માતૃભાષા એ માતા સમાન છે. તે વ્યકિત, કુટુંબ અને સમાજની આગવી ઓળખ છે. આજે ગુજરાતી ભાષા દેશવિદેશમાં બોલાય છે. પરાપૂર્વથી ગુજરાતીઓએ દરિયો ખેડીને વિશ્વની વિવિધ પ્રજાઓ, તેમની ભાષાઓ અને રીતરિવાજો સાથે વ્યાપારી ચીજો ઉપરાંત સાંસ્કૃતિક અને ભાષાકીય વ્યવહાર ચલાવ્યો છે. જો કે તેમ છતાં દેવભાષા અંગ્રેજીની આજે બોલબાલા છે. આજ થી 2000 – 2500 વર્ષ પહેલાં ભરૂચ બંદરનો ઉદય થયો હતો. તેની જાહોજલાલી ગુપ્ત (ઇ.સ. 400 – 470) અને મૈત્રક કાળ (ઇ.સ. 470 – 900) સુધી ચાલી હતી.
ગુજરાતી ભાષા તો ત્યાર પછી સોલંકી કાળમાં (ઇ.સ. 942 – 1300) પાંગરી હતી. તે પહેલાં જો ‘ગુજરાતી’ શબ્દ જ શોધાયો ના હોય તો પછી ગુજરાતી ભાષાનો સવાલ જ કયાં હતો? તે અગાઉ ગુજરાતની ભૂમિ 5 પ્રાદેશિક એકમોમાં વહેંચાઇ હતી. કચ્છ, સૌરાષ્ટ્ર, આનર્ત, લાટ અને અપરાંત. આનર્ત એટલે ઉત્તર ગુજરાત. લાટ પ્રદેશ આજના દક્ષિણ ગુજરાતને આવરી લેતો હતો. તેમાં ભરૂચ કચ્છથી શરૂ કરીને છેક ડાંગ જિલ્લામાં આવેલા જંગલોનો સમાવેશ થતો હતો. અપરાંત કોંકણ કિનારાથી શરૂ થતો હતો અને તે સમગ્ર પશ્ચિમ ભારતની દરિયાઇ પટ્ટીને આવરી લેતો હતો. આવા કારણોસર આજે આપણને એ જાણવાની જિજ્ઞાસા થાય કે પ્રાચીન ભૃગુકચ્છ અને લાટ પ્રદેશના વેપારીઓ, વિદ્વાનો અને સામાન્ય જનસમુદાય કઇ ભાષા બોલતા હશે? અને કઇ ભાષામાં લખતા હશે? પ્રાચીન ભરૂચ બંદરના ઇતિહાસની આ ખૂટતી કડી ઘણી રસપ્રદ છે.
પ્રાચીન ભરૂચ અને લાટ પ્રદેશની ભાષા :
ભૃગુકચ્છ / બારીગાઝા અને લાટ / લાટીકા પ્રદેશ છૂટોછવાયો નહોતો. તે ભારત અને તેમાં સ્થપાયેલા સામ્રાજ્યોનો મહત્ત્વનો હિસ્સો હતો. આ ભૂમિમાં મૌર્ય, અનુમૌર્ય, શક – ક્ષત્રપ – કુષાણ જેવા ઇન્ડો – ગ્રીક – બેક્ટ્રિયનો તેમ જ ગુપ્ત વંશના સમ્રાટોએ શાસન ચલાવ્યું હતું. તેમના વહીવટીતંત્ર, અર્થતંત્ર તેમ જ ભાષા સાહિત્યની ઊંડી અને વ્યાપક અસર ભરૂચ અને દક્ષિણ ગુજરાત ઉપર પડી હતી. જેવી રીતે મધ્યકાલીન સુરત બંદરે ફારસી, અરબી, અંગ્રેજી, ફ્રેન્ચ, ડચ અને પોર્ટુગીઝ શબ્દોની અસર ઝીલી હતી, તેવી રીતે પ્રાચીન ભરૂચે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓની સાથે બેક્ટ્રિયન ભાષાના શબ્દો અપનાવ્યા હતા.
મધ્ય એશિયામાં અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન અને ઝુબેકિસ્તાનને અડીને આવેલો વિશાળ પ્રદેશ બેક્ટ્રિયા ગ્રીકોએ જીતી લીધો હતો અને ત્યાંથી આક્રમણો કરીને ભારતમાં રાજ્ય સ્થાપ્યું હતું. ‘યવન’ તરીકે ઓળખાતા આ શક – ક્ષત્રપ – કુષાણ રાજાઓએ બૌધ્ધ ધર્મ અપનાવ્યો હતો. તેઓ દેશની આમપ્રજા સાથે તદ્દન ભળી ગયા હતા. મુદ્દો એ છે કે એપોલોડોટસ, મીનેન્દ્ર, નહપાન, રૂદ્રદામન અને કનિષ્કના સામ્રાજયમાં બેક્ટ્રિયન ઉપરાંત સંસ્કૃત, પાલી અને પ્રાકૃત ભાષાઓ પ્રચલિત હતી. ક્ષત્રપ (ઇન્ડો – બેક્ટ્રિયન) શાસક રૂદ્રદામાએ (ઇ.સ. 130 – 150) ભૃગુકચ્છ / બારીગાઝા બંદરને વિકસાવ્યું હતું અને તેની સાથે તેણે ગિરનારના તૂટી ગયેલા તળાવનો બંધ સુધાર્યો હતો.
એટલું જ નહીં, પણ એણે ગિરિનગરમાં સંસ્કૃત ભાષામાં શિલાલેખ કોતરાવ્યો હતો, જે આજે પણ મોજૂદ છે. મુદ્દો એ છે કે પ્રાચીન સમયમાં ભરૂચ બંદર અને લાટ પ્રદેશના રહેવાસીઓ આ ભૂમિમાં પાંગરેલી પ્રાકૃત ભાષા બોલતા. જેમ કે ભૃગુકચ્છના જૈન સાધુ સંઘદાસગણીએ ઇસ્વીસનના સાતમા સૈકામાં ‘વસુદેવ હીંડી’ નામનો પ્રાકૃત ગ્રંથ રચ્યો હતો. તે સમયે પ્રાકૃત ભાષા ઉપર સંસ્કૃત અને ઇન્ડો બેક્ટ્રિયન ભાષાની અસર હતી. જેવી રીતે આજની ગુજરાતી ભાષામાં સેંકડો અંગ્રેજી શબ્દો ભેળસેળ થઇ ગયા છે તેના જેવું! ઇસ્વીસનની 1લી સદીમાં ગ્રીક વહાણવટીએ લખેલા પેરીપ્લસ મુજબ : ‘’Beyond the Gulf of Baraka (દ્વારકા) is Barygaza. The Country inland of Barygaza is inhabited by numerous tribes. Also there are numerous Bactrians who are under their own kings.’’
પ્રાચીન ભરૂચ જ્યારે લગભગ 1,000 વર્ષ સુધી (ઇ.પૂ. 2જી સદીથી ઇ.સ.ના 8મા સૈકા સુધી) ખીલ્યું, તે સમયે સંસ્કૃત ભાષા ઉચ્ચ વર્ણના વિદ્વાનોની ભાષા હતી. આજે ગુજરાતી ભાષા વિશ્વભરમાં પંકાઇ હોવા છતાં બોલબાલા અંગ્રેજી ભાષાની છે. તેવી રીતે તે સમયે પ્રાકૃત ભાષા લોકોમાં પ્રચલિત હોવા છતાં બોલબાલા ‘દેવવાણી’ સંસ્કૃતની હતી. તમે જરા જુઓ કાલિદાસ, બાણભટ્ટ અને વિશાખા દત્ત જેવા વિશ્વ વિખ્યાત સાહિત્યકારોએ સંસ્કૃતમાં તેમના સર્જનો કર્યા હતા. વરાહમિહિર, આર્યભટ્ટ (‘શૂન્ય’ના શોધક), પતંજલિ, મહર્ષિ ચરક અને સુશ્રુત જેવા વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ અને આયુર્વેદાચાર્યો સંસ્કૃત ભાષામાં લખતા હતા.
સંસ્કૃત ભાષાના સંસ્કાર મોડાવહેલા પ્રાકૃત ભાષા દ્વારા પ્રાકૃત લોકો (‘ગામઠી’, ‘દેશી’) સુધી પહોંચી જતા. હકીકતમાં તો જેવી રીતે સંસ્કૃત ભાષાની અસર પ્રાકૃત સાહિત્ય અને ભાષા ઉપર પડી હતી તેવી રીતે બહુજન સમાજમાં બોલાતી પ્રાકૃત ભાષાની અસર સંસ્કૃત ભાષા ઉપર પણ પડી હતી. આ પ્રકારનું ભાષાકીય અને કલ્ચરલ સિન્થેસીસ ‘ભરૂકચ્છવાસીઓ’ અને ‘લાટ પ્રદેશવાસીઓ’ એ અપનાવ્યું હતું. ભાષાકીય આંતરસંબંધ અત્યંત મહત્ત્વનો હતો. ખરેખર પૂછો તો સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ વચ્ચેનો આંતરસંબંધ મા – દીકરીનો નહીં પણ બે સગી બહેનો જેવો હતો.
‘સૌથી પહેલી ભાષા સંસ્કૃત કે પ્રાકૃત?’ તેનો જવાબ હજુ સુધી એક પણ ભાષાશાસ્ત્રી આપી શકયો નથી. વાત એમ છે કે બંને ભાષાઓ બહેનો હતી. તે સમાંતર ચાલી હતી. તેમાં મોટી બહેન એટલે બહુજન સમાજ જે બોલતો હતો તે પ્રાકૃત (‘દેશી’, ‘ગામડીયા’) ભાષા અને નાની બહેન એટલે સંસ્કૃત, જે મુખ્યત્વે નાની સંખ્યા ધરાવતા બ્રાહ્મણ પંડિતો બોલતા હતા. આજે જે લોકો કડકડાટ અંગ્રેજીમાં બોલે છે, પરીક્ષાઓ આપીને ઊંચા હોદ્દા ભોગવે છે અને સાહિત્ય રચે છે તે બધાને ‘બ્રાહ્મણ’ સમજવા! તેમનું અનુકરણ કરવાનો પ્રાકૃતોનો ધર્મ છે. આજે અંગ્રેજી ભાષા એ ‘દેવવાણી’ છે. બહુજન સમાજની ભાષા ગુજરાતી, મરાઠી, તામિલ, પંજાબી અને બંગાળી એમ ‘દેશી’ (વર્નાકયુલર!) છે. આવું ને આવું પ્રાચીન ભૃગુકચ્છ / બારીગાઝા અને લાટ પ્રદેશમાં આજથી 1000 – 1500 વર્ષ પહેલાં હતું! એ તો એમ જ હોય!! ‘મોટે માંગી છે મહેલ મહેલાતી વાડીઓ, નાને માગી છે તલવાર’ જેવું આ બધું છે. જો કે આ તલવાર લાકડાની છે!!