સુરત: ડિંડોલીમાં (Dindoli) બાંધકામ કોન્ટ્રાક્ટર (Contractor) રાખનાર બિલ્ડરની પાસેથી અરુણ પાઠક નામના અસામાજિક તત્ત્વએ પાંચ લાખની ખંડણી માંગીને મારામારી કરતાં પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાઇ હતી. અરુણ પાઠકના બે માણસે બિલ્ડરની સાઇટ ઉપર જઇને બાંધકામ અટકાવી દીધા બાદ બિલ્ડરને કાનૂની કાર્યવાહીમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પરવટ પાટિયા પાસે નંદનવન રો હાઉસમાં રહેતા શ્યામાનંદ અમરનાથ ઠાકુર બાંધકામના વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ ડિંડોલીના લક્ષ્મીનારાયણ વિભાગમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ કરતા હતા. 20 દિવસ પહેલાં અરુણ શેષરામ પાઠક શ્યામાનંદ પાસે આવ્યો હતો અને કહ્યું કે, તમને બાંધકામનો ઓર્ડર મળ્યો છે, તમારે સાઇડનું કામ ચાલુ કરવું હોય તો મને હપ્તાના પાંચ લાખ આપવા પડશે, નહીં તો તમારું કામ ચાલુ નહીં થાય તેમ કહી જતો રહ્યો હતો. બે દિવસ પહેલાં સવારના સમયે સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં સાઇટ ઉપર હાજર લટુરીસીંગ યાદવનો ફોન શ્યામાનંદ ઉપર આવ્યો હતો અને કહ્યું કે, ‘અરુણ પાઠક કે આદમી આયે હુએ હૈ ઔર બાંધકામ રૂકવા દિયા ગયા હૈ. વો બોલ રહે હૈ કી અરુણ પાઠક કો પાંચ લાખ ભીજવા દો તો હી કામ ચાલુ હોગા વરના અરુણ પાઠક પત્રકાર હૈ. ઔર તુમ્હારે શેઠ કો તકલીફ હોગી, તુમ્હારે શેઠ કો બોલો અરુણ પાઠક સે મીલ’ ત્યારે શ્યામાનંદએ કહ્યું કે, આજે બાંધકામ બંધ કરી દો, હું આવતીકાલે આવી જઇશ. બીજા દિવસે શ્યામાનંદ સાઇટ ઉપર હતા ત્યારે ફરીવાર બે યુવક આવ્યા હતા અને શ્યામાનંદને કહ્યું કે, ‘તુમ અરુણ પાઠક સે મિલને નહીં ગયે..? અભી કામ બંધ કર દો, પહેલે અરુણ પાઠક કા પાંચ લાખ કા વ્યવહાર પતા દો. ફીર કામ ચાલુ કરો’. શ્યામાનંદે રૂપિયા આપવાની ના પાડતાં બંને ઉશ્કેરાયા હતા અને ગાળો બોલીને શ્યામાનંદને માર મારવા લાગ્યા હતા. આજુબાજુના લોકો ત્યાં આવી જતા આ બંને ઇસમે શ્યામાનંદને કહ્યું કે, ‘તુમ હમે ઔર અરૂણ પાઠક કો જાનતે નહીં હો, વો તુમે કાનૂની કાર્યવાહીમાં ઇતના ફસા દેગા કી તુમ્હારા યે કામ કભી ચાલુ નહીં હોગા, અગર ચાલુ કરના હૈ તો પતાવટ તો કરની પડેગી. વરના જાન સે હાથ ધો બેઠોગેં’. આ બનાવ અંગે શ્યામાનંદભાઇએ ડિંડોલી પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.