Business

સુરત શહેરની સાથે જિલ્લામાં પણ કોરોનાની ચોથી લહેરના ભણકારા, ધીમા પગલે ફરીથી એન્ટ્રી

સુરત,બારડોલી : ધીમા પગલે ફરીથી કોરોનાની એન્ટ્રી થઈ રહી છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બુધવારે વધુ 12 કેસો નોંધાતાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 48 પર પહોંચી છે. સોમવારના રોજ 10 કેસ નોંધાયા બાદ બુધવારે વધુ 12 કેસ આવતાં વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. લોકોને પણ તંત્ર દ્વારા માસ્ક પહેરીને બહાર નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.

સુરત શહેરની સાથે સાથે જિલ્લામાં પણ કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. દિવસે દિવસે કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં બુધવારે નવા 12 કેસો આવ્યા હતા. સૌથી વધુ કામરેજ તાલુકામાં 4 કેસો નોંધાયા હતા. જ્યારે બારડોલી તાલુકામાં 2, ચોર્યાસી તાલુકામાં 2, મહુવા તાલુકામાં 1, માંડવી તાલુકામાં 0, માંગરોળ તાલુકામાં 1, ઓલપાડ તાલુકામાં 0, પલસાણા તાલુકામાં 2 કેસ નોંધાયા હતા. હાલ જિલ્લામાં 48 કેસ એક્ટિવ છે. બુધવારે ચાર દર્દી કોરોનામુક્ત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તમામ લહેર મળીને સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 42 હજાર 892 કેસો નોંધાય ચૂક્યા છે. જે પૈકી 559 દર્દીનાં મોત થયાં છે.

કોરોનાના વધતા કેસને પગલે નવી સિવિલ કોવિડ બિલ્ડિંગમાં ઓક્સિજન, વેન્ટિલેટર, બેડ સહિતની સુવિધા ફરી ઊભી કરાઈ
સુરત: કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ ઓછું થતાં કેસની સંખ્યા ઘડી ગઇ હતી. જો કે, હાલ ફરીથી કેસ સામે આવવા લાગ્યા છે, ત્યારે પરિસ્થિતિને ધ્યાને લઇ નવી સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા સમીક્ષા બેઠક બોલાવીને નવી સિવિલમાં આવેલી કોવિડ બિલ્ડિંગમાં વોર્ડ, ઓપીડી અને સારવારનાં જરૂરી સાધનો સહિતની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કોરોનાના વધતા કેસને ધ્યાને લઇ કોવિડ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વોર્ડ અને ઓપીડી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ડોક્ટર, નર્સિંગ સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે. તેમજ વેન્ટિલેટર, ઓક્સિજન, બેડ, સ્ટ્રેચર સહિતનું હોસ્પિટલ તંત્ર દ્વારા તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથે સંકલન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પહેલી અને બીજી લહેરમાં જેટલી સંખ્યામાં કેસ નોંધાતા હતા, તે સંખ્યા હાલ ઓછી છે. પરંતુ આરોગ્ય તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે.

નવી સિવિલના ટીબી અને ચેસ્ટ વિભાગના એક તબીબનો રિપોર્ટ પોઝિટિવ
નવી સિવિલ હોસ્પિટલના ટીબી એન્ડ ચેસ્ટ વિભાગના ડો.ચિંતન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર સહિત કુલ 5 દર્દી સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત ગઇકાલે 6 દર્દી ઓપીડીમાં તપાસ અર્થે આવ્યા હતા.

Most Popular

To Top