Madhya Gujarat

ડાકોરમાં રણછોડરાયના નિજમંદિરમાં બહારના વ્યક્તિને પ્રવેશ અપાતા વિવાદ

નડિયાદ: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં કેટલાક બિનઅધિકૃત વ્યક્તિઓને નિજમંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યાં હોવાના આક્ષેપ સાથે મંદિરના એક વારાદારી સેવકે ડાકોર પોલીસમાં અરજી કરી છે અને જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે. સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં મંદિરમાં અવારનવાર સર્જાતાં વિવાદોને પગલે કરોડો શ્રધ્ધાળુઓના આસ્થા સમાં આ મંદિરની છબિ ખરડાઈ રહી છે. જેને પગલે ઠાકોરજીની ભક્તોની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે. દરમિયાન ગત જળયાત્રાના દિવસે મંદિરમાં દર્શનાર્થે આવેલાં કેટલાક વગદાર વ્યક્તિઓને બિનઅધિકૃત રીતે નીજમંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે મંદિરના વારાદારી સેવક અને પૂર્વ સેવક આગેવાન કમલેશભાઈ પટેલે ડાકોર પોલીસમથકમાં અરજી આપતાં ભારે વિવાદ સર્જાયો છે.

આ અરજીમાં જણાવ્યું છે કે, મંદિરમાં દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓ તેમજ સેવક પુજારી સિવાયના અન્ય કોઈપણ વ્યક્તિને નીજમંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ છે. જેને કારણે મંદિરમાં દર્શનાર્થે આવતાં વીઆઈપી વ્યક્તિઓને નિજમંદિર બહારથી જ દર્શન મળે છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા નિજમંદિરમાં પ્રવેશ કરવામાં આવતો હોવાથી વારંવાર વિવાદ સર્જાય છે. ત્યારે આ મામલે તપાસ કરી, જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

મંદિરના કેટલાક સેવકો રાજકીય કદ ‌વધારવા માટે પક્ષના હોદ્દેદારોને વીઆઈપી દર્શન કરાવે છે
શ્રી રણછોડરાયજી મંદિરના કેટલાક વારાદારી સેવકો રાજકીય પક્ષો સાથે જોડાયેલાં છે. આવા સેવકો પક્ષમાં પોતાનું કદ વધારવા માટે તેમનાથી ઉપરી પક્ષના હોદ્દેદારોને મંદિરમાં વીઆઈપી દર્શન કરાવે છે. ધારાસભ્ય, મંત્રીઓ કે પછી ઉચ્ચ કક્ષાના રાજકારણીઓને મંદિરમાં વીઆઈપી દર્શન કરાવવામાં આવે ત્યાં સુધી ઠીક છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયથી પક્ષના ગ્રામ્ય કે તાલુકાના કક્ષાના નાના હોદ્દેદારોને પણ મંદિરમાં VIP દર્શન કરાવવામાં આવી રહ્યાં છે. એક તરફ મંદિરમાં દૂર-દૂરથી દર્શનાર્થે આવતાં શ્રધ્ધાળુઓ ધક્કા ખાઈને દર્શન કરતાં હોય ને બીજી તરફ રાજકારણીઓને વીઆઈપી દર્શન કરાવવામાં આવતાં હોવાથી ભક્તોમાં નારાજગી વ્યાપી છે.

  • અગાઉ સર્જાયેલાં વિવાદો
  • વારાદાર સેવક પરિવારની ૭ થી ૮ મહિલાઓએ નિજમંદિરમાં પ્રવેશ કરી, ઠાકોરજીના ચરણસ્પર્શ કર્યાનો વિવાદ
  • મહિલાઓને હિંડોળો ઝુલાવવાનો અધિકાર ન હોવા છતાં, વારાદારી સેવક પરિવારની મહિલાએ શ્રીજીનો હિંડોળો ઝુલાવતાં
  • વિવાદ સર્જાયો હતો
  • વારાદારી સેવક પરિવારની બે બહેનોએ મંદિરમાં સેવા-પુજા કરવાની જીદ સાથે નિજમંદિરમાં પ્રવેશવા દરવાજે અડીંગો જમાવતાં વિવાદ સર્જાયો હતો
  • મંદિરના સેવકોએ ભેગા મળી મંદિરના પૂર્વ મેનેજર ઉપર હુમલો
  • કર્યાનો વિવાદ
  • મંદિરના વારાદારી સેવકે મંદિરના ભોજનાલયનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાં બાદ પણ જગ્યા ખાલી ન કરતાં વિવાદ સર્જાયો

મંદિરમાં ફોટા પાડવા પરનો પ્રતિબંધ માત્ર શ્રધ્ધાળુઓ માટે જ…?
રાજાધિરાજ શ્રી રણછોડરાયજી મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. વાર-તહેવાર, રવિવાર તેમજ પુનમના દિવસે મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યા લાખોમાં હોય છે. દર્શનાર્થે આવતાં આવા શ્રધ્ધાળુઓને પોતાના મોબાઈલમાં ઠાકોરજીનો ફોટો પાડવાની ખૂબ જ મહેચ્છા હોય છે. પરંતુ મંદિરમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી ઉપર પ્રતિબંધ હોવાથી શ્રધ્ધાળુઓ ઠાકોરજીનો ફોટો પાડી શકતાં નથી. જોકે, આ પ્રતિબંધ મંદિરમાં વી.આઈ.પી દર્શન કરનારા રાજકારણીઓને માટે જાણે લાગુ પડતો ન હોય તેમ, રાજકારણીઓ ઠાકોરજીને પીઠ બતાવી કેમેરા સામે ઉભા રહીને ફોટા પડાવે છે અને સોશ્યલ મિડીયામાં ફોટા અપલોડ પણ કરે છે. તદુપરાંત કેટલાક વારાદારી સેવકોએ નિજમંદિરમાં ભગવાન સાથે બેસી સેલ્ફીઓ પડાવી હોય તેવા ફોટા પણ સોશ્યલ મિડીયામાં વાઈરલ થયાં છે. ત્યારે મંદિરમાં ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી પરનો પ્રતિબંધ માત્ર શ્રધ્ધાળુઓ માટે જ કેમ તેવા પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

મેનેજરની ચીઠ્ઠીને આધારે નિજમંદિરમાં પ્રવેશ અપાતો હોવાના આક્ષેપ
મંદિરના વારાદારી સેવક અને પૂર્વ સેવક પ્રતિનિધિ કમલેશભાઈ સેવકે ડાકોર પોલીસમથકમાં આપેલ અરજીમાં મંદિરના મેનેજર ઉપર પણ આક્ષેપો મુક્યાં છે. જેમાં જણાવ્યું છે કે, ગત જળયાત્રાના દિવસે મેનેજરની ઓફિસમાંથી એક ચીઠ્ઠી નિજમંદિર કારકુનને આપવામાં આવી હતી. જેના આધારે બિનઅધિકૃત વ્યક્તિઓને નિજમંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

Most Popular

To Top