મીનાબેન વ્યાસ હાલ મુંબઈ સ્થિત નિવૃત્ત શિક્ષક પણ મૂળ સૂરતી. પિતા ગિજુભાઈ ભટ્ટ સ્વાતંત્ર્ય સેનાની અને વરાછા ગુરુનગર સોસાયટીના ગુરુગણ વચ્ચે ઉછરેલું ફરજંદ.. રંગ ગુરુચરણમાં. તેમની પળ પળની પ્રાર્થના એ જ કે દસે ય દિશાઓમાંથી સૌનું શુભ થાય, ગુરુ બાપજીનું સ્મરણ અને 100 વર્ષની નજીક પહોંચેલી મા અન્નાની સેવામાં સતત સક્રિય, સમય મળે તો મુંબઈ મુકામે આધ્યાત્મિક કથાનું આયોજન પોતાના જ વિસ્તારમાં કરે, શ્રદ્ધા અને સબૂરીને આત્મસાત કરનાર મીનાબેન અહીં એમની ઈશ્વરીય અનુભૂતિની વાત કરતાં કહે છે….
તમે ઈશ્વરને કેવી રીતે પ્રાર્થના કરો છો?
ઇશ્વરની પ્રાર્થના સતત ચાલુ રહે છે. જો કે સવારે ઊઠતાંની સાથે ‘કરાગ્રે વસતે….. ’ થી શરૂ કરીને સાંજે દીવાબત્તીથી લઇ રાત્રે સૂતી વખતે ‘કૃષ્ણાય વાસુદેવાય….’ સુધી હરતાંફરતાં લેવું હરિનું નામ એ જ મારો નિત્યક્રમ.
ઈશ્વર હોવાની પ્રતીતિ તમે કેવી રીતે કરો છો?
ઇશ્વર હોવાની પ્રતીતિ વિષે ઘણું કહી શકાય. જીવનમાં ઉતારચઢાવ આવતો જ રહે અને ઇશ્વર તરફની શ્રદ્ધા – ભકિત જ તમને એની પ્રતીતિ કરાવે. જીવનમાં એટલા બધા પ્રસંગો થયા જેમાં ઇશ્વરે મુશ્કેલીના સમયે કોઇ પણ રૂપમાં આવીને ઉગાર્યા છે. એ શ્રધ્ધા મારી છે.
તમે પુનઃજન્મમાં માનો છો? પુનઃજન્મ શા માટે માંગો છો?
ચોકકસપણે આનો જવાબ મુશ્કેલ છે, પણ હું એવું માનું છું કે જે જીવન મળ્યું તેને જ સાર્થક કરવું. મરાઠીમાં એક શાળાની પ્રાર્થના મને યાદ આવે છે કે ‘હીચ આમચી પ્રાર્થના આણી હીચ આમચી માંગણી, માણસાની માણસા સી માણસા સમ વાગવા’ એટલે કે દરેક માણસે પ્રત્યેક વ્યકિત સાથે માણસો જેવો જ વ્યવહાર કરવો; અને એ જ માંગણી એ જ ઇશ્વરની પ્રાર્થના… ધર્મો બધા જ શ્રેષ્ઠ પણ માણસાઇનો ધર્મ સૌથી શ્રેષ્ઠ. એટલે પુનર્જન્મ સુધી સારાં કર્મોની શું કામ રાહ જોવી? આ જ જન્મને આ જ જીવનને ગોકુળ બનાવો.
તમને તમારા જીવનના પ્રશ્નોના ઉકેલ ઈશ્વર પાસેથી મળે છે?
હું ચોકકસપણે એવું માનું છું કે આપણાં ધાર્મિક પુસ્તકો જ આપણને જીવન જીવવાનો માર્ગ ચીંધે છે. શ્રીમદ્ ભગવદ ગીતા, રંગલીલામૃત, સાંઇ ચરિત્ર, અમારા ગુરુનું જીવન ચરિત્ર… ઇત્યાદિ પુસ્તકોનું વાંચન કરું છું. મુઝાઉં, ગુંચવાઇ જાઉં, કંઇ સૂઝે નહિ તે વખતે એકાદ પાનું વાંચી લઉં ત્યાં જ મુંઝવણનો ઉકેલ મળી જાય. ઇશ્વરીય સંકેત એ જ ઇશ્વર પાસેથી મળેલા આપણા પ્રશ્નોના ઉત્તર હોય.