Columns

સૂર્યવંશ – રઘુવંશ

અગાઉના લેખમાં બ્રહ્માજી દ્વારા માનસપુત્રોની ઉત્પત્તિની સમજૂતીમાં પહેલા માનસપુત્ર ‘મરિચી’ થી ‘કશ્યપ’ થયા અને કશ્યપના લગ્ન ‘દક્ષ પ્રજાપતિ’ની 12 પુત્રીઓ સાથે થયા તે સમજ કેળવી. દક્ષ પ્રજાપતિની પ્રથમ પુત્રી ‘અદિતિ’ અને ‘કશ્યપ’ વડે 12 પુત્રો થયા, જે 12 ‘આદિત્યો’ કહેવાય છે. જેઓ ‘સૂર્યદેવ’ તરીકે દર મહિને આકાશમાં અલગ અલગ હોય છે. જેમના નામ આસોથી ભાદરવા મહિનામાં અનુક્રમે ઇન્દ્ર, ધાતા, મિત્ર, પૂષા, ભગ, ત્વસ્થ, વિષ્ણુ, આર્યમ, વિવાસ્વાન, અંશુમાન, પર્જન્ય અને વરુણ છે. જેઠ મહિનામાંના 9મા આદિત્યને ‘વિવાસ્વાન’(માર્તંડદેવ) કહેવાય છે અને આ વિવાસ્વાનને ‘સંજ્ઞા’ નામની પત્નીથી ‘વૈવસ્વત’, ‘યમ’, ‘યામિ(યમુના)’ અને ‘અશ્વનીકુમારો’નો જન્મ થયો તથા ‘છાયા’થી ‘સવર્ણ, ‘મનુ’, ‘શનિ’, ‘તાપી’ અને ‘વિષ્ટિ’નો જન્મ થયો.

આ જ વૈવસ્વતને આપણે ‘વૈવસ્વત મનુ’ તરીકે ઓળખીએ છીએ. હાલના (7મા) મન્વન્તરનું નામ તેમના નામ પરથી “વૈવસ્વત મન્વન્તર” પડ્યું છે. સુરત શહેરનું અસલ નામ ‘સૂર્યપુર’ હતું. આમ તો પુરાણોની કોઈ પણ કથાનું વર્ણન કરવાનું આ શ્રેણીમાં મેં ટાળ્યું છે છતાં પણ અસલ સુરતી હોવાને કારણે એક રસદાયક વાત જણાવું. સૂર્યની પત્ની ‘સંજ્ઞા’થી સૂર્યનો તાપ સહન નહિ થવાથી, તેમના જેવી જ બીજી ‘છાયા’ ઉત્પન્ન કરી અને પોતાની ગેરહાજરીમાં સૂર્યની પત્ની બની રહેવા આદેશ આપ્યો. ત્યાર બાદ સંજ્ઞા ‘ઉત્તરકુરુ’ નામના સ્થળે ગયા અને ત્યાં ઘોડી રૂપે રહ્યા.

આ બાજુ સૂર્યને છાયાથી 2 પુત્રો ‘સવર્ણ મનુ’ અને ‘શનિદેવ’નો પ્રાદુર્ભાવ થયો. તદુપરાંત 2 પુત્રીઓ ‘તાપી’ અને ‘વિષ્ટિ’નો જન્મ થયો. હવે પોતાના પુત્રો થવાથી ‘છાયા’ના વ્યવહારમાં ફરક પડ્યો અને તે વૈવસ્વત, યમ અને યમુના કે જે ‘સંજ્ઞા’ના પુત્રો હતા તેમની સાથે દુર્વ્યવહાર કરવા માંડી. વૈવસ્વત સહનશીલ હતા પરંતુ યમથી સહન થયું નહિ. તેમણે છાયાને લાત મારવા પગ ઉગામ્યો ત્યારે છાયાએ શ્રાપ આપ્યો કે તારો પગ પડી જશે. સૂર્યને લાગ્યું કે માતા કોઈ દિવસ પુત્રને શ્રાપ આપે નહિ. આથી ગુસ્સે થઇ છાયાના વાળ ખેંચી સાચી હકીકત પૂછી ત્યારે છાયાએ સાચી હકીકત જણાવી.

આથી સૂર્ય ગુસ્સાથી વિશ્વકર્મા(સંજ્ઞાના પિતા) પાસે ગયા. વિશ્વકર્માએ સમજાવ્યું કે તમારી ગરમી સહન નહિ થવાથી આ બધું બન્યું છે. પરવાનગી આપો તો ગરમી ઓછી કરી દઉં. સૂર્ય સહમત થયા. વિશ્વકર્મા એ વિષ્ણુચક્ર ઉત્પન્ન કર્યું અને ગરમી ઓછી કરી. સૂર્ય એ ઉત્તરકુરુમાં સંજ્ઞાને ઘોડી રૂપે જોઈ. પોતે ત્યાં ઘોડા રૂપે ગયા. ત્યાં સંજ્ઞા સાથે બે પુત્રો થયા જે ‘અશ્વિનીકુમારો’ તરીકે ઓળખાયા.(અશ્વ એટલે ઘોડો) આ અશ્વિનીકુમારો ‘દેવ ચિકિત્સક’ બન્યા. સુરત (સૂર્યપુર)માં આવેલ ‘તાપી’ નદીને ‘સૂર્યપુત્રી’ અને તેના કાંઠે અશ્વિનીકુમારોનું મહત્ત્વ આ કથામાં છે. આ જ અશ્વિનીકુમારોના આશીર્વાદ વડે ‘માદ્રી’થી ‘નકુલ’ અને ‘સહદેવ’ થયા. સૂર્યની કૃપાથી કુંતીને ‘કર્ણ’ નામનો પુત્ર પ્રાપ્ત થયો. તાપીના લગ્ન ‘ચન્દ્રવંશ’ના ‘સવર્ણ’ સાથે થયા. એમનો પુત્ર ‘કુરુ’ કહેવાયો. વધુ ચન્દ્રવંશના લેખમાં સમજશું.

હવે આગળ વધીએ. આ ‘વૈવસ્વત મનુ’ને 9 પુત્રો અને એક પુત્રી. જેમાંના પહેલા પુત્ર ‘ઇસ્વાકુ’. આ ઇસ્વાકુનો વંશ “સૂર્યવંશ” તરીકે ઓળખાય છે. ઇસ્વાકુના વંશમાં પ્રસિદ્ધ રાજાઓ થયા. દરેકના નામ અહીં અપ્રસ્તુત છે, પરંતુ જે અગત્યના નામો પુરાણોમાં છે તે ઊતરતી પેઢીના અનુક્રમે વીકુક્ષી (શષદ), કાકુત્સ (પુરંજય), પ્રીથું, કુશાસ્ય (અનેન્ય), બૃહદ્સ્વ, કુબાલાસ્વ (શ્રી વિષ્ણુ ભગવાન ત્રિવિક્રમ કેમ કહેવાયા તે કથા સંકળાયેલી છે), પ્રસન્જિત, માધાંતા, અંબરીષ (સત્રાજીત), પુરુકુત્સ (જેના બે દીકરા મુચુકુન્દ અને ધર્મસેનાની કથા શ્રીકૃષ્ણ અને જરાસંઘ સાથે સંકળાયેલી છે), સંભૂતિ (ત્રસ્દાસ્ય), સત્યવ્રત (ત્રિશંકુ), હરિશ્ચંદ્ર, રોહિત, હરિત (હસ્તિપૂર્વ – હસ્તિનાપુરની સ્થાપના કરી), ચંચુ, વિજય (પુરવ- પંચાલ રાજ્યની સ્થાપના કરી – દ્રુપદ પંચાલ રાજ્યના હતા.

તેની પુત્રી દ્રૌપદી), રુરુક, બાહુ, સાગર, અસમંજ, અંશુમન, દિલીપ, ભગીરથ (ગંગા અવતરણ કરાવ્યું), સુહોત્ર, નાભાગ (શિવના કૃષ્ણદર્શનની કથા), ઋતુપર્ણ (કૌશલ રાજ્યની સ્થાપના કરી) વગેરે ખૂબ લાંબું લિસ્ટ છે. અહીં એ સમજવાની જરૂર છે કે આ રાજાઓના આયુષ્ય ખૂબ લાંબા હતા. તેઓ હજારો વર્ષો સુધી રાજ્ય કરતા હતા. આ જ વંશમાં એક અભ્યાસ પ્રમાણે 62મી પેઢીમાં ‘રઘુ’ થયા. અહીંથી સૂર્યવંશને ‘રઘુવંશ’ તરીકે ઓળખાય છે. રઘુના પુત્ર અજા અને અજાના પુત્ર ‘દશરથ’. ભગવાન શ્રી રામનો જન્મ રાજા દશરથને ત્યાં થયો.

વૈવસ્વત મનુના બીજા પુત્ર નીમી હતા. આંખોના પલકારા જેને આપણે ‘નિમેષ’ તરીકે ઓળખીએ છીએ, તેની શરૂઆત નીમીના સમયથી થઇ. નીમીના વંશમાં ‘જનક રાજા’ થયા. તેમના લગ્ન પૃથ્વી(ધન્યા) સાથે થયા. હળ ખેડતા પુત્રી મળી. તેનું નામ ‘સીતા’. જેઓ ભગવાન શ્રીરામના પત્ની બન્યા. ગીતા 10.21માં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે, “આદિત્યોમાં હું વિષ્ણુ છું. સર્વ જ્યોતિઓમાં હું તેજસ્વી સૂર્ય છું.” ખુબ જ રસદાયક છે આ બધો ઈતિહાસ. આપણે માત્ર ૐને સમજવાના ધ્યેયથી, પરમાત્માની અભિવ્યક્તિ સમજવાના ભાગરૂપે ખૂબ જ ટૂંકમાં વિગતો પ્રાપ્ત કરી. વધુ વિગતો આ લેખની મર્યાદાની બહાર છે.

એક વાત ચોક્કસપણે જણાવું કે આ બધા રાજાઓ વગેરેની કથાઓ પુરાણોમાં વાંચવી ખૂબ રસદાયક હોય છે. જો કોઈને વધુ રસ હોય તો ‘પુરાણો સમજવાની પૂર્વભૂમિકા’ નામનું મારું પુસ્તક જે વિનામૂલ્યે ઉપલબ્ધ છે તે વાંચવા વિનંતી કરું છું. આવતા લેખમાં પરમાત્માની અભિવ્યક્તિ રૂપ ‘ચન્દ્રવંશ’ને ૐના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી.. !!! ૐ તત સત !!! (ક્રમશ:)

Most Popular

To Top