Charchapatra

યમ-નિયમ

યમ એટલે અમુક વર્તન ન કરવું અને નિયમ એટલે અમુક વર્તન કરવું. યમ-નિયમનું પાલન એટલે સ્વસ્થતા સાથેના જીવનની પ્રાપ્તિ. ટૂંકમાં અનુશાસનનું બીજું નામ એટલે યોગ. યોગ એ વિશ્વને ભારતીય પ્રાચીન સંસ્કૃતિની અમૂલ્ય ભેટ છે. 11 ડિસેમ્બર, 2014ના 21 જૂનથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત પછી દર વર્ષે વિવિધ થીમ આધારિત યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 2015-સદભાવ અને શાંતિ માટે, 2016-યુવાનોને જોડવા યોગ, 2017-સ્વાસ્થ્ય માટે…,2018-શાંતિ માટે, 2019- દિલ માટે, યોગ ફોર હાર્ટ, 2020- યોગ કરીશું કોરોનાને હરાવીશું, Do Yoga Beat Corona. Yoga @ Home ane Yoga with Family, 2021-યોગ ફોર વેલનેસ રખાયો હતો.

આ વર્ષે 21 જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2022 -કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા “માનવતા માટે યોગા” Yoga For Humanity ના થીમ સાથે ઉજવણી કરવાનું નક્કી થયું છે. જોરશોરથી ઉજવણી થશે પણ યોગદિવસ જીવનયોગ દિવસ બને, જીવનનું આવિભજય અંગ બને તે જરૂરી છે. સાથે યમ-નિયમનું પાલન પણ એટલું જ જરૂરી છે. આપણે સૌ માહિતગાર છીએ કે કોરોના મહામારીમાં યોગનીઉપયોગિતા સૌને સારી રીતે સમજાય. રોગપ્રતિકારક શક્તિ વધારવા, શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારવા અનુલોમ-વિલોમ, કપાલભાતિ અને ભ્રામરી પ્રાણાયામ કરનારને ફાયદો થયો.

શરીરની મજબૂતી માટે આસનો ઉપયોગી નીવડ્યા. કહેવાય છે કે, અષ્ટાંગ યોગની પ્રાણાયામની પ્રક્રિયાઓ પૂર્ણ સ્વાસ્થયને જાળવી રાખવાનો સરળ કીમિયો છે. જેમાં સમાજથી થોડું પાછળ હઠવું(યમ), વ્યક્તિગત શિસ્ત(નિયમ),આસન, પ્રાણાયામ, સંવેદી અલગાવ (પ્રત્યાહાર), જાગૃતિ(ધારણા), ધ્યાન અને નિર્લેપતા (સમાધિ)નો સમાવેશ થાય છે. યોગસાધનામાં સફળતા મેળવવા સાધકે ઉત્સાહ, સારસ, ધીરજ અને દઢ નિશ્ચય જાળવી રાખવાના હોય છે. યમ સમાજ અને પર્યાવરણ સાથે સુમેળ સાધીને, શાંતિથી રહેવા માટે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપિગ્રહનું આચરણ કરવાનું હોય છે. વ્યક્તિના આંતરિક વિકાસ માટે સ્વચ્છતા, સંતોષ અને આનંદ, તપ-ધીરજ, સ્વાધ્યાય ઈશ્વર પ્રણીધન જેવા નિયમોનું પાલન કરવું જોઈએ. જેનાથી આજની ભાગદોડની જીદગીમાં,ચિંતા અને તાણમાંથી મુક્તિ મેળવી શકાય. અંતે એ યાદ રાખવું જોઈએ કે કર્મયોગ જીવનનું અમૃત છે.
નવસારી           -કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top