Entertainment

આ અબ લૌટ ચલે

આ અબ લૌટ ચલે (2)
નૈન બિછાયે બાહેં પસારે, તુઝકો પુકારે દેશ તેરા આ અબ લૌટ ચલે(2)
નૈન બિછાયે, બાંહે પસારે, તુઝકો પુકારે દેશ તેરા
આ આ જા રે, આ આ જારે, આ… આ… આ… આ… આ… આ…
સહજ હે સીધી રાહ પે ચલ ના, દેખ કે ઉલઝન બચકે નિકલના
કોઇ યે ચાહે માને ના માને, બહુત હે મુશ્કિલ ગિર કે સંભલના
આ અબ લૌટ ચલે (2)
નૈન બિછાયે બાંહે પસારે, તુઝકો પુકારે દેશ તેરા
આ જા રે, આ જા રે… આ… આ…
આંખ હમારી મંઝિલ પર હૈ, દિલ મેં ખુશી કી મસ્ત લહર હૈ
લાખ લુભાયે મહેલ પરાયે, અપના ઘર ફીર આપના ઘર હૈ
આ અબ લૌટ ચલે (2)
નૈન બિછાયે બાંહે પસારે તુઝકો પુકારે દેશ તેરા
આ અબ લૌટ ચલે… આ… આ… આ… આ… આ… આ… આ અબ લૌટ ચલે (2)

ગીત : શૈલેન્દ્ર, સ્વર : મુકેશ, સંગીત : શંકર જયકિશન, ફિલ્મ : જિસ દેશ મેં ગંગા બહતી હૈ, દિગ્દર્શન : રાઘુ કર્મકાર, વર્ષ : 1960, કલાકારો : રાજકપુર, પદ્મિની, પ્રાણ, ચંચલ, લલિતા પવાર, તિવારી રાચ મહેશ, નાના પાટેકર, નાયમપલ્લી, અનવરી બાઈ
રાજકપૂર કેમ ગ્રેટ છે તે અનેક કારણોથી સમજાવી શકાય પણ જવા દો, કારણ આપવામાં તો રાજસાહેબનું અપમાન છે પણ તેમનામાં એક ફિલ્મ ‘કબીર’ બેઠો હતો, જે દુ:ખને સમજતો હતો અને પ્રેમમાં નયા પ્રેમમાં ઉતર શોધતો હતો. ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ ફિલ્મ તેનું જ એક ઉદાહરણ છે. ડાકુઓના હૃદયપરિવર્તન કરાવવા, બંદુકો મુકાવવી સહેલી ન કહેવાય. ડાકુઓને એવું આહ્વાન કરવું કે ‘આ અબ લૌટ ચલે, નૈન બિછાયે બાંહે પસારે, તુઝકો પુકારે દેશ તેરા…’ બહુ મુશ્કેલ છે પણ તેમણે આ આહ્વાન કરેલું. ફિલ્મ તરીકે રસિકતા જરાય મોળી ન પડે અને છતાં આવી વાત કરવી તે રાજજીને જ આવડે.

(અમને બિમલ રોય પણ ગમે છે, પણ હમણાં રાજજીની વાત કરવા દો) એ ફિલ્મમાં તેમણે કબીરનો એક દોહો પણ સમાવેલો. શંકર જયકિશનના સ્વરાંકનમાં મુકેશ ગાઈ છે :
‘કબીર સોયા કયા કરે, ઉઠ ના રોવે દુ:ખ
જાકા વાસા ગોર મેં, સો કયોં સોવે સુખ.’
જીવન મરણ વિચાર કર, કૂડે કામ નિવાર
જિન પંથો તુઝ ચાલના, સોઇ પંથ સંવાર,
જિન પંથો તુઝ ચાલના સોઇ પંથ સંવાર…
રાજકપૂરની ‘બોબી’ યાદ કરો. તેમાં તેમણે બુલ્લેશાહની ‘બેશક મંદિર મસ્જિદ ઢા દે’ સમાવીને પ્રેમકથા એક ઊંડો મર્મભયો સંદર્ભ આપેલો પણ અત્યારે વાત, ‘આ અબ લૌટ ચલે’ ગીતની.

શંકર – જયકિશનને આરંભે જેમાં ગીત – સંગીતની જગ્યા જ નહોતી જણાયેલીને ફિલ્મ બની તો ‘મેરા નામ રાજુ વરાના અનામ’થી આરંભ કરાયેલો એ ફિલ્મનું આ ગીત છે. આખી ફિલ્મ કથાના સંઘર્ષના ચરમ પર આ ગીત છે. સેંકડો પોલીસ વચ્ચે ડાકુઓ પોતાના કુટુંબ સહિત ઘેરાયેલા છે. ડાકુઓ બંદુકની ભાષામાં જ ઉત્તર આપવા તત્પર છે. જો આમ બને તો પોલીસથી વધુ ડાકુઓએ જ મરવાનું છે જ. સાચો જંગ એ છે, જેમાં મનુષ્યત્વ જીતે. માણસ મરે ને જીત થાય તો એ જંગ હારેલા જ કહેવાય. કારણ આપણે માણસને ચૂકવી દીધો છે.

રાજુ તેમ થવા દેવા નથી માંગતો અને આ તરફ ડાકુ પેલી તરફ પોલીસની વચ્ચે ડાકુઓનો નિર્દોષ પત્ની, બાળકો, માતાપિતા છે. રાજુની કરુણા ગાવા માડે છે. ‘આ અબ લૌટ ચલે, નૈન બિછાયે બાંહે પસારે, તુઝકો પુકારે દેશ તેરા…’ ‘ચાલ, હવે પાછા વળીએ’ આ ધ્રુવ પંક્તિ છે. પણ પાછા વળવાનું તે કહે છે તો દેશ માટે. આ દેશ આંખો બિછાવી, (આલિંગનમાં લેવા તત્પર) હાથ પસારી, તને તારો દેશ પોકારે છે. આ અબ લૌટ ચલે.

ડાકુ પણ આ માટીના, આ ભૂમિના છે ને તેને તેની ભૂમિ જ કહે છે, દેશ જ કહી રહ્યા છે. આંખો બિછાવી, હાથ પહોળા કરી કહી રહ્યો છે. આ અબ લૌટ ચલે. જે થયું તે બહુ થયું. આ મુખડાનું સમાપન કરાવાય છે એક નારી અવાજમાં. જેમાં વેદના, અનુકંપા છે, જે કહી રહી છે, ‘આઆ… જારે, આઆ જારે… આ… આ… આ… આ… ‘ સ્ત્રી કે જે મા, પત્ની, દીકરી, બહેન છે તેને મન તો આ પુરુષોનું હોવું જ મૂલ્યવાન છે. તે પોકારે છે…‘આઆ… જારે!’ મુખડાનું કમ્પોઝિશન આટલું મર્મસભર બને એવું કયારેક જ બને. શૈલેન્દ્ર, શંકર – જયકિશનની કમાલ એ છે કે આખા ગીતમાં નારી સ્વર પાસે ફકત ‘આઆ… આઆઆઆ… આઆ જારે…’ જેવો આલાપ જ ગવડાવ્યો છે. કમાલનું સંયોજન સધાયું છે.

શૈલેન્દ્રએ કબીરી સાદગીથી ગીત લખ્યું છે. ‘સહજ હૈ સીધી રાહ પે ચલના, દેખ કે ઉલઝન બચકે નિકલના / કોઇ યે ચાહે માને ન માને, બહુત હે મુશ્કિલ ગિર કે સંભલના’ – જે સીધો રસ્તો છે તેની પર ચાલવું જ સહજ છે, જ્યાં ઉલઝન હોય, ગૂંચ હોય, તેનાથી બચીને નીકળવું. ડાકુઓ આ સીધા રસ્તા પર ચાલવાની સહજતા જ ચૂકી ગયા હતા. એટલે તેમને સમજાવવું પડે છે ને કહેવું પડે છે કે જ્યાં ગુંચ હોય, ઉલઝન હોય, ત્યાંથી છટકીને નીકળી જવું. આમ કહેતી વેળા ડાકુના હૃદયમાં ચાલતા મનોમંથનને પણ સહાનુભૂતિથી સ્પર્શે છે. ‘કોઇ યે ચાહે માને ન માને, બહુત હે મુશ્કિલ ગિર કે સંભલના.’ – કોઇ માને કે ન માને પણ એકવાર પડી ગયા પછી ફરી ઊભા થવું ઘણું મુશ્કેલ છે પણ થાઓ ઊભા આવો હવે પાછા ફરીએ. આ દેશ આંખો બિછાવી, તેના વિશાળ હાથ લંબાવી તને પોકારી રહ્યો છે. આ અબ લૌટ ચલે.

રાજકપૂરની ‘આવારા’, ‘શ્રી 420’, ‘જાગતે રહો’ની ટ્રીટમેન્ટ જોશો તો તેની કથા અને પાત્રોના સંઘર્ષમાં દેશ માટેનો એકભાવ જણાશે. ભારતના ઉત્થાન માટે શું કરવું જરૂરી છે એવા સંકેતો પમાશે. તેમની ફિલ્મો આ કારણે જ તો વિશાળ કેનવાસ ધરાવતી ગણી શકાય. આઝાદી પછીના તરતના દાયકાઓમાં તેઓ ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમનો આ રાષ્ટ્રભાવ અહીં અંતરો બને છે, ‘આંખ હમારી મંઝિલ પર હૈ, દિલ મેં ખુશી કી મસ્ત લહર હૈ / લાખ લુભાયે મહલ પરાયે, અપના ઘર ફીર અપના ઘર હૈ.’ – જે સામે પોલીસની કુમક છે અને અહીં તમે જે ડાકુઓની ટોળીઓ છો, એ છે તો બન્ને આ જ દેશના તો શું લડીને ખતમ થઇશું? આપણે હજુ લક્ષ્યો પાર કરવાના છે અને એ કારણે હૃદયમાં આનંદની મસ્ત લહેર છે. (કે આપણે મોટા લક્ષ્ય માટે તૈયાર થયા છે ને તેને પાર પાડીશું.) પારકાના મહલ લાખ વાર લોભાવશે પણ આપણે શું કામના? આપણું ઘર જ આખર આપણું ઘર છે.

એ લોભ જવા દે અને આ અબ લૌટ ચલે, નૈન બિછાયે, બાંહે પસારે તુઝકો પુકારે દેશ તેરા…’
ફકત બે અંતરાનું જ ગીત છે. લડાઈ છેડાઈ ચૂકી હોય ત્યારે લાંબુ ગીત ન ચાલે, દૃશ્યની ઇન્ટેન્સીટી ગુમાઇ જાય. એટલે લાંબુ ગીત નથી રખાયું ને તેની અસરકારકતા છેલ્લે પેલા વારંવારના આઆઆ… આઆઆ… આઆઆ… જેવા પોકારમાં ફેરવાતા આલાપમાં છે. આલાપનો આવો પ્રભાવક ઉપયોગ કયારેક જ થતો હોય છે. તમે આ ગીત જોજો. સેકંડો હારબંધ પોલીસને બીજી બાજુ ગાડા પર, ઘોડા પર, ચાલતા નીકળેલા ડાકુ અને તેમના સ્વજનો સહુથી છેલ્લે એમની અદામાં આપણા પ્રાણસાહેબ. આ ગીતની કોરિયોગ્રાફી માટે પણ દાદ દેવી પડે.

રાજકપૂરે આ ફિલ્મ પોતાના જીવનમાંથી નરગીસે વિદાય લીધી પછી બનાવી છે. પ્રેમીને આઘાત છે પણ ફિલ્મ સર્જક જરાય પાછો પડતો નથી. તમે આ વાંચવાનું મુકી બને તો એ ફિલ્મને કાંઇ નહીં તો હમણાં આ ગીત સાંભળો. આપણે કાશ્મીરમાં જે યુવાનો આતંકવાદ તરફ વળી ગયા કે ઉત્તર – પૂર્વમાં જેમને નકસલવાદ તરફ વળવું પડયું છે, તેના માટેનું યોગ્ય આ ગીત છે. આ અબ લૌટ ચલે. નૈન બિછાયે, બાંહે પસારે તુઝકો પુકારે દેશ તેરા. અને વિદેશ ચાલી ગયેલા ભારતીયોને ય કહે છે કે, લાખ લુભાયે મહલ પરાયે, અપના ઘર ફીર અપના ઘર હે… આ અબ લૌટ ચલે. શૈલેન્દ્ર રાજકપૂર કહે ત્યારે સમયના પારનું પણ કહે. શંકર – જયકિશને ગીતના કમ્પોઝીશનમાં સંઘર્ષ અને વચ્ચે શાતા આપણી પંક્તિઓ મુકી છે. ઓરકેસ્ટ્રાના ઉપયોગ કલાઈમેકસમાં અત્યંત ઉત્તેજક બનવા સાથે હૃદયમંથન બને છે.

Most Popular

To Top