આવતી કાલે નીનાના ઘરે કામવાળી બાઈ આવવાની ન હતી તેથી તેણે બાજુના બંગલામાં કામ કરતા એક માજીને એક દિવસ છૂટક કામ કરવા માટે આવવા કહ્યું. બીજે દિવસે માજી ભરબપોરે પોતાનાં બધાં કામ પૂરાં કરીને નીનાના ઘરે આવ્યાં. નીનાએ દરવાજો ખોલ્યો અને માજીને આવકારો આપતાં બોલી, ‘માજી, સારું કર્યું તમે આવ્યાં, નહીં તો મારે બધું કામ કરવું પડત અને મારાં બીજાં કામ બાકી રહી જાત.’ માજીને નીનાના આ મીઠા શબ્દો ગમ્યા. તે બોલ્યા, ‘અરે આ તો મારું કામ છે.’ નીનાએ પાણીનો ગ્લાસ આપ્યો.
માજી મીઠું મલકતાં વાસણ કરવા બેઠાં. પાછળ વરંડામાં ખુલ્લામાં ચોકડી હતી, ત્યાં બહુ તડકો આવી રહ્યો હતો અને માજી તડકામાં બેસીને વાસણ માંજવા લાગ્યાં. નીના થોડાં બીજાં વાસણ ત્યાં મૂકવા આવી. તેણે જોયું કે બહુ તડકો પડી રહ્યો છે. તે બોલી, ‘માજી, બહુ તડકો છે. તમે વાસણ આ બાજુ છાયામાં લઈને માંજો. મારી બાઈ તો વહેલી સવારે આવે છે. એટલે ત્યારે ત્યાં તડકો આવતો નથી પણ અત્યારે 12 વાગ્યા ભર તડકો છે. આમ આવતાં રહો.’ વાસણ માંજતાં માંજતાં જ માજી બોલ્યાં, ‘ના રે બહેન, અમે તો રોજ તડકામાં જ આવ-જા કરીએ. થોડી વાર તડકો આકરો લાગશે, પછી વાંધો નહિ આવે.’
માજીએ ધીમે ધીમે વાસણ માંજ્યાં. ચોકડી સાફ કરી અને પછી હાથ મોઢું ધોઈને ઊભાં થયાં. અંદર આવ્યાં. નીનાએ પ્રેમથી પૂછ્યું, ‘માજી, શરબત પીશો? બનાવું?’ માજી કંઈ બોલ્યાં, ‘નહિ’ પણ તેમના ચહેરા પર થાક અને આંખોમાં શરબત પીવાની ઈચ્છા ડોકાઈ રહી હતી. નીનાએ ઓરેન્જ શરબત બનાવીને મોટો ગ્લાસ માજીને આપ્યો અને પોતે પણ લીધો. શરબત પીતાં પીતાં માજી પોતાના ઘરની વાતો કરતાં હતાં. નીનાએ ફરી એક વાર કહ્યું, ‘તમે મારું આજે કામ કરી આપ્યું તે માટે તમારો આભાર.’ નીનાએ તેમને કામના પૈસા આપ્યા. પૈસા લેતાં માજીની આંખોમાં આંસુ આવી ગયા.
નીનાએ ચિંતાથી પૂછ્યું, ‘માજી શું થયું, કેમ રડો છો?’ માજી બોલ્યાં, ‘દીકરા, અત્યારે 70 વર્ષની થઈ અને છેલ્લાં 50 વર્ષથી આ ઘરકામ કરું છું, પણ નથી કોઈએ આવકારો આપ્યો, નથી કોઈએ તડકો લાગશે તેવી ચિંતા કરી, નથી કોઈએ પાણીનું પૂછ્યું. મહેમાનની જેમ શરબત પીવડાવવું તો બહુ દૂરની વાત છે. આજે તેં માણસ ગણીને કાળજી બતાવી, મારા કામના પૈસા આપ્યા, છતાં સાથે આભાર માન્યો. એક શરબતના ગ્લાસ સાથે તેં પ્રેમભરી કાળજી અને આદર આપ્યો, તેનાથી તન અને મનને બહુ ઠંડક મળી. આનંદનાં આંસુ આંખોમાં આવ્યાં છે. બીજું કંઈ નહિ.’ આટલું કહી માજીએ મનોમન નીનાને ઘણા આશીર્વાદ આપ્યા. તમારે માટે કામ કરતાં દરેકને એક ગ્લાસ પાણી અને શરબત સાથે માન અને લાગણી અચૂક આપો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.