Comments

આપણે ત્યાં પ્રગલ્ભ નાગરિકો સામેનો મોટો પડકાર

આને કહેવાય પ્રગલ્ભ નાગરિક. ફ્રાંસમાં રાષ્ટ્રપતિપદ માટે યોજાયેલી ચૂંટણીમાં લોકતંત્રમાં નિષ્ઠા ધરાવતા ઉદારમતવાદી મતદાતાઓએ ફાસીવાદી વિચારધારા ધરાવનારાં સર્વેસર્વા મેરી દ પેનને સત્તા સુધી પહોંચતાં અટકાવવા માટે સંગઠિતપણે અને વ્યૂહાત્મક ધોરણે મતદાન કર્યું હતું અને ઇમેન્યુઅલ મેક્રોનને ફરી વાર ચૂંટી આપ્યા એ ઘટનાને હજુ બે મહિના પણ નથી થયા ત્યાં ફ્રાંસના એ જ પ્રગલ્ભ મતદાતાઓએ પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને સજા કરીને મજા પણ ચખાડી દીધી છે. ફ્રાંસમાં પ્રમુખપદની અને ત્યાંની લોકસભા (નેશનલ એસેમ્બલી)ની એમ બન્ને ચૂંટણી દેશનાં નાગરિકો મતદાન કરીને કરે છે.

ફ્રાંસમાં પ્રમુખને ઘણી સત્તા છે, પણ એ સત્તા સાવ અબાધિત પણ નથી. તેમણે ત્યાંની લોકસભા પાસેથી કેટલીક મહત્ત્વની બાબતે મંજૂરી લેવી પડે છે. ૨૦૦૨ પછી મેક્રોન ફ્રાંસના પહેલા પ્રમુખ છે જેને મતદાતાઓએ બીજી મુદત માટે ચૂંટી આપ્યા હતા. ૨૦૦૨ ની સાલમાં જેક્સ ચિરાક બીજી મુદત માટે પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. નેશનલ એસેમ્બલીની કુલ ૫૭૭ બેઠકોમાંથી મેક્રોનના પક્ષને અને મોરચાને ૨૪૫ બેઠકો મળી છે. સાદી બહુમતીથી ૪૪ બેઠકો ઓછી મળી છે. ફ્રાંસના ડાબેરી મોરચાને ૧૩૧ બેઠકો મળી છે અને મેરી દ પેનના નેશનલ રેલી નામના પક્ષને ૯૦ બેઠકો મળી છે. ખાસ નોંધવાલાયક અને ચિંતાજનક બાબત એ છે કે પાછલી લોકસભામાં મેરીના પક્ષની માત્ર દસ બેઠકો હતી જે વધીને ૯૦ થઈ છે. દસ ગણો વધારો.

જગત આખામાં જમણેરી પ્રતિક્રિયાવાદી ઝનૂની લોકોની સંખ્યા વધી રહી છે. મુસ્લિમવિરોધ મુખ્ય પ્રેરકબળ છે, પણ ઝનૂની લોકો એ સમજતા નથી કે મુસ્લિમોને જગ્યા બતાવવી હોય તો કાયદાના રાજનો ત્યાગ કરવો પડે અને સરવાળે એ બહુમતી કોમને જ નુકસાન પહોંચાડે એમ છે. એકંદરે આ બહુમતી પ્રજા માટે ખોટનો સોદો છે. પણ જે ઝનૂની છે એને સમજાવવા મુશ્કેલ છે, કારણ કે તેમનામાં સમજશક્તિ નથી એટલે તો ઝનૂની છે. જ્યાં સમજ જ ન હોય ત્યાં સમજાવવા કેવી રીતે? માટે ઉપાય એક જ છે કે સમજદાર નાગરિકો લોકતાંત્રિક સેક્યુલર ફ્રાંસને બચાવવાનું બીડું ઝડપે અને લોકતંત્રમાં મત એક સાધન છે. જો એ સાધનનો ગણતરીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો દેશને ફાસિસ્ટોથી બચાવી શકાય. ૨૫ મી એપ્રિલે રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં સમજદાર નાગરિકોએ ગણતરીપૂર્વક મતદાન કરીને દેશને બચાવી લીધો હતો.

પણ એનો અર્થ એવો પણ નથી કે લોકતંત્ર અને સેક્યુલર શાસક સત્તામાં આવ્યા પછી હંમેશા મર્યાદામાં રહેશે. આખા જગતનો અનુભવ એવો છે કે શાસકો છકી જતા હોય છે અને તેમને સખણા રાખવા પડતા હોય છે. આને માટે લોકતાંત્રિક સંતુલન જરૂરી છે. એપ્રિલ મહિનામાં જે પ્રગલ્ભ નાગરિકોએ મેક્રોનનો હાથ પકડ્યો હતો એ જ પ્રગલ્ભ નાગરિકોએ લોકસભાની ચૂંટણીમાં વિરોધ પક્ષોને બેઠકો આપીને હાથ બાંધી પણ લીધા છે. મેક્રોને હવે ડાબેરી પક્ષોની મદદ લેવી પડશે અને એમાં ફ્રાંસનું કલ્યાણ છે. સત્તા સ્વભાવત: નશો પેદા કરે છે અને જો શાસકમાં વિવેક ઓછો પડતો હોય તો શાસક મર્યાદા ઓળંગવા લાગે છે. એમાં જો શાસક બહુમતી રાષ્ટ્રવાદી અર્થાત્ ફાસીવાદી હોય તો બંધારણીય લોકતાંત્રિક દેશનું આવી બન્યું સમજો. માટે ફ્રાંસના પ્રગલ્ભ મતદાતાઓએ પેન માટે દરવાજા બંધ કરી આપ્યા અને બે મહિનામાં મેક્રોનના હાથ બાંધી આપ્યા.

આપણે જો લોકતંત્ર અને કાયદાનું રાજ બચાવવા માગતા હોઈએ તો ફ્રાંસના મતદાતાઓ પાસેથી ધડો લેવો જોઈએ. ઝનૂની ભક્તો સાથે માથાફોડી કરવાનો કોઈ અર્થ નથી, કારણ કે તેમનો મુસ્લિમદ્વેષ એટલો તીવ્ર છે કે જો મુસલમાનનું બૂરું થતું હોય તો તે પોતાનાં સંતાનોનું ભવિષ્ય રોળી નાખવા તૈયાર છે. તેમને બિચારાઓને શક્તિ (શક્તિ હંમેશા સાચી જ હોય) અને માથાભારેપણા વચ્ચેનો ફરક જ સમજાતો નથી. શક્તિ એકલવીર પેદા કરે અને માથાભારેપણું ટોળાં પેદા કરે અને ટોળામાં વિવેક નથી હોતો એ તો સનાતન સત્ય છે. માટે આપણે ત્યાં પ્રગલ્ભ નાગરિકો સામેનો પડકાર મોટો છે.

પહેલી જરૂરિયાત છે બહુપક્ષીય લોકતંત્ર અને સમવાય ભારતને બચાવવાની. લોકતંત્રમાં વિરોધ પક્ષો હોવા જરૂરી છે વિરોધ પક્ષોને સમાન રાજકીય જગ્યા (ઇક્વલ પોલીટીકલ સ્પેસ) મળવી જોઈએ. બીજેપીના નેતાઓ પૈસાના જોરે અને ડરાવીને પક્ષાંતર કરાવીને વિરોધ પક્ષોને કમજોર કરી રહ્યા છે. બીજું તેઓ એક પછી એક રાજ્યોમાં વિરોધ પક્ષોની સરકારોને તોડી રહ્યા છે. કર્ણાટક અને મધ્યપ્રદેશ પછી હવે મહારાષ્ટ્રનો વારો છે. રાજસ્થાનની સરકારને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો. દેશમાં મતદાતાઓ સમક્ષ રાજકીય વિકલ્પ ન રહેવો જોઈએ.

દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં બીજેપીને પ્રવેશ ન મળે તો પણ વાંધો નહીં. જ્યાં ઝનૂની હિંદુઓની સંખ્યા વધુ છે અને જેમાં લોકસભાની અંદાજે ૪૦૦ જેટલી બેઠકો છે ત્યાં વિરોધ પક્ષોને લકવાગ્રસ્ત કરી નાખવાના. વિરોધ પક્ષોના વિધાનસભ્યોને બને ત્યાં સુધી ખરીદીને વાડામાં પૂરો અને નહીં તો ડરાવીને વાડામાં લઈ આવવાના. દેશનું લોકતંત્ર જ્યારે ખતરામાં છે ત્યારે ફ્રાંસની જેમ નાગરિકોએ સજ્જ થવું પડશે. જો કાયદાનું રાજ બચાવવું હશે તો સંતુલિત લોકતંત્ર અનિવાર્ય છે અને કાયદાના રાજમાં જ પ્રજાની સલામતી છે, પછી તમે લઘુમતીમાં હો કે બહુમતીમાં. જગતના જે જે દેશોમાં એકપક્ષીય રાજ છે એ દેશોની હાલત તપાસી જુઓ. ત્યાંની બહુમતી કોમની હાલત તપાસી જુઓ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top