વડોદરા: ગૌરવવંતા ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને વેગ આપવા માટે યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૧૮/૦૬/૨૦૨૨ને શનિવારના રોજ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી થવા માટે પધારી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર અફાટ જનમેદનીની સુવિધા માટે સભાસ્થળે ૭ મહાકાય જર્મન ડોમ ઉભા કરવામાં આવ્યા છે. તારીખ ૬ જૂનથી ૫૦૦ લોકો આ મહાકાય અને અત્યાધુનિક જર્મન ડોમ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. ૧૭ લાખ સ્કવેર મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલા સભા સ્થળમાં ૫૦૦ કારીગરો સાથે ૧ સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેર, ૫ કાર્યપાલક ઇજનેર, ૧૫ નાયબ કાર્યપાલક ઇજનેર, ૩૦ મદદનીશ ઇજનેર પણ જર્મન ડોમ અને અન્ય આંતરમાળખાકીય સુવિધા માટે કામ કરી રહ્યા છે. હવે જો, સુવિધાયુક્ત અને અત્યાધુનિક જર્મન ડોમમાં સુવિધાની વાત કરવામાં આવે તો, અહીં વરસાદ કે ગરમીની કોઇ અસર લોકોને નહીં થાય. આ ઉપરાંત જનમેદનીની સુવિધા માટે અહીં ૮૦ LED અને સાડા ચાર હજાર પંખા ફીટ કરવામાં આવ્યા છે, જેથી ગરમીની ચિંતા વગર શીતળ માહોલમાં અફાટ જનમેદની લોકલાડીલા વડાપ્રધાનશ્રીને LED પર નજીકથી નિહાળી શકે અને તેમને સાંભળી શકે.
આ સાથે જ સભા સ્થળે મેડિકલ ટીમો, ઇ-ટોયલેટ વાન સહિતની સુવિધાઓ ખરી જ. મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓમાં રૂ. ૨૧,૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને ભૂમિપૂજન થકી વિકાસની ભેટ મળવાની છે. ૧૮મી જૂનના રોજ વડાપ્રધાનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભવ્ય સભામાં ભારે માનવ મહેરામણ ઉમટવાનું છે, ત્યારે લોકોની સુવિધા માટે વહીવટી તંત્ર પણ ખડે પગે છે. વડોદરા વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રી એસ. જે. પટેલના માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી સાહસ પટેલ, શ્રી કમલેશ થોરાત, શ્રી દેવાંગ ભટ્ટ, શ્રી નૈનેશ નાયકાવાલા, શ્રી ડી. એમ. ફળદુ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી યુ. સી. પટેલ સહિત ફરજ બજાવી રહ્યા છે.