ભરૂચ: અંકલેશ્વરના (Ankleshwar) ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાટવાડ વિસ્તારમાં આવેલા જુનેદ કોમ્પ્લેક્ષમાં રહેતો મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખ પોતાના મકાનમાં ગાંજાનું (Cannabis) વેચાણ કરે છે, એવી બાતમી મળતાં ભરૂચ એસ.ઓ.જી. પોલીસે (Police) બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસને ઘરના સોફાસેટના ખૂણામાંથી સેલોટેપ વીંટાળેલા બે પેકેટોમાંથી ૧૦.૧૪૬ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કુલ ૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી નશીલા પદાર્થના સોદાગર મોહંમદ સોયેબ અબ્દુલ ગની શેખને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછ કરતા તેણે સુરતના અશ્વિનીકુમાર ઝુપડપેટ્ટીમાંથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ખાનવેલની 2 દુકાનમાંથી ગુટખાનો ગેરકાયદે જથ્થો ઝડપાયો
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાનહ પોલીસ વિભાગની સ્પેશ્યલ બ્રાન્ચને ગુપ્ત રાહે બાતમી મળી હતી કે, સેલવાસનાં ખાનવેલ દૂધની રોડ પાસે કરિયાણાની દુકાનમાં ગેરકાયદે ગુટખાનો જથ્થો રાખવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સાથે ખાનવેલ દૂધની રોડ પાસે આવેલો જય જલારામ જનરલ સ્ટોર અને શ્રી સાંઈ કરિયાણા સ્ટોરમાં ઓચિંતો છાપો પાડ્યો હતો. આ બન્ને દુકાનમાં તપાસ કરતાં ત્યાંથી ગેરકાયદે રીતે સંગ્રહાયેલો તંબાકુ બનાવટની ચીજવસ્તુઓ અને ગુટખાનો આશરે 7 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગુટખાના જથ્થાને જપ્ત કરમાલને ફૂડ એન્ડ ડ્રગ વિભાગને સુપરત કરી બન્ને દુકાનોના માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.
ટાંકલ ચાર રસ્તા પાસેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ, ચાલક વોન્ટેડ
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે ટાંકલ ચાર રસ્તા પાસેથી 46 હજારના વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. જ્યારે પોલીસે કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે ટાંકલ ચાર રસ્તા ખાતે વોચમાં હતા. દરમિયાન બાતમીવાળી વર્ણનવાળી લાલ રંગની મારૂતિ સ્વીફ્ટ કાર (નં. જીજે-15-સીજે-6746) ટાંકલ તરફથી આવતા ગાડીના ચાલકને સરકારી લાકડીઓથી ઉભો રહેવા ઈશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે તેની કાર ઉભી નહીં રાખી પુરઝડપે હંકારી હતી. જેથી પોલીસે તેનો પીછો કરતા કાર ચાલકે નોગામા ગામે કુંડળ ફળિયા ઘોલ ખાતે રસ્તો પૂરો થતા પોતાની કાર મૂકી ભાગી ગયો હતો. જ્યારે પોલીસે કારની તપાસ કરતા 46,800 રૂપિયાની વિદેશી દારૂની ૪૦૮ નંગ બાટલીઓ મળી આવી હતી. સાથે જ પોલીસે કાર ચાલકને વોન્ટેડ જાહેર 4 લાખની કાર મળી કુલ્લે 4,46,800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.