાને ત્યાં કામરેજ, ઉત્રાણ, વેસુથી લોકો ગોળ અને ઘીની ચાની ચુસ્કી લેવા આવે છે. ભરતભાઈ કહે છે કે ચાના શોખીનો માટે તેઓ ગોળ, ઘી, કશ્મીરી કાજુ – બદામ – પીસ્તાની ચા અને કોલ્ડ ટી તૈયાર કરે છે અને ચાનો એક કપ માત્ર 10 રૂપિયામાં મળે છે. ગોળની ચાથી ડાયાબિટીઝનો પ્રોબ્લેમ નથી થતો. હાડકા મજબૂત થાય છે. વજન સંતુલિત રહે છે. ઘૂંટણનો દુખાવો નથી થતો. પિત્તાશયની બીમારી દૂર થાય છે. પાચનક્રિયા સારી રહે છે. ચામડીના રોગ દૂર થાય છે. ગોળની ચાના આ ફાયદા હોવાથી આરોગ્ય પ્રત્યે સભાન લોકો ગોળની ચા મારે ત્યાં પીવા આવે છે.
સોની ફળિયામાં સફરજન, કેળા, ચીકુ તથા કોકો વાળી ચાની પણ મજા માણી શકાય છે : મનીષભાઈ
સોની ફળિયા પાણીની ભીંત પાસે મનીષભાઈ પચ્ચીગરને ત્યાં અવનવા ફ્રૂટ (ફળો)ની ચા પીવો, ત્યારે ચામાં તે ફ્રૂટનો સ્વાદ આવે છે. મનીષભાઈએ કહ્યું કે મારા ટી સ્ટૉલ પાસેથી પસાર થતાં ફ્રુટવાળા અને શાકભાજીવાળા કહેતા કે તમે સફરજન, કેળા જેવા ફળોની ચા બનાવી શકો ખરા? એટલે મેં સફરજન, કેળા, ચીકુ, સંતરા, મોસંબી અને દ્રાક્ષની ચા બનાવવા માટે એક્સપરિમેન્ટ કર્યું અને તેમાં સફળ થયો. લોકોને જ્યારે ચાનો અલગ ટેસ્ટ જોઈતો હોય ત્યારે મારે ત્યાં ફ્રૂટ અને કોકોની ચા પીવા આવે છે. મેં 2017થી ફ્રૂટ અને કોકોની ચા બનાવવાનું શરૂ કર્યું. સફરજન, સંતરા, મોસંબી, દ્રાક્ષની સિઝનમાં આ ફ્રુટની ચાનો ટેસ્ટ લેવા લોકો આવતા જ હોય છે. સંતરા, મોસંબી, દ્રાક્ષની ચામાં દૂધ નાખવામાં નથી આવતું. તે પાણીથી બને છે. ખાંડ અને ચા પત્તિ તો હોય જ. જે ફ્રુટની ચા પીવો તે ફ્રૂટનો સ્વાદ ચામાં આવે. કોકોની ચામાં કોકોનો સ્વાદ આવે.
ચા પીધા બાદ કપને તમે ખાઈ શકો છો : હાર્દિકભાઈ
પીપલોદના હાર્દિકભાઈ રાવલ કહે છે કે તેમને ત્યાં ચા પીધા બાદ કપને ખાઈ શકાય છે. તેમણે કહ્યું કે આ કપ આઈસ્ક્રીમના કોન જેવો વેફર બિસ્કિટનો કપ હોય છે. આ કપમાં ચા રેડયા બાદ કપ 45 મિનિટથી 1 કલાક સુધી જેમનો તેમ રહે છે. તે હવાઈ જતો નથી. અમે આ પ્રકારની ચા સર્વ કરવાનું 3 વર્ષ પહેલા શરૂ કર્યું હતું. તેઓ હોટ ચોકલેટ ચા અને કશ્મીરી પિંક કલરની ચા પણ તૈયાર કરે છે. આ પિંક ચામાં ખારા પીસ્તા ઉપરથી નાખવામાં આવે છે. વેફર બિસ્કિટ ચાના કપ નોર્મલ મીઠા હોય છે.
40 વર્ષથી મોટી ઉંમરના લોકોને સવારે ચા નિઃશુલ્ક પીવડાવાય છે :
પીપલોદના રાહુલસિંઘને ત્યાં સવારે 6 થી 10 વાગ્યા સુધી 40 વર્ષથી વધુ વયના લોકોને નિઃશુલ્ક ચા પીવડાવવામાં આવે છે. તેમણે કહ્યું કે સવારે જોગિંગ કરીને આવતા લોકો એક જગ્યાએ ભેગા થાય, તેમનામાં વાતો થાય, તેમને કેરિંગ મળે, ગપસપ થાય, એટલા માટે હું નિઃશુલ્ક ચા પીવડાવું છું. મારો આની પાછળનો ઉદ્દેશ્ય લોકોને ભેગા કરવાનો છે, નહીં કે બિઝનેસ નો…
પીપલોદમાં મોટાભાઈની ચા, વ્હાઇટ ટી, હમારીવાલી ચાય, ચોકલેટ અને કેસરિયા ટીનો સ્વાદ મળે છે : રાહુલભાઈ
પીપલોદના રાહુલસિંઘ કહે છે કે તેમને ત્યાં 100થી વધુ પ્રકારની ચા પીવા સવારે અને સાંજે યંગસ્ટર્સ આવે છે. મોટી વયના લોકો ફેમિલી સાથે અને મિત્રો સાથે ચા પીવા આવે છે. રાહુલસિંઘ કહે છે કે મારે ત્યાં મોટાભાઈની ચા અને હમારીવાલી (સિગ્નેચર) ચાય પીવા લોકો વધારે આવે છે. ગુજરાતમાં લોકો માન – સમ્માનથી કોઈને બોલાવવા કે વાતચીતમાં મોટાભાઇ કહે છે. એટલે મેં એક અલગ પ્રકારની મોટાભાઈ નામની ચા તૈયાર કરી છે. આ ચામાં શુગર નથી હોતી. તેમાં હની (મધ) અને લેમન (લીંબુ) હોય છે. એટલે તે વેટલોસ કરનારા માટે પણ છે. મારે ત્યાં રોજના જે ચાના શોખીનો આવે છે, તેમાં 50 % હમારીવાલી ચાય (સિગ્નેચર ચા) પીવા આવે છે. આ ચામાં ઈલાયચી, કેસર હોય છે જેનો સ્વાદ લોકોને વધારે ગમે છે. વ્હાઇટ ટી સફેદ રંગની ચા હોય છે. જેમાં પોતાનામાં જ સ્વીટનેસ હોય છે એટલે તેમાં શુગરની જરૂરત નથી હોતી. બ્લુ ટી એક પ્રકારના ફલાવરમાંથી બનતી બ્લુ રંગની ચા છે. ચા માટીની કુલડીમાં આપવામાં આવે છે. જેથી લોકોને હાઇજિનિક ટી પીવા મળે. રાહુલસિંઘ પેકેજીંગ બોક્સમાં પણ તૈયાર ચા લોકોને મોકલે છે. આ બોક્સમાં સિલ્વર ફોઈલ હોય છે. 2 થી 10 કપ આ બોક્સમાં રહી શકે છે.