હથોડા: કોસંબા (Kosamba) પોલીસ સ્ટેશન હદ વિસ્તારના લીમોદરા (Limodra) ગામની ભાગોળે માટી ખોદકામ કરાયેલા ઊંડા તળાવમાં (lake) આઠ વરસની બાળકી તેમજ દસ વર્ષનો બાળક ડૂબી (Drown) ગયાં હતાં. આ ઘટનાથી લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો. હથોડા નજીકના મોટી નરોલી ગામે રહેતી મોહીનૂર (ઉં.વ.૮) તેમજ બારડોલી નજીક આવેલા કડોદ ગામે રહેતો ઇલ્યાસ (ઉં.વ.૧૦) લીમોદરા ખાતે રહેતા મામાને ત્યાં ગયાં હતાં. અને રવિવારે બપોર પછી રમતાં રમતાં ગામની ભાગોળે આવેલા તળાવ નજીક પહોંચી ગયાં હતાં.
- તાજેતરમાં જ તળાવનું ખોદકામ કરાયું હતું, બે માસૂમ બાળકનાં મોતથી લોકોમાં આક્રોશ
તળાવમાં તાજેતરમાં જ માટી ખોદકામ કરાતાં અને પાણી હોવાથી અજાણ્યા માસૂમ બાળકો તળાવના પાણીમાં ગરક થઈ ગયાં હતાં. આ બનાવ અંગે જાણ થતાં જ લીમોદરાના ગ્રામવાસીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ બંને બાળક મોતને ભેટ્યાં હતાં. લોકોએ બંનેની લાશ બહાર કાઢી હતી અને નજીકમાં આવેલી પાલોદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માટી ખોદીને ઊંડા કરાયેલા તળાવમાં બે માસૂમ બાળક ડૂબી જતાં વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
વાપીની દમણગંગા ખાડીમાં ન્હાવા પડેલા બે યુવાન ડૂબી ગયા, ચાલુ વરસાદે તરવૈયાઓએ શોધખોળ કરી
વાપી: વાપીના (Vapi) ડુંગરા (Dungara) હરિયાપાર્કની પાછળથી પસાર થતી દમણગંગા (Daman Ganga) ખાડીમાં રવિવારે બપોરે ન્હાવા પડેલા બે યુવાન ડૂબી (Drowned) ગયા હતા. વાપી નગર પાલિકા, વાપી જીઆઈડીસીનાં ફાયર લાશ્કરોએ બન્ને લાપત્તા યુવાનની શોધખોળ આદરી હતી. શોધખોળ દરમિયાન એક યુવાનની લાશ મળી આવી હતી. જ્યારે અન્યની ભાળ મળી ન હતી. જોકે, પોલીસની રાહબરી હેઠળ ચાલુ વરસાદે પણ લાપત્તા યુવાનની શોધખોળ ચાલુ રહી હતી.
- વાપી નોટિફાઇડ-પાલિકાના લાશ્કરો અને ચંદ્રપુરના તરવૈયાઓએ ખાડીમાં શોધખોળ આદરી હતી : એકની લાશ મળી, એક લાપત્તા
વાપીના હરિયાપાર્કની પાછળથી પસાર થતી દમણગંગા નદીની ખાડીમાં રવિવારે બપોરે ડુંગરાના દાદરીમોરા, આશારામ આશ્રમ નજીક રહેતા બે યુવાન અજીત ઉદરસિંહ ચૌહાણ (ઉ.વ.19) અને તેનો મિત્ર બબુકુમાર વિરેન્દ્ર વાલ્મિકી (ઉ.વ.૨૪) ન્હાવા કૂદી પડ્યા હતા. ખાડીમાં આ બંને મિત્રો દૂર દૂર સુધી વચ્ચે જતા રહેતા ત્યાં ઊંડાઇનો કોઈ ખ્યાલ ન આવતાં અચાનક બંને ડૂબી ગયા હતા. બંને યુવાન ડૂબી ગયાની જાણ આસપાસમાં થતાં લોકોએ પોલીસ અને વાપી નોટીફાઈડ ફાયરને કરી હતી. ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ધસી આવી ખાડીમાં ઝંપલાવી બંને યુવાનની શોધખોળ આદરી હતી.
ચાલુ વરસાદે ભારે શોધખોળ બાદ પણ લાપત્તા બંને યુવાનના કોઈ સગડ ન મળતાં આખરે વાપી પાલિકા ફાયરના લાશ્કરો અને પારડી ચંદ્રપુર લાઇફ સેવરની ટીમના તરવૈયાઓએ ધસી આવી શોધખોળ કરતાં તમામ લાશ્કરોની મદદથી લગભગ બપોરે 2 કલાકની આસપાસ ડૂબી ગયેલા આ બંને યુવાન પૈકી અજીત ઉદરસિંહ ચૌહાણની લાશ લાશ્કરોને સાંજે 6 કલાકે હાથ લાગી હતી. જોકે, લાપત્તા બીજા યુવાન બબુકુમાર વાલ્મિકીની શોધખોળ ચાલુ રાખી હતી. ડુંગરા પોલીસ ટીમની નિગરાની હેઠળ વાપી ફાયરના લાશ્કરો અને ચંદ્રપુરના તરવૈયાઓએ ચાલુ વરસાદે પણ શોધખોળની કામગીરી ચાલુ રાખી હતી. આ બનાવ અંગે અજીત ચૌહાણના કાકા હરપાલ મોરારી ચૌહાણે ડુંગરા પોલીસ મથકે મોડીસાંજે બંને યુવાન દમણગંગા નદીની ખાડીમાં ન્હાવા પડતાં તેઓને પગ લપસી જતાં બંને ડૂબી ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.