Columns

દેશના 4 કરોડ બેકાર યુવાનોમાંથી માત્ર 10 લાખને જ સરકાર નોકરી આપશે

કેન્દ્ર સરકારે ભારતીય સૈન્યમાં કામચલાઉ ભરતી માટેની ‘અગ્નિવીર’ યોજના જાહેર કરી તેને પગલે ઉત્તર ભારતમાં જે તોફાનો ફાટી નીકળ્યા તે યુવાનોમાં ઉકળી રહેલા અજંપાની નિશાની છે. કેન્દ્ર સરકારે જે અગ્નિવીર યોજના જાહેર કરી તે મુજબ આ વર્ષે માંડ 46,000 યુવાનોની ભરતી થવાની છે. તેના માટે તોફાનો ફાટી નીકળ્યા, તેનું કારણ એ છે કે બેકાર યુવાનોને હવે સરકારમાં કે દેશના અર્થતંત્રમાં વિશ્વાસ રહ્યો નથી. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડાઓ મુજબ 2019માં ભારતમાં 21થી 29ની વયજૂથના 3 કરોડ યુવાનો બેરોજગાર હતા.

કોરોના મહામારીના 2 વર્ષ દરમિયાન તેમાં આશરે 1 કરોડનો વધારો થયો છે. સરકાર આ 4 કરોડ યુવાનોને રોજી મળે તેવી કોઈ વ્યવસ્થા કરી શકતી નથી. કેન્દ્ર સરકાર દ્વારા જે 18 મહિનામાં નવી 10 લાખ નોકરીઓ પેદા કરવાનું વચન આપવામાં આવ્યું છે, તે પણ પોકળ છે. મોદી સરકાર છેલ્લાં 5 વર્ષમાં માંડ 4.44 લાખ લોકોને નોકરીઓ આપી શકી છે. કેન્દ્ર સરકારમાં કુલ 40.78 નોકરીની ગુંજાઈશ છે. તે પૈકી વર્તમાનમાં 31.91 લાખને જ નોકરી આપવામાં આવી છે. હવે 18 મહિનામાં બીજા 10 લાખ યુવાનોને નોકરી આપવાનું કામ મૃગજળ દેખાડવા જેવું છે.

સરકારને ખબર છે કે આવનારી ચૂંટણીમાં તેને બેરોજગારીનો મુદ્દો ભારે પડવાનો છે. રામ મંદિર, લવ જિહાદ, હિજબ, ત્રિપલ તલાક, 370મી કલમ, કોમી રમખાણો વગેરે દ્વારા પ્રજાને થોડા સમય માટે ભ્રમિત કરી શકાય છે પણ છેવટે ભૂખ યાદ આવે છે, ત્યારે માણસ બધુ ભૂલી જતો હોય છે. ઉદ્યોગોમાં એક બાજુ રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની બોલબાલા વધી રહી છે. મગજના કામો કોમ્પ્યુટરો કરી રહ્યાં છે અને શરીરના કામો રોબોટ કરી રહ્યા છે, ત્યારે કરોડો માનવો બેકાર બનવાના છે. સરકાર તેમને નોકરી આપી શકે તેમ નથી.

માટે મફત અનાજ અને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર જેવી યોજનાઓ દ્વારા પ્રજાને ભિખારી બનાવવામાં આવી રહી છે. પહેલા આપણે લશ્કરમાં કામચલાઉ ભરતી માટેની અગ્નિવીર યોજનાની વાત કરીએ અને પછી કેન્દ્રમાં 10 લાખ નવી નોકરીના ગાજરની વાત કરીએ. લશ્કરમાં અત્યારે કોઈ પણ યુવાન ભરતી થાય તો તેને 17 વર્ષની નોકરીની ગેરન્ટી મળે છે અને પછી આખી જિંદગી માટે પેન્શન મળે છે.

સરકાર હવે નોકરીની ગેરન્ટી અને પેન્શનથી હાથ ધોઈ કાઢવા માગે છે. અગ્નિવીર યોજના હેઠળ દર વર્ષે સૈન્યમાં 50થી 60 હજાર યુવાનોની માત્ર 4 વર્ષની ટૂંકી મુદ્દત માટે ભરતી કરવામાં આવશે. તેમને 4 વર્ષ પછી ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવશે. આ 4 વર્ષના અંતે તેમને કોઈ પેન્શન કે આરોગ્યની સવલત આપવામાં આવશે નહીં. તેમને માત્ર લમ્પસમ 11.7 લાખ રૂપિયાનું વન ટાઇન પેમેન્ટ હાથમાં પકડાવી દેવામાં આવશે. 4 વર્ષ પછી તે સૈનિકોના 25 %ને નિયત ભરતી આપવામાં આવશે. બાકીના 75 % એ બીજી નોકરી શોધી કાઢવી પડશે.

અગ્નિવીર યોજના જાહેર થતાં યુવાનોમાં રોષ ફેલાઈ ગયો, તેનું કારણ એ છે કે લાખો યુવાનો સૈન્યમાં કારકિર્દી બનાવવા વર્ષો સુધી તૈયારી કરતા હોય છે. ઉત્તર પ્રદેશમાં અને બિહારમાં તો તેઓ સૈન્યની પરીક્ષામાં પાસ થવા માટે 5 વર્ષની તાલીમ લેતા હોય છે. 5 વર્ષની તૈયારી પછી પણ તેમને નોકરી મળી જશે તેની ગેરન્ટી હોતી નથી. હવે જો નોકરી મળે તો તે માત્ર 4 વર્ષ માટે મળવાની હોવાથી પરીક્ષાની તૈયારી કરી રહેલા લાખો યુવાનો હતાશ થઈ ગયા છે. તેમની આ હતાશા ટાઇમ બોમ્બ જેવી છે. જો તેનો વિસ્ફોટ થશે તો નવનિર્માણ જેવું આંદોલન પેદા થશે.

કેન્દ્ર સરકાર દ્વારા અગ્નિવીર યોજના માટે 17.5 થી 21 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી હતી. તેને કારણે પણ યુવાનો ગુસ્સામાં હતા. કોરોનાના 2 વર્ષ દરમિયાન સૈન્યમાં ભરતી બંધ રાખવામાં આવી હતી. તેને કારણે પરીક્ષાની તૈયારી કરી રહેલા લાખો યુવાનો 21ની વય વટાવી ગયા હતા. તેમના કોઈ વાંક – ગુના વગર તેઓ નોકરીની તકથી વંચિત રહી જતા હતા. તેમને ઠંડા પાડવા માટે સરકારે ચાલુ વર્ષ દરમિયાન ભરતીની વય 23 વર્ષની કરી છે.

તેનાથી કેટલાક યુવાનો શાંત પડશે પણ તેમનો મૂળ પ્રશ્ન હલ થવાનો નથી. કેન્દ્ર સરકાર હવે ખાનગી ક્ષેત્રની જેમ સરકારી ક્ષેત્રમાં પણ ‘હાયર એન્ડ ફાયર’ની નીતિ અપનાવી રહી છે. તેને પેન્શનનું ટેન્શન જોઈતું નથી. વર્તમાનમાં સંરક્ષણનું જે 5.25 લાખ કરોડ રૂપિયાનું બજેટ છે, તેના 2.5 લાખ કરોડ તો પગારમાં અને પેન્શનમાં જ ખર્ચાઈ જાય છે. સરકાર તે બોજો ઘટાડવા માગે છે. જો સૈન્યમાં કામચલાઉ ભરતીનો કીમિયો કામ કરી ગયો તો સરકાર બીજા ખાતાઓમાં પણ તેવી સ્કિમ લાવી શકે છે.આપણા દેશની જે મૂળભૂત સમસ્યા છે તે ગરીબીની નથી પણ બેકારીની છે.

યંત્રો અને ઉદ્યોગો દ્વારા એક નોકરી ઊભી કરવામાં આવે છે, ત્યારે 10 નોકરીઓનો નાશ થતો હોય છે. કારણ કે તેટલી રોજગારીની તકો છીનવાઈ જતી હોય છે. મજુરીના ક્ષેત્રમાં જે દુર્દશા યંત્રોએ કરી તે વ્હાઇટ કોલર જોબના ક્ષેત્રમાં કોમ્પ્યુટરોએ કરી હતી. એક કોમ્પ્યુટર 10 કારકુનનું કામ કરે છે. માટે 9 કારકુનની નોકરી છીનવાઈ જાય છે. હવે તો AI અને સુપર કોમ્પ્યુટરનો યુગ આવ્યો છે. કોમ્પ્યુટર ચલાવવા હવે માણસની જરૂર નથી રહી. 1 સુપર કોમ્પ્યુટર જ 1,000 કોમ્પ્યુટર ચલાવી શકે છે. જે નિર્ણયો અગાઉ માણસો લેતા હતા તે હવે કોમ્પ્યુટર લે છે.

તેવી જ રીતે ફેક્ટરીમાં હવે મજુરોનું સ્થાન રોબોટ લઇ રહ્યા છે. અગાઉ યંત્રો ચલાવવા માટે માણસોની જરૂર પડતી હતી. હવે તે યંત્રો રોબોટ ચલાવે છે. ઓટોમોબાઇલ ઉદ્યોગમાં તો હવે રોબોટ આવી ગયા છે. ભવિષ્યમાં હોટેલમાં વેઇટર જે કામ કરતા હોય છે તે કામ પણ રોબોટ કરતા હશે. તેને ચોથી ‘ઔદ્યોગિક ક્રાંતિ’ કહેવામાં આવે છે, તે આવીને જ રહેશે. વર્તમાનમાં સૌથી વધુ રોજગારી કૃષિના ક્ષેત્રમાં પેદા થાય છે. ભવિષ્યમાં સમગ્ર કૃષિ જાયન્ટ યંત્રો વડે કરવામાં આવતા કિસાનો પણ બેકાર બની જશે.

તેમના ખેતરોનું રૂપાંતર પણ અનાજ પેદા કરતા રાક્ષસી કારખાનામાં કરવામાં આવશે. દૂધ અને માંસ માટે હવે પશુની જરૂર નહીં રહે. તે પણ ફેક્ટરીમાં બનશે. માટે પશુપાલકો બેકાર બનશે. પેટા જેવી સંસ્થાઓ દ્વારા જે પ્રાણીજન્ય પદાર્થોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, તેનો ખરો ઉદ્દેશ દૂધ અને માંસનું ઉત્પાદન મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના હાથમાં સોંપવાનો છે. જેને કારણે કરોડો લોકો બેકાર બનવાના છે. સરકાર તેમને નોકરી નહીં આપે પણ રોકડ રકમ સહાય તરીકે આપશે.કેટલાક અર્થશાસ્ત્રીઓ દ્વારા યુનિવર્સલ બેસીક ઇન્કમ (UBI)નો વિચાર વહેતો મૂકવામાં આવ્યો છે, જેને ભારત સહિતના દેશોની સરકારોએ પણ અપનાવી લીધો છે.

આ વિચાર મુજબ રોજીરોટીથી વંચિત રહેલા યુવાનો સરકાર સામે બળવો ન કરે તે માટે દર મહિને તેમના ખાતામાં એક ચોક્કસ રકમ નાખી દેવામાં આવશે, જેને ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર કહેવામાં આવે છે. ભારતમાં જે મફત અનાજની યોજના છે તે UBIનો જ પ્રકાર છે. હાલ કિસાનોના ખાતામાં નાની રકમ જમા કરાવાઈ રહી છે. સમય જતાં બધા બેકારોને તેવી સવલત મળશે. સરકારી સહાય પર જીવતા લોકો પોતાનું સ્વત્વ ગુમાવીને સરકારના ગુલામ બની જશે. સરકાર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના ઈશારા પર નાચતી હશે. સરવાળે માનવજાત તેમની ગુલામ બની જશે.

Most Popular

To Top