Charchapatra

અગ્નિપથ વિશે ભ્રમણા દૂર થવી ઘટે

કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજના વિશે દેશના કેટલાક ભાગોમાં વિરોધનો વંટોળ ઊઠ્યો. આ અંગે તા.૨૦ જૂન ૨૦૨૨ નો ‘ગુજરાતમિત્ર’નો અત્યંત માહિતીસભર તંત્રીલેખ વાંચવો રહ્યો. સમગ્ર તંત્રીલેખમાં સરકારની અગ્નિપથ યોજના શું છે તેની વિસ્તૃત છણાવટ કર્યા પછી છેલ્લે વ્યાજબી રીતે જ જણાવાયું છે કે જો આ યોજનામાં ફાયદા હોય તો કેટલા ફાયદા છે તે સરકારે ગણાવવા જોઈએ અને ચાર વર્ષ પછી ૭૫ ટકા યુવાનો જેમને નોકરીમાંથી ના પાડી દેવામાં આવશે તેમના ભવિષ્યનું શું થશે. જો કે આખી યોજના અનુસાર જે યુવાનો અગ્નિપથ યોજના અંતર્ગત જોડાશે તેમને ચાર વર્ષ દરમ્યાન રહેવા, જમવાનું ફ્રી માં મળશે. ઉપરાંત રૂ.૧૧.૭૨ લાખ રૂપિયા ચૂકવાશે અને નોકરીનાં ચાર વર્ષ પૂરાં થાય એટલે બીજા રૂ.૧૧.૭૧ લાખ આપવામાં આવશે. આમ બધું મળીને રૂ.૨૩.૪૩ લાખ રૂપિયા ચૂકવાશે.

હવે બીજો કોઇ અન્ય ખર્ચ ન હોય જો ચાર વર્ષને અંતે જે ૭૫ ટકાને નોકરી ન મળે તેઓ રૂ.૨૨.૪૩ લાખ જેવી રકમમાંથી થોડી રકમનું રોકાણ કરી પોતાનો ધંધો શરૂ કરી શકે અને એ રીતે સ્વાવલંબી બની શકે. અને આ આખી પ્રક્રિયા જોતાં અગ્નિપથ યોજનાનો વિરોધ ગેરવ્યાજબી લાગી રહ્યો છે. આશ્ચર્ય એ વાતનું છે કે વિરોધ કરનારા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આપ જેવી પાર્ટીઓ છે અને તોફાનીઓ દેશની જાહેર મિલકતોને પારાવાર નુકસાન પહોંચાડી રહ્યા છે જે બિલકુલ ખોટું છે. આ આખી યોજનામાં વિરોધ કરવા જેવું કશું છે જ નહીં . પણ સરકારની કોઈ પણ યોજનાનો બસ માત્ર વિરોધ અને વિરોધ જ કરવો એવું વિચારીને જે લોકો વિરોધ કરી રહ્યા છે તેમને જાણી પિછાણી યોગ્ય નસિયત કરવી જ જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top