નડિયાદ: મહેમદાવાદ તાલુકાના અકલાચા ચોકડી પર આવેલ ગરીબ પરિવારના ઝુંપડામાંથી ચાંદીના દાગીના તેમજ મોબાઈલની ચોરી કરનાર બે શખ્સો, પોલીસે ખલાલ ચોકડી પરથી ઝડપી પાડ્યાં હતાં. તેઓએ ચોરી કરેલાં દાગીના હલધરવાસના સોનીને વેચ્યાં હોવાથી પોલીસે તે સોનીની પણ અટકાયત કરી હતી અને ચોરીમાં ગયેલ ચાંદીના દાગીના તેમજ મોબાઈલ કબ્જે લીધાં હતાં. ખેડા જિલ્લા એલ.સી.બી પોલીસની ટીમ કઠલાલ તાલુકાના ખલાલ ચોકડી પર પેટ્રોલીંગમાં હતી. દરમિયાન માર્ગ પરથી પસાર થતાં ભાનુભાઈ હિરાભાઈ ચુનારા (રહે.હાઈસ્કુલની પાછળ, સરખેજ, તા.કઠલાલ) અને રમેશભાઈ જેસંગભાઈ ચુનારા (રહે.રામપુરા, ચરામાં, તા.દસક્રોઈ) ની પોલીસે શંકાને આધારે અટકાયત કરી હતી.
જે બાદ બંને તલાશી લેતાં તેમની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવ્યાં હતાં. પોલીસની ટીમે કડકાઈ દાખવી સઘન પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેઓએ આ મોબાઈલ તેમજ અન્ય ચાંદીના દાગીના મહેમદાવાદ તાલુકાના અકલાચા ચોકડી પર આવેલ એક ઝુંપડીમાંથી ચોરી કર્યાં હોવાની કબુલાત કરી હતી. પોલીસે ચાંદીના દાગીના બાબતે પુછપરછ કરતાં, તેઓએ દાગીના હલધરવાસમાં રહેતાં રોનકભાઈ દિપભાઈ સોનીને વેચ્યાં હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે રોનક સોનીની અટકાયત કરી, તેની પાસેથી રૂ.૩૮,૭૦૦ના ચાંદીના દાગીના પરત મેળવ્યાં હતાં. પોલીસે ચાંદીના દાગીના, ત્રણ મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂ.૪૭,૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી, કાર્યવાહી હાથ ધરી છે.