માં બાળકને જન્મ આપે છે, તેવીજ રીતે પિતા બાળકને જીવન જીવતા શીખવાડે છે. તે બાળકને મહેનત કરતાં અને અવળી પરિસ્થિતિઓની સાથે કઈ રીતે લડવું તે શીખવાડે છે. પિતા એક એવું છાંયડો આપનારું વૃક્ષ છે જે પોતેતો હરએક મુશ્કેલીઓનો સામનો કરી લે છે, પણ પોતાનાં બાળક પર ઉની આંચ નથી આવવાં દેતા. પિતા ઘરનો આધાર સ્તંભ હોય છે. કામનાં બોજ તળે દબાયેલાં પિતા ટીનેજર્સ બાળકને સમય નથી આપી શકતા. એવી સ્થિતિમાં બાળક પિતાની સામે ફરિયાદ કરતું હોય છે કે, ડેડી આખો દિવસ કામમાં જ રચ્યાંપચ્યા રહે છે. કસે બહાર ફરવા નથી લઈ જતાં. સમય નથી આપતા. આવી વારંવાર ફરિયાદ કરનાર ટીનેજર્સ બાળકને એકલાને ડેડી જ્યારે ફરવા લઈ જાય કે, રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડ ખાવા લઈ જાય તો બાળકને અપાર ખુશી મળે છે.
અને ડેડી પ્રત્યે આદરભાવ વધી જાય છે. પિતાનો પણ વસવસો દૂર થઈ જતો હોય છે. એક સમય એવો હતો જ્યારે મમ્મી વધારે ઘરમાં રહેતી અને તે જ ટીન એજર બાળકોની ફ્રેન્ડ બની જતી. પણ હવે જ્યારે માતા-પિતા બંને જ વર્કિંગ હોય છે ત્યારે ટીનેજર્સ પિતાની પણ નજદીક રહેવાં લાગ્યાં છે. સુરતી પપ્પા પણ પોતાના કામની વ્યસ્તતા વચ્ચે ટીનેજર્સ બાળકને સમય આપી ફ્રેન્ડ બની જતાં હોય છે. ચાલો રવિવાર 19th જૂન ફાધર્સ ડે નિમિત્તે આપણે સુરતનાં એવા પિતાઓને મળીએ જેમણે કામની વ્યસ્તતાની વચ્ચે એક આખી ટ્રીપ પોતાના સન કે ડોટર ને નામે કર્યો હોય.
ડોટર માસૂમીને બાઇક પર પુણે શહેરમાં ફેરવી દીકરીને ખુશ કરી: ડૉ. મિલિંદ વાડેકર
વ્યવસાયે ડૉક્ટર એવા ગાયનેકોલોજિસ્ટ ડૉ. મિલિંદ વાડેકરને 15 વર્ષની ડોટર છે. દીકરીનું નામ માસૂમી છે. ડૉ. મિલિંદને એ વાતનો વસવસો રહે છે કે, તેઓ પોતાના કામની વ્યસ્તતાને કારણે દીકરી માસૂમીને સમય નથી આપી શકતા. દીકરી 10માં ધોરણમાં આવી ગઈ છે અને 12માં ધોરણ પછી તે ઉચ્ચ શિક્ષણમાં બીજી થઈ જશે. અને એક વાર તેમના પપ્પા ડૉ હિંદકુમારે કહ્યું હતું કે,બેટા દીકરી પર વધુ ફોકસ કર. તે ક્યારે મોટી થઈ જશે અને પરણીને ચાલી જશે તેનો ખ્યાલ પણ નહીં આવે અને દીકરીને સમય નહીં આપ્યાનો દીકરી સાથે સમય નહીં વિતાવ્યો એનો અફસોસ રહી જશે. એટલે ડૉ. મિલિંદને પણ ફિલ થયું કે, I need to spend time with my daughter. અને તેમણે દીકરીને સરપ્રાઈઝ આપતાં ડોટર માસૂમીને બે દિવસ માટે પુણે ફરવા લઈ ગયા. પુણેમાં બાઇક હાયર કરી અને દીકરીને બાઇક પર પુણે ના ઐતિહાસિક અને ફેમસ સ્થળો પર ફેરવી. પુણેની ઐતિહાસિક કોલેજ બતાવી. પોતે ક્યાં ભણેલાં મિત્રો સાથે ક્યાં ફરતા તે જગ્યાઓ બતાવી. પુણે શહેર કલચરલ હબ ગણાય છે. પુણેની ફરગ્યુશન અને ભારતીવિદ્યાપીઠ કોલેજ બતાવી. જ્યા તેઓ કોલેજકાળમાં પુસ્તકો ખરીદતાં તે બુક સ્ટોલ બતાવ્યા. માસૂમી તો ડેડીની સાથે બાઇક પર પુણે માં ફરીને શોપિંગ કરીને ખુબજ ખુશખુશાલ થઈ ગઈ હતી. ડેડીને ગળે ભેટી પડી અને કાનમાં બોલી લવ યુ ડેડી હું આખી જિંદગી આ બે દિવસને નહીં ભૂલું. આ મારા માટે યાદગાર ક્ષણો રહેશે.
દીકરા ક્રિશિવને દમણ ફરવા લઈ જઈ તેની ડેડી સાથે એકલાં ફરવાની ઈચ્છા પૂરી કરી: સંતોષ જગધની
11 વર્ષનો દીકરો છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી બહાર ફરવા લઈ જવાની જિદ્દ કરતો હતો આ શબ્દ છે 37 વર્ષીય સંતોષ જગધનીના. તેઓ ગ્રાફિક ડિઝાઇના બિઝનેસ સાથે સંકળાયેલાં છે. તેમનો 11 વર્ષનો દીકરો ક્રિશિવ ડેડીથી નારાજ હતો કેમકે, છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ડેડી તેને કશે ફરવા લઈ જઈ શકતા નહીં હતાં. સંતોષભાઈએ કહ્યું કે, આ વખતે બિઝનેસને બાજુ પર રાખી દીકરાને વેકેશન માં દમણ ફરવા લઈ ગયાં. અહીં સમુદ્ર કિનારે ડેડી અને દીકરાએ દરિયાની ઉછળતી કૂદતી લહેરોને શાંતિથી જોઈ કુદરતા નજારાને માણવાની સાથે દીકરાની લાંબા સમયની ફરિયાદનું નિવારણ કર્યું અને બાપ-દીકરા મટીને ફ્રેન્ડ બની ગયા.
નાના દીકરાને પરિવાર સાથે લંડન નહીં લઈ જઈ શકયા તો સ્પેશ્યલ દુબઈની ટ્રીપ ગોઠવી: શશીકાંત અસનાડીયા
વ્યવસાયે એડવોકેટ શશીકાંત અસનાડીયા અડાજણ વિસ્તારમાં રહે છે. તેમને 2 પુત્રો છે. દેવાંગ 19 વર્ષનો અને જ્યાંશુ 15 વર્ષનો. શશીકાંતભાઈએ પરિવાર સાથે ત્રણ વર્ષ પહેલાં લંડન ફરવા જવાનો પ્રોગ્રામ બનાવેલો. પણ નાના દીકરા જ્યાંશુનો પાસપોર્ટ રીન્યુ કરવા આપેલો જે સમય પર રીન્યુ થઈ ને નહીં આવતા તેઓ જ્યાંશુને લંડન નહીં લઈ જઈ. એટલે જ્યાંશુને ડેડી પ્રત્યે ખૂબ ગુસ્સો આવેલો. તે ડેડી સાથે વાત કરવા પણ તૈયાર નહીં હતો. એને ખૂબ સમજાવવામાં આવ્યો કે તનો પાસપોર્ટ રીન્યુ નહીં થયેલો એટલે તેને નહીં લઈ ગયા.
શશીકાંતભાઈએ કીધું કે ડેડી તરીકે મને પણ ખૂબ અફસોસ થયેલો કે, તે દીકરાને નહીં લઈ જઈ શક્યા. એટલે તેમણે તરત જ જ્યાંશુ માટે દુબઈની ટ્રીપ ગોઠવેલી. ઓગસ્ટ -2019 માં નાના દીકરા જ્યાંશુને દુબઈ ફરવા લઈ ગયા. અહીં દીકરાના ફ્રેન્ડ બની જોવાલાયક સ્થળો પર ગયા. 15 દિવસ પિતા અને દીકરો ફ્રેન્ડ બનીને દુબઈની ટ્રીપ ખૂબ એન્જોય કરી. જ્યાંશુ 10માં ધોરણમાં અભ્યાસ કરે છે. આ વખતે ફાધર્સ ડે પર તે અને તેનો મોટો ભાઈ દેવાંગ પોકેટમનીમાં થી ડેડી માટે ગિફ્ટ લેવાંના છે. જેટલાં પૈસા હાલમાં તેમની પાસે છે તેમાંથી ડેડી માટે રિસ્ટ વોચ અથવા, ટી-શર્ટ નહીં તો વૉલેટ ગિફ્ટમાં આપી ડેડીને રેસ્ટોરન્ટમાં લઇ જઇ નાનકડું સેલિબ્રેશન કરવાં માંગે છે.
ફાધર્સ-ડેના 10 દિવસ પહેલા જ દીકરીને પાનેરા ફરવા લઈ જઈ ક્વાૅલીટી ટાઈમ સ્પેન્ડ કર્યો: નરેશ ફલ્લાવાલા
અડાજણ વિસ્તારમાં રહેતાં અને ઇવેન્ટ મેનેજમેન્ટનાં બિઝનેસ સાથે સંકળાયેલા નરેશ ફલ્લાવાલા કામની વ્યસ્તતાને કારણે પરિવાર સાથે ખૂબ ઓછો સમય પસાર કરી શકે છે. તેમની 13 વર્ષની દીકરી જાનવીને લાગતું કે ડેડી મને સિટીમાં પણ ફરવા હોટેલમાં જમવા નથી લઈ જતાં. એટલે તેનો મૂડ હંમેશા ખરાબ રહેતો. નરેશભાઈને પણ આ વાતનો અહેસાસ થતાં તેઓએ ફાધર્સ ડે નાં 10 દિવસ પહેલાં દીકરીને પાનેરા વલસાડ પાસે ફરવા લઈ ગયાં.
અહીં કુદરતના સાંનિધ્યમાં ડેડી અને ડોટર જાનવીએ ખૂબ આનંદ માણ્યો. કિલ્લા પર ફોટા પડાવ્યા. કુદરતના ખુબસુરત નજારાને મનભરીને માણ્યો. અને નરેશભાઈને ફિલ થયું કે દીકરી સાથે અલકમલકની વાતો કરી ફ્રેન્ડ બની જવાયું છે. જાનવીને પાણીપુરી બહું જ ભાવે એટલે ડેડીએ પ્રોમિસ આપ્યું છે કે, જાનવી ને રવિવારના દિવસે પાણીપુરી ખવડાવવા બહાર લઈ જશે. જાનવી અને તેના ભાઈ વરુણે નક્કી કર્યું છે કે, ફાધર્સ ડેનાં દિવસે ડેડી સાથે રેસ્ટોરન્ટમાં જમવા જશે અને ડેડીને રિસ્ટ વોચની ગિફ્ટ આપશે. આખો દિવસ ડેડી સાથે ખૂબ મસ્તી-ધમાલ કરીને ફાધર્સ ડે ઉજવશે.
હિરલને ભાવતી પાઉંભાજી ખવડાવી તેની ફરિયાદનું નિવારણ કર્યું: ગૌતમ મેર
42 વર્ષીય ગૌતમ મેર કોસ્મેટિકનાં બિઝનેસમાં વ્યસ્ત રહે છે. તેમની 17 વર્ષની ડોટર હિરલની હંમેશા ફરિયાદ રહેતી કે, ડેડી અને મમ્મી મને હમેશા નાની-નાની વાતમાં સલાહ આપ્યા કરે છે. મને એકલા ડેડી સાથે ફાસ્ટ ફૂડ ખાવા જવું છે. અને ડેડી ગૌતમભાઈએ ફાધર્સ ડે ના અઠવાડિયાં પહેલાં શનિવારે અડાજણમાં રેસ્ટોરન્ટમાં હિરલને લઈ જઈ સરપ્રાઈઝ નાનકડી પાઉંભાજીની પાર્ટી આપી. હિરલ તો આ સરપ્રાઈઝથી ગદગદિત થઈ ગઈ હતી અને તેને ડેડીને કહી દીધું આજથી આપણે ફ્રેન્ડ્સ. ગૌતમભાઈએ દીકરીને પ્રોમિસ આપ્યું છે કે, પપ્પા અને દીકરી ગોઆ ફરવા જશે. દરિયા કિનારે ફરશે. ખૂબ શોપિંગ પણ કરશે.હિરલ અને તેના ભાઈ નિરજે હજી ડીસાઈડ નથી કર્યું કે, ફાધર્સ ડે કઈ રીતે ઉજવવો. પણ ડેડી ને સરસ મજાની સરપ્રાઈઝ ગિફ્ટ ચોક્કસ જ આપશે. ગૌતમભાઈની દીકરી હિરલને કોઇવાર એવું લાગે છે કે મમ્મી પપ્પા ભાઈ પ્રત્યે વધારે ધ્યાન આપે છે અને નાની નાની વાતોમાં તેને રોકટોક કરે છે. પણ જ્યારે પપ્પાએ તેને રેસ્ટોરન્ટમાં લઇ જઇને પાઉંભાજીની પાર્ટી આપી હતી ત્યારે તેની બધી જ ફરિયાદોનું નિવારણ થઇ ગયું હતું.