નવી દિલ્હી(New Delhi): અમેરિકા(America)માં થયેલા વ્યાજ દરો(Interest Rate)માં વધારો અને આર્થિક મંદી(economic downturn)ની આશંકાને કારણે, શેરબજાર(Stock Market) ગુરુવારે 1200થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો. છેલ્લા ઘણા દિવસોથી BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સારી શરૂઆતથી આશા હતી કે રોકાણકારોને હવે થોડી રાહત મળી શકે છે. જો કે, બપોરે એક વાગ્યે બજાર ધમધમી ઉઠ્યું હતું.
સેન્સેક્સ ટોચ પરથી ખૂબ નીચે આવી ગયો છે યુએસમાં ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. આ પછી ગઈ કાલે અમેરિકી શેરબજાર જોરદાર રીતે બંધ થયું હતું. યુએસ માર્કેટમાં આવેલી તેજીના કારણે આજે સ્થાનિક માર્કેટની શરૂઆત પણ સારી રહી હતી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ એકવાર 600 પોઈન્ટ સુધી ચઢી ગયો હતો. પરંતુ બપોર સુધીમાં સેન્સેક્સ 1000થી વધુ પોઈન્ટના નુકસાનમાં ગયો હતો. એટલે કે બજાર તેની આજની ટોચથી 1600થી વધુ પોઈન્ટ તૂટી ગયું છે.
વર્ષની નીચી સપાટીએ શેર બજાર
સેન્સેક્સ અને નિફ્ટીએ 1-1 ટકાથી વધુના વધારા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું. સવારે 09:20 વાગ્યે સેન્સેક્સ 550 પોઈન્ટથી વધુના વધારા સાથે 53 હજાર પોઈન્ટની ઉપર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી લગભગ 150 પોઈન્ટ ઉછળીને 15,850 પોઈન્ટની નજીક હતો. બપોરે 01 વાગ્યે, સેન્સેક્સ 640 પોઈન્ટ (1.22 ટકા) કરતાં વધુના ઘટાડા સાથે 51,900 પોઈન્ટ્સ પર આવી ગયો હતો. બાદમાં ઘટાડો સતત વધતો ગયો. 02:45 સુધીમાં, સેન્સેક્સ 1000 થી વધુ પોઈન્ટના નુકસાનમાં ગયો હતો. આ જ તર્જ પર, નિફ્ટી લગભગ 225 પોઈન્ટ ઘટીને 15,465 પોઈન્ટ પર આવી ગયો હતો. જુલાઈ 2021 પછી સ્થાનિક બજાર માટે આ સૌથી નીચું સ્તર છે.
ગઈકાલે પણ ખૂબ જ અસ્થિર હતું માર્કેટ
અગાઉ બુધવારના કારોબારમાં પણ દિવસભર શેરબજાર અસ્થિર બની રહ્યું હતું. બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 152.18 પોઈન્ટ્સ (0.29 ટકા) ઘટીને 52,541.39 પર અને નિફ્ટી 39.95 પોઈન્ટ્સ (0.25 ટકા) ઘટીને 15,692.15 પર હતો. મંગળવારે સેન્સેક્સ 153.13 પોઈન્ટ ઘટીને 52,693.57 પર અને નિફ્ટી 42.30 પોઈન્ટના ઘટાડા સાથે 15,732.10 પર હતો.
આ કારણે મંદી ઘેરી બનવાના અણસાર
રેકોર્ડ સ્તર પર વધી રહેલા ફુગાવાને અંકુશમાં લેવા માટે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજ દરમાં 0.75 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. લગભગ ત્રણ દાયકામાં યુએસમાં વ્યાજ દરોમાં આ સૌથી મોટો વધારો છે. હવે અમેરિકામાં વ્યાજ દર વધીને 1.50-1.75 ટકા થઈ ગયા છે. હાલમાં, અમેરિકામાં છૂટક ફુગાવાનો દર 8.6 ટકા છે, જે લગભગ 40 વર્ષમાં સૌથી વધુ છે. ફેડરલ રિઝર્વ તેને 2 ટકાની રેન્જમાં લાવવા માંગે છે. આ કારણોસર, અર્થતંત્રમાંથી તરલતા ઘટાડવા અને માંગ પર લગામ લગાવવા માટે ફેડરલ રિઝર્વ આક્રમક રીતે વ્યાજ દરોમાં વધારો કરી રહ્યું છે. જો કે આની સાથે વ્યાજદરમાં ઝડપી વધારાને કારણે અર્થતંત્ર પર મંદીનું જોખમ પણ વધુ ગંભીર બનશે.