SURAT

‘સુરતમાં મારું અપહરણ થયું’, નાગપુર પહોંચી શિવસેનાના ધારાસભ્ય દેશમુખે લગાવ્યો આરોપ

સુરત,નાગપુર: (Shivsena) શિવસેનાના ધારાસભ્ય (MLA) નીતિન દેશમુખે (Nitin Deshmukh) નાગપુર (Nagpur) પહોંચી કહ્યું કે હું સુરતથી નાગપુર પરત ફરવા માંગતો હતો પરંતુ 100થી 200 પોલીસવાળાને મારી પાછળ લગાવી દેવાયા હતા. તેઓ મને હોસ્પિટલ લઈ ગયા અને ત્યાંથી પરત ફરવા દીધો નહીં. નીતિન દેશમુખે આરોપ લગાડ્યો કે તેમને એટેક આવ્યો હોવાથી હોસ્પિટલ લઈ ગયા હોવાનું જુઠાણું ચલાવાયું હતું.

આજે બુધવારે બપોરે શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખ બળવાખોરોની ટુકડીમાંથી અલગ થઈ નાગપુર પહોંચ્યા હતા. તેઓએ નાગપુરમાં કહ્યું કે, મને કિડનેપ કરી સુરત લઈ જવાયો હતો. હું ત્યાંથી પાછો આવ્યો છું. તેઓએ કહ્યું, હું બાલા સાહેબનો સાચો શિવસૈનિક છું. નીતિન દેશમુખ અકોલા જિલ્લાના બાલાપુર બેઠક પરથી શિવસેનાના ધારાસભ્ય છે. તેમણે કહ્યું જ્યારે મને ખબર પડી કે બળવો થઈ રહ્યો છે ત્યારથી જ હું સુરત છોડી નાગપુર પાછો આવવા માંગતો હતો, પરંતુ મારી પાછળ 100થી 200 પોલીસવાળા લગાડી દેવાયા હતા.

આ અગાઉ સુરત શિવસેનાના નેતા પરેશ ખેરેએ મીડિયા સામે એવો આક્ષેપ કર્યો હતો કે નીતિન દેશમુખ હોટલથી નીકળીને ચાર રસ્તા પર આવ્યા હતા અને તેમને મુંબઈ પહોંચાડવા માટે અમારી પાસે મદદ માગી હતી. તરત જ પોલીસ આવી હતી ને તેમને પકડીને હોટલની અંદર લઈ ગઈ હતી. અમે પણ તેમની પાછળ દોડ્યા ત્યારે અમને હોટલના બાર રૂમમાં રોકી દેવાયા હતા. નીતિન દેશમુખે ત્યારે હોટલમાં હંગામો મચાવ્યો હતો ત્યારે કેટલાંક પોલીસ અધિકારીઓએ તેમને માર માર્યો હતો. ત્યાર બાદ જ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની પણ ચર્ચા છે.

તમને જણાવી દઈએ કે ગઈકાલે મંગળવારે એવા સમાચાર વહેતા થયા હતા કે, મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde) ગઈકાલે મંગળવારે શિવસેનાના (Shivsena) 34 કુલ 40 જેટલાં ધારાસભ્યોને (MLA) લઈને બળવો પોકાર્યો હતો. તેઓએ સુરતની હોટલમાં રોકાયા હતા ત્યારે આ 32 ધારાસભ્યો પૈકી એક નીતિન દેશમુખ અને એકનાથ શિંદે વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન નીતિન દેશમુખની (Nitin Deshmukh) તબિયત બગડી હતી. તેઓને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો, જેના લીધે તેમને સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અહીંથી પોલીસ બંદોબસ્ત સાથે તેઓને ફરી ડુમસની લા મેરેડિયન હોટલમાં લાવવામાં આવ્યા હતા. અહીંથી તેમને જબરદસ્તી અન્ય ધારાસભ્યોની સાથે મોડી રાત્રે ફ્લાઈટમાં ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા.

દરમિયાન શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે એવું કહ્યું કે, નીતિન દેશમુખને સુરતની હોટલમાં હાર્ટ એટેક આવ્યો હોવા છતાં તેઓને ભાજપ દ્વારા બંધક બનાવાયા છે. રાઉતે ભાજપ દ્વારા શિવસેનાના 9 ધારાસભ્યોનું અપહરણ કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે મંગળવારે પૂણેમાં નીતિન દેશમુખની પત્નીએ તેમના પતિ ગાયબ થઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ આપી હતી. ત્યાર બાદથી રાજકારણ ગરમાયું હતું.

Most Popular

To Top