આણંદમાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઇ છે
આણંદ : ભારતીય સંસ્કૃતિએ માનવ જાતને ઘણું આપ્યું છે, આ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય યોગ દ્વારા થયું છે. આધુનિક જીવનશૈલીમાં યોગ થકી માનવીના જીવનમાં આવતા સ્ટ્રેસ – થકાનને દૂર કરી શકાય છે. ગુજરાતમાં યોગની સંસ્કૃતિને નવું બળ મળે તે માટે સરકાર દ્વારા યોગ બોર્ડની વિશેષ રચના કરવામાં આવી છે. તેમ ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સરદાર પટેલ મેમોરિયલ ખાતે યોજાયેલા યોગ દિવસની ઉજવણીમાં જણાવ્યું હતું. આણંદ જિલ્લામાં સરદાર પટેલ મેમોરિયલ સહિત શાસ્ત્રી મેદાન, એનડીડીબી, ડી.એન. હાઇસ્કૂલ, મહાત્મા વિનય મંદિર, મોગરી સહિત સમગ્ર જિલ્લાના અનેકવિધ સ્થળોએ યોજાયેલ યોગના કાર્યક્રમોમાં અંદાજિત પાંચ લાખથી વધુ લોકોએ સંમેલિત થઇ સામૂહિક યોગાભ્યાસમાં જોડાયા હતા.
આ પ્રંસગે મંત્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, બદલાતા સમયમાં જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન આવ્યું છે, જેના પરિણામે આપણે અનેક દર્દોનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે આપણી જીવનશૈલીમાં પરિવર્તન કરીને યોગ-પ્રાણાયમને જીવનનો હિસ્સો બનાવવાનો સમય પાકી ગયો છે. આ કાર્યક્રમમાં કલેક્ટર એમ.વાય.દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર, કરમસદ પાલિકા પ્રમુખ નિલેષભાઈ પટેલ, કરમસદ પાલિકાના સભ્યો, પદાધિકારીઓ તથા નગરજનો હાજર રહ્યા હતા.
યોગએ સર્વસ્વીકૃત બનેલી પ્રાચીન ભારતીય વિરાસત છે : પંકજ દેસાઈ
નડિયાદ: નડિયાદમાં આવેલ એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે મંગળવારના રોજ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નડિયાદના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલાં આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં યોગસાધકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, યોગ એ સફળ, સહજ અને સ્વીકૃત બનેલ આપણી પ્રાચીન ભારતીય વિરાસત છે. યોગ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન છે.
યોગવિદ્યાનો ઉદ્દભવ હજારો વર્ષ પૂર્વેનો છે. આ ભારતીય પરંપરાનો લાભ વિશ્વના લોકોને મળે, વિશ્વના જુદા જુદા દેશો સુધી આપણી પ્રાચીન ભારતીય વિરાસત પહોંચે અને સ્વીકૃત બને તે માટે વૈશ્વિક ફલક પર મૂકવાના પ્રયાસરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવામાં આવી છે. દરવર્ષે ૨૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે માનવતા માટે યોગાની થીમ સાથે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી જાહાન્વીબેન વ્યાસ, ખેડા જિલ્લા ભાજપના મહામંત્રી અજયભાઇ બ્રહ્મભટ્ટ, એ.પી.એમ.સી ચેરમેન અપૂર્વભાઇ પટેલ, જિલ્લા કલેકટર કે.એલ. બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલ, ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, એસ.આર.પી-એસ.પી કોમલબેન વ્યાસ સહિત મોટી સંખ્યામાં યોગ સાધકોએ ભાગ લીધો હતો.